Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૬

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૬

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૬

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

આનંદ થયો છે. મિત્રો ગરીબ હતા. તેઓ કનૈયાને કહેવા લાગ્યા, કનૈયા, આવાં સારા કપડાં પહેરવાને મળે તો મારાં લગ્ન પણ જલદી થઈ જાય, કનૈયા, મારા લગ્નમાં તું આવીશ? કનૈયો મિત્રોને કહે છે કે હું જરુર આવીશ. કનૈયો મારો છે અને હું કનૈયાનો છું એવી આ ભાવના છે. શ્રીકૃષ્ણ મિત્રોને કપડાં પહેરાવી પછી પોતે કપડાં પહેરે છે. આજ દિન સુધી સીવેલાં કપડાં પહેર્યા ન હતાં. કાળી કામળી લઈ, ગાયો પાછળ ભમતા હતા. આજે પ્રથમ સીવેલાં કપડાં પહેરે છે. પ્રેમ કેવો હોય તે જગતને બતાવ્યું છે. રામકૃષ્ણને તે પછી રસ્તામાં સુદામા માળી મળ્યો. તેણે પ્રભુને માળા પહેરાવી. અને સાથેવાળા સૌને પણ માળા પહેરાવી. તે પછી રસ્તામાં કંસની દાસી કુબ્જા મળી. જે ત્રણ ઠેકાણે વાંકી હતી. તે ચંદનનું પાત્ર હાથમાં લઈને જતી હતી. ચંદન અને વંદન મનુષ્યને નમ્ર બનાવે છે. કુબ્જા ઠાકોરજીને ચંદન આપે છે. શ્રીકૃષ્ણ તેના ઉપર પ્રસન્ન થયા. પ્રભુએ વિચાર કર્યો કે કુબ્જાએ ચંદન આપી મારા રૂપમાં વધારો કર્યો છે. તેથી હું તેને સુંદર બનાવું. પ્રભુએ કુબ્જાને સુંદર કરવાનો નિશ્ચય કર્યો. તેના પગ ઉપર પ્રભુએ પગ રાખ્યો છે અને તેની હડપચી પકડી એવો આંચકો આપ્યો કે તેનું આખુ અંગ હાલી ઊઠયું. ત્રણ અંગે વાંકી કુબ્જા સીધી સરળ બની ગઈ. અથ વ્રજન્ રાજપથેન માધવ: સ્ત્રિયં ગૃહીતાઙ્ગવિલેપભાજનામ્ । વિલોક્ય કુબ્જાં યુવતીં વરાનનાં પપ્રચ્છ યાન્તીં પ્રહસન્ રસપ્રદ: ।। ભા.સ્કં.૧0.અ.૪૨.શ્ર્લો.૧. કથા પાછળ થોડું રહસ્ય છે. કુબ્જા એટલે બુદ્ધિ. બુદ્ધિ ત્રણ ઠેકાણે વાંકી છે. બુદ્ધિના ત્રણ દોષો છે. કામ, ક્રોધ અને લોભ. આ દોષો પ્રભુનું પૂજન કરવાથી જાય છે. પણ બુદ્ધિ કંસની સેવા કરે એટલે કે ઈન્દ્રિયના વિષય પાછળ જાય તો તે વાંકી બને છે. પણ બુદ્ધિ ઇશ્વરની સન્મુખ આવીને ઊભી રહે, બુદ્ધિ ઈશ્ર્વર સન્મુખ આવે, ઈશ્વર તરફ વળે એટલે તે સરળ થાય છે.

