પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ગોપીઓ આખો દિવસ ઘરનું કામકાજ કરે છે અને રાત્રે બધી સખી મળી કૃષ્ણલીલાનું ચિંતન કરે છે. ધ્યાન એકલા કરો, પણ કીર્તન ઘરનાં બધાં માણસો ભેગા થઈ ને કરો. લોકો આજે ઘરને સ્વચ્છ રાખે છે, પણ પવિત્ર રાખતા નથી. રાત્રે સૂતા પહેલા ઘરમાં બધાં ભેગા મળી ઓછામાં ઓછું અર્ધો કલાક કીર્તન કરો. તમારું ઘર પવિત્ર થશે. કથા એ કીર્તનભક્તિ છે. કીર્તનના ત્રણ પ્રકાર છે. નામ સંકીર્તન, ગુણ સંકીર્તન, લીલા સંકીર્તન. ઘરમાં કીર્તન રોજ થવું જ જોઈએ. સખી! તું જાણતી નથી. મારો કનૈયો ચાર પ્રકારે વાંસળી વગાડે છે. જ્યારે તે ડાબા ગાલ ઉપર રાખી વાંસળી વગાડે છે ત્યારે ગોપીઓ તન્મય થાય છે. જયારે તે આકાશ તરફ ઉપર નજર રાખી વગાડે છે ત્યારે સ્વર્ગના દેવો તન્મય બને છે. પાતાળ તરફ નજર રાખી કનૈયો વાંસળી વગાડે છે ત્યારે પાતાળની નાગકન્યાઓ ડોલે છે.વાંસળીના મધુર સ્વરથી મોહિત થયેલી કૃષ્ણસાર મૃગોની પત્ની હરણીઓ પણ પોતાનું ચિત્ત તેમના ચરણો પર ન્યોછાવર કરી દે છે. દિવસમાં શ્રીકૃષ્ણલીલાનું અને શ્રીકૃષ્ણકીર્તન કરી ગોપીઓ બ્રહ્મસંબંધ રાખે છે. બ્રહ્મસંબંધ કાયમને માટે ટકાવવાનો છે. બ્રહ્મસંબંધ સતત કરો. કાળજી રાખો એક ક્ષણ પણ સંસારની જડ વસ્તુઓ સાથે સંબંધ ન થાય. એક વખત નારદજી કંસ રાજાને ઘરે ગયા. કંસ પાસે જઈને કહ્યું, આ વસુદેવે તને દગો કર્યોં છે. તું ભોળો છે. તને ખબર નથી. વસુદેવે તારી સાથે કપટ કર્યું છે. દેવકીનો આઠમો પુત્ર નંદજીને ત્યાં મૂકી આવ્યાં અને યશોદાની પુત્રીને લઈને આવ્યા. શ્રીકૃષ્ણ દેવકીનો પુત્ર છે. અને બલરામ રોહીણીનો પુત્ર છે. તેઓએ તારાં ઘણા સેવકોને મારી નાંખ્યા છે. કંસને ક્રોધ આવ્યો, વસુદેવને મારવા તૈયાર થયો. વેર વધારે તે વૈષ્ણવ નહિ. નારદજીને સળગાવતાં આવડે તેમ ઓલવતાં પણ આવડે છે. આપણને કેવળ સળગાવતા જ આવડે છે. નારદજી કંસને સમજાવે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
વસુદેવને મારવાનો કંઈ અર્થ નથી. તારો કાળ શ્રીકૃષ્ણ છે. તું વસુદેવને મારી નાંખે તો શ્રીકૃષ્ણ ત્યાંથી નાસી જાય તો? માટે તારા કાળને મારવાનો તું પ્રયત્ન કર. કંસ રાજા વિચાર કરવા લાગ્યા. મારા કાળને મારે કેવી રીતે મારવો? ગોર મહારાજે કહ્યું, તમે ધનુષ યજ્ઞ કરો. તેથી યજમાનનું આયુષ્ય વધે છે અને તેના શત્રુઓ મરે છે. પરંતુ પાંચ દિવસના યજ્ઞમાં વિઘ્ન થાય તો યજમાન મરે છે. તે વખતે કંસના મોટા મલ્લો ત્યાં આવ્યા છે. મલ્લોએ કહ્યું કે એ બાળક તમને શું મારવાનો હતો? તમારા કાળને અમે મારીશું તેને અત્રે બોલાવો. કંસે વિચાર્યું યજ્ઞના નિમિત્તથી હું નંદબાબાને આમંત્રણ આપીશ. સાથે રામકૃષ્ણને લાવવાનું