Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૬

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૬

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૬

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat: પ્રભુએ કહ્યું:-ઉદ્ધવ! તું મને વ્રજને ભૂલવા ઉપદેશ આપે છે. પણ હું શું કરું? ઉદ્ધવ! હું સર્વેને ભૂલી શકું. પણ મારાથી વ્રજ ભૂલાતું નથી. વ્રજને-વ્રજવાસીઓને ભૂલવાનો પ્રયત્ન કરું છું. પણ તેમાં મને સફળતા મળતી નથી. વ્રજવાસીઓ મને બહુ યાદ કરતા હશે, એટલે તેમનું સ્મરણ મને થાય છે. પ્રેમ અન્યોન્ય છે. હવે એક જ ઉપાય છે. વ્રજવાસીઓ મને ભૂલે એવો વેદાન્તનો ઉપદેશ તું વ્રજમાં જઈ કરજે, જેથી તેઓ મને ભૂલે. તે પછી હું તેમને ભૂલી જઈશ. ઉદ્ધવ! તું એક કામ કર. તું વ્રજમાં જા અને વ્રજવાસીઓને એવો ઉપદેશ આપ કે તેઓ મને ભૂલી જાય. વ્રજવાસીઓ મને ભૂલી જાય તો હું તેમને ભૂલી શકું. તેઓ જ્યાં સુધી મને ન ભૂલે, ત્યાં સુધી હું તેમને ભૂલી શકવાનો નથી. તેમણે મારે માટે સંસારનાં સર્વ સુખોનો ત્યાગ કર્યો છે. તેઓ મારા માટે જીવે છે. મેં તેઓને કહેલું કે હું આવીશ એટલે, મારી પ્રતીક્ષામાં તેઓએ પોતાના પ્રાણ ટકાવી રાખ્યા છે. તું તેમને નિરાકાર નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ કર. તેઓ નિર્ગુણ બ્રહ્મના ઉપાસક બને અને મને ભૂલી જાય, તો હું તેમને ભૂલી શકું. મોહ એકપક્ષીય છે, પણ પ્રેમ અન્યોન્ય છે. ઉદ્ધવ! તું ત્યાં જઈને તેઓને ઉપદેશ કર. ભક્તિ વિનાનું જ્ઞાન જ્યાં હોય છે, ત્યાં વધારે બોલવાની કુટેવ પડે છે. તેવા જ્ઞાનીમાં વાચાળતા આવે છે. જ્ઞાન ભક્તિ સાથે આવે છે તો તેમાં મૌન રહી, પ્રભુનું સ્મરણ કરવાની ઇચ્છા થાય છે. ઉદ્ધવનું જ્ઞાન ભક્તિ વગરનું હતું. તેથી ઉદ્ધવે કહ્યું:- તમને શું કહું? મને વ્રજમાં મોકલો છો, તેના કરતાં દર અઠવાડિયે એક પત્ર લખો. એટલે ત્યાં વ્રજમાંથી પણ કાગળ આવે તો તેનો પત્ર વાંચવાથી મિલન જેવો આનંદ પ્રાપ્ત થાય. પત્રવ્યવહાર થશે એટલે મિલનનો આનંદ થશે. પ્રેમ તત્ત્વનું રહસ્ય ઉદ્ધવ હજુ જાણતો નથી. એટલે પત્ર લખવાનું કહે છે. ઉદ્ધવ જાણતો નથી કે પ્રેમનો સંદેશો પત્રથી મોકલી શકાતો નથી. તે તો હ્રદયથી પહોંચાડવામાં આવે છે.

