Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૧

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૧

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૧

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

પ્રાચીન કાળમાં ગુરુઓ વિરક્ત હતા અને શિષ્ય આવા ગુરુની સેવા કરી વિરક્ત થતા. વિદ્યા વૈરાગ્ય વગર દીપે નહીં. ભગવાનના વિદ્યાર્થી જીવનમાં ખૂબ સંયમી હતા. વિદ્યાર્થીઓ વિદ્યાર્થી અવસ્થા વિલાસમાં ગાળે તો વિદ્યાનો વિનાશ થાય છે. ગુરુના સંસ્કાર વિદ્યાર્થીમાં આવે છે. આજકાલ ભણાવનારા પ્રોફેસર વિલાસી હોય છે. એટલે ભણનાર વિધાર્થીઓ વિલાસી થાય છે. વિલાસી જીવન ગાળતો હોય અને તે શાંકરભાષ્ય ભણાવે તેનો કોઇ અર્થ નથી. પ્રાચીનકાળમાં ગુરુઓમાં પરિપૂર્ણ સંયમ હતો એટલે વિદ્યાર્થીઓમાં પણ સંયમ આવતો. સંયમ જ સુખ આપે છે. વિદ્યાર્થી અવસ્થામાં સંયમની બહુ જ જરૂર છે. આજકાલ પૈસા કમાવાની વિદ્યા શીખવાડવામાં આવે છે. પણ સંસારબંધનમાંથી છોડાવનારી વિદ્યા શીખવાડવામાં આવતી નથી. ગામડામાં ભણવાનું મળતું નથી અને શહેરમાં કેવળ પૈસા કમાવાનું શિખવાડવામાં આવે છે. અધ્યાત્મવિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું નથી. આત્મા કોણ? પરમાત્મા કોણ? આત્મા પરમાત્માનો સંબંધ શું છે? જીવનું લક્ષ્ય શું છે? એ સમજાવવામાં આવતું નથી. જ્ઞાન ખુબ વધ્યું છે. તે જ્ઞાનનો ઉપયોગ છળકપટ કેમ કરવું તેમાં જ થાય છે. સાચી વિદ્યા એ જ છે જે પ્રભુનાં ચરણ સુધી જીવને લઈ જાય. મુક્તિ અપાવે તે જ વિદ્યા. શ્રીકૃષ્ણ જયારે ગુરુકુળમાં હતા તે વખતે સૌરાષ્ટ્રનો એક ગરીબ બ્રાહ્મણ ત્યાં ભણવા આવ્યો. જેની સાથે કૃષ્ણને મૈત્રી થઈ. આ મિત્રનું નામ છે સુદામા. શ્રીકૃષ્ણના અનેક મિત્રો હશે પણ ભાગવતમાં એકનું જ નામ આપ્યું છે. સુદામા એટલે ઇન્દ્રિયોનો સંયમ, ઇન્દ્રિયોંનો નિગ્રહ કરનાર. ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યા વિના વિદ્યા મળતી નથી-વિદ્યા ફળતી નથી. વિદ્યાર્થી અવસ્થામાં ઇન્દ્રિયોનો સંયમ બહુ જરૂર છે. તે સૂચવવા કૃષ્ણના બીજા કોઈ સહાધ્યાયીનું નામ ભાગવતમાં લખ્યું નથી. 