Join Our WhatsApp Community

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૫

કુબ્જા સીધી સરળ થઈ હતી તેમ. નહિ તો પાંચ વિષયો બહુ પજવે છે. કંસ એટલે વિષય પાછળ જે બુદ્ધિ જાય તે વક્ર બને છે, અને જો બુદ્ધિ ઈશ્ર્વર પાછળ પડે, તો તે બુદ્ધિ સરળ થશે. વાંકી બુદ્ધિ કૃષ્ણસેવાથી સરળ થાય છે. વિષયો વાંકા છે. બુદ્ધિ વિષયોનું ચિંતન કરે તો તે વાંકી બને છે. જેની બુદ્ધિ વાંકી એનું મન વાંકુ, જેનું મન વાંકુ એની આંખ વાંકી જેની આંખ વાંકી એનું જીવન વાંકુ. વાણિયા લોકોને ખબર પડી કે આ બાળકોએ ધોબીને માર્યો, કુબ્જાને સરળ કરી, આ છોકરાઓ છે પરાક્રમી, કદાચ તેઓ મથુરાના રાજા બને તો, આજથી જ તેઓનો આદર સત્કાર કરીએ. એટલે આગળ જતાં કામ લાગશે. કહ્યું છે કે ‘અગમ બુદ્ધિ વાણિયા’. જે થોડું આપે અને ઘણું લેવાની આશા કરે એ વાણિયો. ઘણું આપીને ઓછું લે તે બ્રાહ્મણ. બ્રાહ્મણને પાંચ રૂપિયા દક્ષિણા મળે તો તે કેટકેટલા આશીર્વાદ આપે છે, પુત્રવાન, આયુષ્યવાન, લક્ષ્મીવાન ભવ. વૈશ્યોએ વિચાર કર્યો કે આજે થોડી સેવા કરી હશે તો આગળ જતા કામમાં આવશે. વાણિયાઓએ ભગવાનને ફક્ત થોડાં પાન સોપારી આપ્યાં છે બાપજી, આ બધું તમારું છે. આ વાણિયાઓ બોલવામાં બહુ ચતુર હોય છે. કહે છે કે દુકાને આવજો ને. દુકાન તમારી જ છે. બોલવામાં બહુ મીઠા. પણ જયારે બિલ આપે છે ત્યારે બિલકુલ કસર રાખતા નથી. પોતાને બુદ્ધિમાન માને છે. બુદ્ધિનો ઉપયોગ પૈસા કમાવવા માટે કરે, એ કંઈ બુદ્ધિમાન કહેવાય? બુદ્ધિનો ઉપયોગ પરમાત્મા માટે કરે તે, બુદ્ધિમાન. આ વાણિયાઓએ ભગવાનને બીજું કાંઈ આપ્યું નથી. ભાગવતમાં સ્પષ્ટ લખેલું છે કે વ્રજનમાર્ગે વણિક પથૈ: તાંબુલ સ્ત્રગ જન્ધૈ: વાણિયાઓએ પાન અને ફૂલની માળા ભગવાનને અર્પણ કર્યા છે. તેમ છતાં ભગવાન તેઓ ઉપર પ્રસન્ન થયા. ગમે તેવો, ગમે તેવા હેતુથી પણ આવકાર તો આપ્યો છે ને. ભગવાને વાણિયાઓને વરદાન માંગવાનું કહ્યું, તમારે જે કાંઇ માંગવું હોય તે માંગો. વાણિયાઓએ માંગ્યુ-લક્ષ્મીજી સદા અમારા ઘરમાં નિવાસ કરે. બીજાના ઘરમાં જાય નહિ. ભગવાન પૂછે છે:-તમને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની કાંઈ જરૂર નથી? વાણિયાઓ કહે:-ના, ના અમારે તેની જરૂર નથી. અમારે ફકત લક્ષ્મીની જ જરૂર છે. ભગવાન મથુરામાં પધાર્યા, ત્યારે બ્રાહ્મણો અક્કડમાં બેસી રહ્યા. લક્ષ્મીજીને થયું કે વાણિયાઓએ ભલે પાન સોપારી આપ્યાં, તેઓ ભલે લોભી રહ્યા, પણ સ્વામીની સેવા કરે છે. તેથી તેના ઘરે જાઉં. લોકો એમ સમજે છે કે સંપત્તિ આવી એટલે સર્વ સુખ આવી ગયું પરંતુ તેટલું પૂરતુ નથી. સંસ્કારી બનો. સારા સંસ્કાર કેળવવા પ્રયત્ન કરો. વાણિયાઓએ લોભી વૃત્તિથી પણ ભગવાનને પાન-ફૂલ અર્પણ કર્યાં, પણ બ્રાહ્મણ લોકોએ ભગવાનને કાંઇ પણ અર્પણ કર્યું નહિ. તેથી લક્ષ્મીજીને ખોટુ લાગ્યું. એટલે લક્ષ્મીજી હવે બ્રાહ્મણને ઘરે જતાં નથી.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૩
Exit mobile version