કહીશ. ષડયંત્ર રચ્યું. કંસે મલ્લોને કહ્યું. તેઓ અત્રે આવે ત્યારે, તેઓને મારી નાંખજો. તેઓ મારા શત્રુ છે. તેઓના હાથે મારું મરણ છે. કાળ સમીપ આવે, મૃત્યુની છાયા પડે એટલે સ્વભાવ બુદ્ધિ એકદમ બદલાય છે. પુણ્યશાળી અતિ પુણ્ય કરે છે અને પાપીનો સ્વભાવ અતિ ક્રોધી બને છે. પણ રામકૃષ્ણને બોલાવવાનું કામ સોંપવું કોને? છેવટે અક્રૂર ઉપર નજર પડી. અક્રૂર વિશ્વાસઘાત નહિ કરે. જે ક્રૂર છે તે ભગવાનને લાવી શકે નહિ. કામસુખનું ચિંતન કરનારનું મન ક્રૂર છે. અક્રૂર થાય તે ભગવાનને ઘરે લાવે. અક્રૂર શ્રીકૃષ્ણને ગોકુળથી મથુરા લઈ આવેલા, અક્રૂર કોણ? જે ક્રૂર નથી તે. કંસે અક્રૂરને બોલાવ્યાં અને કહ્યું કાકા! મારું એક કામ કરો. કંસ કહે છે દેવકીનું આઠમું સંતાન શ્રીકૃષ્ણ એ મારો કાળ છે. મારા કાળને મારવા હું પ્રયત્ન કરું છું. તમે નંદબાબાને ધનુષ્ય યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપવા ગોકુળ જાવ. સાથે રામકૃષ્ણને અત્રે લઇ આવો. આ વાત કોઈને કહેશો નહિ, મારું આટલું કામ કરો. કંસ મૃત્યુને બોલાવે છે. મનુષ્ય મૃત્યુને બોલાવે છે. ત્યારે તે આવે છે. કંસને મરવાની ઉતાવળ છે. તે પોતાના કાળને બોલાવે છે. વધારે જીવવાની કે જલદી મરવાની ઈચ્છા રાખવી નહિ, કયારે મરીશ તેનો વિચાર કરશો નહિ. પોતાનું જીવન કેવું છે તેનો વિચાર કરો. આ ઉપર વ્યાસના શિષ્ય દાસની કથા છે. વ્યાસજીનો એક ચેલો હતો. તેનું નામ દાસ. તેણે વ્યાસજીની બહુ સેવા કરેલી. એક દિવસ તેણે વ્યાસજીને કહ્યું કે હું કયારે મરીશ તે મારે જાણુવું છે. વ્યાસ ભગવાને કહ્યું, એ પ્રશ્ન રહેવા દે, તારે એ જાણવાની શી જરૂર છે? દાસે અતિ આગ્રહ કર્યો ત્યારે વ્યાસે કહ્યું, તારી ઈચ્છા છે તો આપણે તે વાત યમરાજને પૂછીશું. વ્યાસ અને દાસ યમરાજ પાસે ગયા, યમરાજને પૂછ્યું, આ દાસનું મૃત્યુ કયારે છે તે કહો. યમરાજ કહે તે હું જાણતો નથી. તે મારા મંત્રી મૃત્યુદેવ જાણતા હશે. ચાલો, તેની પાસે જઇએ. વ્યાસ, દાસ અને યમરાજ મૃત્યુદેવ પાસે આવ્યા. મૃત્યુદેવને પૂછ્યું, આ દાસનું મૃત્યુ કયારે છે? મૃત્યુદેવે કહ્યું, એ તો હું જાણતો નથી. એ વાતની તો પ્રારબ્ધને ખબર પડે તેથી વિધાતાના ઘરે તેઓ ચારે જણા આવ્યા. વિધાતાએ કહ્યું, મેં દાસના પ્રારબ્ધમાં લખેલું હતું કે જયારે વ્યાસજી, દાસ, યમ અને મૃત્યુ એ ચારે મારા ઘરે આવશે ત્યારે તે મરશે. વ્યાસજી! એ તમારો ચેલો છે તે ન મરે તેટલા માટે મેં આવું લખ્યું હતું. દાસના મૃત્યુને હવે બે ક્ષણ બાકી છે. બહુ જીવવાનો વિચાર ન કરો અને મરવાનો પણ ન કરો. તે બંને વિચારો બાધક છે. એટલો જ વિચાર રાખો કે, મારે હાથે પાપ ન થાય. પરોપકાર અને પુણ્યકાર્યમાં મારું જીવન વ્યતીત થાય.