Join Our WhatsApp Community

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૦

ફકત સુદામાનું નામ જ છે. સુદામા સાથે મૈત્રી કરે તો જ સરસ્વતીની ઉપાસના થાય. પરમાત્મા માટે જેના જીવનમાં ખૂબ સંયમ છે એ સુદામાનું સ્વરૂપ છે. પરમાત્માના સાક્ષાત્કાર માટે અતિ સંયમની જરૂર છે. વિદ્યાર્થી અતિસંયમ ન રાખે તો વિદ્યા ફળતી નથી. જીવનમાં સંયમ વગર દિવ્યતા આવતી નથી. સંયમ, વૈરાગ્યને ખૂબ વધારો. એકવાર જે સુખનો, જે વિષયનો ત્યાગ કર્યો તે સુખ ભોગવવા ફરીથી ઈચ્છા થાય તે તો ઓકીને તે પાછું ચાટવા જેવું છે. એક વખત ત્યાગ કર્યા પછી, વિષય સુખની ઈચ્છા કરશો નહિ. શાસ્ત્ર જીવનને માટે છે. ઈશ્વરને માટે નહિ. અરે, જીવ માટે પણ નથી. મનુષ્ય માટે છે. શાસ્ત્ર પશુ કે દેવ માટે નથી. સુદામા સાથે મૈત્રી કરજો. સુદામા સાથે મૈત્રી કરશો તો દ્વારકાનાથ મળશે, સુદામા એ ઉત્તમ સંયમનું સ્વરૂપ છે. તમારા મનને તમે સાચવજો. આત્મતત્ત્વનું સંદીપન કરી-કરાવી શકે તેનું નામ સાંદીપની, તે જ ગુરુ, સતગુરુ કાંઈ બહારથી લઇ આવી આપે છે તેવું નથી. આત્મતત્ત્વ જે અંદર છે તેનો જ અનુભવ ગુરુ કરાવે છે. જ્ઞાનમાર્ગમાં જે મળ્યું છે તે જ મળવાનું છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. શ્રીકૃષ્ણ પૃથ્વી ઉપર પધારે એટલે ભગવાનને પણ ગુરુની જરૂર પડે છે. ભગવાને સંયમ સાથે મૈત્રી કરી. સદાચારી જીવન ગાળ્યું. આજે પણ વિદ્યાર્થી સુદામાની સાથે મૈત્રી કરી, વિદ્યાભ્યાસ કરે તો વિદ્યા સફળ થાય. પણ આજના શિક્ષણમાં સંયમ કયાં રહ્યો છે? સંસારીઓ સાથે રહી બ્રહ્મચર્ય પાળવું કઠણ છે. સાત્ત્વિક વાતાવરણ હ્રદયને સુધારે છે. દૂષિત વાતાવરણ હ્રદયને બગાડે છે. ભગવાન આદર્શ બતાવે છે, ઇશ્વર હોવા છતાં પણ ગુરુની સેવા કરે છે. પિતા-પુત્રના વંશને બિંદુવંશ કહે છે. ગુરુ-શિષ્યના વંશને નાદવંશ કહે છે. નાદવંશ બિંદુવંશ કરતાં શ્રેષ્ઠ છે. ભગવાને વિદ્યાભ્યાસ પૂરો કર્યો ગુરુને ગુરુદક્ષિણા માગવા કહ્યુ. સાંદીપની કાંઇ માગતા નથી. સાંદીપની બોલ્યા, ક્ષીપ્રા નદીને કિનારે મારો આશ્રમ છે. ત્યાં વૃક્ષો પુષ્કળ છે. તે ફળ આપશે અને નદી જળ આપશે. કોઈ વસ્તુની મને અપેક્ષા નથી. જળ અને ફળથી જેને સંતોષ છે એ ખરો બ્રાહ્મણ. જળ અને ફળથી સંતોષ માને તે જ સદ્ગુરુ થવાને લાયક છે. બ્રાહ્મણનું જીવન વિલાસ ભોગવવા માટે નથી. તપ માટે છે. જેની જરૂરીયાત ઓછી, તેના હાથે પાપ થતું નથી. ફળ-જળમાં સંતોષ માનનાર સાંદીપનિ કહે છે મને કાંઇ અપેક્ષા નથી. પ્રભુએ કહ્યું:-તમને જરૂર નથી પણ ગુરુદક્ષિણા આપ્યા વગર મારી વિદ્યા સફળ ન થાય. માટે કાંઈક માગો. સાંદીપનિએ કહ્યુ:-લાયક શિષ્ય મળે તો કાંઈ પણ લેવાની ઈચ્છા રાખ્યા વગર જ્ઞાનદાન કરી વિદ્યાવંશને વધારજે. કોઈક લાયક ચેલો મળે તો કાંઈપણ લેવાની આશા કરતો નહિ. જ્ઞાન આપવામાં સંકોચ રાખીશ નહિ. મારી વિદ્યાનો વંશ વધારજે. આ જ મારી દક્ષિણા છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૨
Exit mobile version