Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

કંસે અક્રૂરજીને કહ્યું તમે આવતી કાલે ગોકુળમાં પધારો. રામકૃષ્ણને લઈ આવો, અને મારી ગુપ્ત વાત કોઈને કહેશો નહિ. અક્રૂરજીએ કહ્યું, આપની આજ્ઞા છે, તો આવતી કાલે હું ગોકુળ જઈશ. કંસ રાજાનો સમય થયો એટલે તેને મરવાની ઇચ્છા થઇ. તે શ્રીકૃષ્ણને આમંત્રણ આપે છે. અક્રૂરકાકા ઘરે આવ્યા. અકૂરકાકાને આજે ઊંઘ આવતી નથી. આજની રાત કયારે પૂરી થશે? આવતી કાલે મારે ગોકુળમાં જવાનું છે. અક્રૂર શ્રીકૃષ્ણ દર્શન માટે વ્યાકુળ થયા છે. પ્રાત:કાલ થયો. અક્રૂરજી સંઘ્યાદિક કર્મથી પરવાર્યા. કંસનો સોનાનો રથ આવ્યો. કંસના ખાસ સોનાના રથમાં અક્રૂર ગોકુળ જવા નીકળ્યા. રસ્તે જતાં જતાં અક્રૂર ભગવાનના વિચાર કરે છે. હું ભાગ્યશાળી કે આજે મને ભગવાનના દર્શન થશે. હું અધમ છું, પાપી છું, લાયક નથી, પરન્તુ શરણાગત છું. મારા ભગવાન મને નહિ અપનાવે? મને પરમાત્મા જરૂર અપનાવશે. આજે મારો જન્મ સફળ થશે. અક્રૂરની જેમ, રસ્તામાં પણ ભગવાનનું ચિંતન કરતાં કરતાં જ ચાલો. પદે પદે શ્રીકૃષ્ણનું ચિંતન કરજો. પરમાત્મા પ્રસન્ન થશે. ત્યારે લોકો રસ્તે ચાલતા કોઇના કપડાં, કોઈના મુખ નિહાળે છે. કોઇની મોટર કે કોઇના મુખ જોવાથી તમારો શું દી વળવાનો હતો? સંસારના ખોટા વિચારો કરવાથી મન બગડે છે. મન બગડયા પછી તે જલદી સુધરતું નથી. તેના કરતાં ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ચાલો. એક એક પગે પ્રદક્ષિણાનું પુણ્ય મળશે. ચાલવું કેવી રીતે તે બતાવ્યું છે અક્રૂરે. અક્રૂર કાકા રસ્તે ચાલે છે. ત્યારે ભગવાનને રિઝાવતા ચાલે છે. રસ્તે ચાલો ત્યારે ભગવત સ્મરણ કરતાં ચાલો. રસ્તે ચાલતાં જે ભજન ન કરે તે આંખથી અને મનથી પાપ કરે છે. પાપી તો રસ્તે ચાલતાં પણ પાપ કરે છે અને પુણ્યશાળી રસ્તે ચાલતાં પણ સત્કર્મ કરે છે. આ બધા રસ્તાઓ, મોટર ગાડીઓ, મકાનો રોજના છે. રસ્તે ચાલતાં કોઇને જોશો નહિ. ભાગવતની કથા સાંભળે, તેનો સંબંધ ભગવાન સાથે થાય છે. રસ્તે ચાલતાં અક્રૂર પરમાત્માનું સ્મરણ કરે છે. અકૂરજી વિચારે છે મારો ભાગ્યોદય થયો છે. મારા જેવા કામીને શ્રીકૃષ્ણનાં દર્શન થાય નહિ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭

પણ શ્રીકૃષ્ણે મને અપનાવ્યો છે તેથી કંસે મને મોકલ્યો છે, મને લાગે છે સાંયંકાળે મને ગૌશાળામાં શ્રીકૃષ્ણનાં દર્શન થશે.ભગવાન ગૌશાળામાં હશે. તેના ગોપાળમિત્રો પણ ત્યાં હશે. દાઉદાદાને પ્રથમ વંદન કર્યા પછી હું મારા શ્રીકૃષ્ણને કહીશ, હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ તમારા શરણે આવ્યો છે. આ જીવને નાથ અપનાવો. આ અધમ જીવ તમારે શરણે આવ્યો છે. એકવાર કહી દો કે હું તમારો છું. ભગવાનની દ્દષ્ટિ મારા ઉપર પડશે. મારા ભગવાનની દ્ષ્ટિ પ્રેમભીની છે. સ્નેહાળ નેત્રોથી કનૈયો મને નિહાળશે, એટલે હું પવિત્ર થઇશ. હું વંદન કરીશ ત્યારે ભગવાનની દ્દષ્ટિ મારા ઉપર પડશે. ભગવાન મારી સન્મુખ જોશે અને પોતાનો વરદ હસ્ત મારા મસ્તક ઉપર પધરાવશે. અક્રૂર વિચારમાં-ધ્યાનમાં એવા તન્મય થયા છે કે જાણે ગોકુળ પહોંચી ગયા છે અને શ્રીકૃષ્ણ પોતાનો હાથ તેના મસ્તક ઉપર મૂકે છે. એમ વિચારી પોતાનો જ હાથ અક્રૂરકાકાએ પોતાના મસ્તક ઉપર મૂકયો છે. ચિંતનમાં આવી એકાગ્રતા થાય, ત્યારે ભગવાન મળે છે. મનુષ્ય આવા પવિત્ર વિચારો કરે તો જીવન સફળ થાય. મારી પાસે આટલું છે. બે વર્ષ આવી રીતે સારો ધંધો ચાલશે તો મોટર પણ લાવીશ. કેવળ સુખ ભોગવવાના આવા વિચારો કરવાથી આત્મશક્તિનો નાશ થાય છે. પવિત્ર વિચાર કરશો તો જીવન સુધરશે. જીવ ધારે તે થતું નથી. ઇશ્વર ધારે તે થાય છે. ધાર્યું ધણીનું થાય. પરંતુ પવિત્ર વિચાર કરવાથી હ્રદય પવિત્ર બને છે. હ્રદય પ્રેમથી પવિત્ર બને છે. આત્મામાં જે શાંતિ છે, તે પરમાત્માની છે તેથી આત્મા અને પરમાત્મા એક છે. પવિત્ર વિચારોથી હ્રદય પવિત્ર અને શુદ્ધ બને છે. તેથી તો કહ્યું છે. તન્મે મન: શિવસંકલ્પમસ્તુ । મારું મન હંમેશા શુભ સંકલ્પ કરો. સંકલ્પ શુભ કરો. કોઈનું બૂરું ન ઈચ્છો. અક્રૂરના બધા શુભ-પવિત્ર વિચારો ભગવાને પૂર્ણ કર્યા છે. શુભ વિચારો ભગવાન પૂર્ણ કરે છે. વેદાંત કહે છે. સંકલ્પ કરતા નહિ. સંકલ્પ રહિત થવું કઠણ છે. તેથી વૈષ્ણવ આચાર્યો કહે છે. સંકલ્પ કરો તો તે ભગવાનને માટે જ કરો.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૬
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૫
Exit mobile version