Join Our WhatsApp Community

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૫

પ્રેમકા સંદેશા ઉદ્ધો પાતિ ના પઠાય । પત્રમાં લખાય છે તે બધું સાચું નથી હોતું. પત્રમાં લખે છે હરઘડી યાદ કરનારી. હરઘડી કોઈ પણ યાદ કરતું નથી. વ્યવહાર સાચો નહિ તો પત્રમાં લખેલું સાચું કયાંથી હોય? અહીં તો ગોપી શ્રીકૃષ્ણ છે અને કૃષ્ણ ગોપી છે. ગોપી-કૃષ્ણ એક જ છે. ઉદ્ધવ આ જાણતા નથી. ઉદ્ધવ કહે છે:-આપ પત્ર લખો તો મને વ્રજ જવાનો પ્રસંગ આવે નહિ. જ્ઞાની પુરુષોને ભકતહ્રદયની ખબર હોતી નથી. પ્રેમનું રહસ્ય ઉદ્ધવ જાણતા ન હતા. તેથી ઉદ્ધવ ભગવાનને ગોપીઓને પત્ર લખવા માટે કહે છે. પ્રભુએ કહ્યું:~ઉદ્ધવ, પત્ર લખવાનો મેં અનેકવાર પ્રયત્ન કર્યો, પરંતુ પત્રમાં શું લખવું તે મને સૂઝતું નથી. મારી માને પત્રથી હું કેવી રીતે સમજાવું? મારું મુખડું તે નિહાળે તો તેને શાંતિ મળે. હું તેની ગોદમાં બેસું તો તેને શાંતિ મળે. મને તે આરોગાવે તો તેને શાંતિ મળે. શ્રીકૃષ્ણ, કેટલીયે વાર યશોદામાને પત્ર લખવા વિચાર કરે. પરંતુ મા યાદ આવે ને થાય કે એક તો હું ત્યાં જતો નથી, અને પત્ર લખીશ, તો મારી મા, મને વધારે યાદ કરશે. કાગળમાં યશોદાનું નામ લખે, ત્યાં હ્રદય ભરાય. કાગળ લખું તો માને વધારે દુ:ખ થશે, કનૈયો આવતો નથી અને પત્રથી સમજાવે છે. આ વિચારમાં ને વિચારમાં, કાગળમાં યશોદા, યશોદા લખ્યાં કરે. આગળ કાંઈ લખાતું નથી. પ્રેમની ભાષા જુદી હોય છે. ઉદ્ધવ! આ પ્રમાણે મેં અનેકવાર પત્ર લખવાનો પ્રયત્ન કર્યો. પણ પત્રમાં શું લખવું, તે સમજ પડતી નથી. મને એવું લાગે છે, કે સાચા પ્રેમનો સંદેશો પત્રમાં લખી શકાય જ નહિ. તે તો મનથી જ પહોંચાડવામાં આવે છે. તમે વૃંદાવન જાવ, તમે જ્ઞાની છો. તમારા બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ ગોપીઓને આપજો, કે જેથી તે મને ભૂલે અને બ્રહ્મચિંતન કરે. તેઓને સાંત્વન આપજો. ઉદ્ધવ! તમે ત્યાં જશો એટલે માતાપિતાને શાંતિ મળશે. ઉદ્ધવ, વ્રજમાં જઈ મારાં માતાપિતાને પ્રસન્ન કરો અને ગોપીઓને કહેજો, કે તે મને ભૂલે અને બ્રહ્મચિંતન કરે. ઉદ્ધવ, અહીં સંસારના સર્વ વૈભવો છે. પણ હ્રદયનો શુદ્ધ પ્રેમ અહીં કયાં છે? ઉદ્ધવ! મારું હૈયું અત્રે હરખાતું નથી. ઉદ્ધવને લાગ્યું કે હું જ્ઞાની છું એટલે મને ત્યાં વ્રજમાં મોકલે છે. ઉદ્ધવને જ્ઞાન હતું પણ જ્ઞાન સાથે અભિમાન હતું, તેથી ઉદ્ધવ કહે છે:-મહારાજ! હું ત્યાં જવા તૈયાર છું, પણ ગામડામાં રહેનારાં એ અભણ લોકો મારા વેદાંતનું તત્ત્વજ્ઞાન કેમ સમજશે? મારું વેદાંતનું-સાંખ્યનું જ્ઞાન આ ગામડાંની અભણ ગોપીઓ કેવી રીતે સમજી શકશે? મારો તત્ત્વજ્ઞાનનો ઉપદેશ ઘણો ગૂઢ છે, સમજવો મુશ્કેલ છે, એટલે હું ત્યાં જાઉં તેનો કશો અર્થ નથી.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૩
Exit mobile version