પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ઉદ્ધવને લાગ્યું કે હું જ્ઞાની છું એટલે મને ત્યાં વ્રજમાં મોકલે છે. ઉદ્ધવને જ્ઞાન હતું પણ જ્ઞાન સાથે અભિમાન હતું, તેથી ઉદ્ધવ કહે છે:-મહારાજ! હું ત્યાં જવા તૈયાર છું, પણ ગામડામાં રહેનારાં એ અભણ લોકો મારા વેદાંતનું તત્ત્વજ્ઞાન કેમ સમજશે? મારું વેદાંતનું-સાંખ્યનું જ્ઞાન આ ગામડાંની અભણ ગોપીઓ કેવી રીતે સમજી શકશે? મારો તત્ત્વજ્ઞાનનો ઉપદેશ ઘણો ગૂઢ છે, સમજવો મુશ્કેલ છે, એટલે હું ત્યાં જાઉં તેનો કશો અર્થ નથી. આ ઉદ્ધવ બોલ્યા નથી, ઉદ્ધવનું અભિમાન બહાર આવ્યું છે. ઉદ્ધવને અભિમાન હતું કે હું બૃહસ્પતિનો શિષ્ય છું, વેદાંતનો આચાર્ય છું. શ્રીકૃષ્ણથી આ વચનો સહન ન થયાં. તેઓ ઉદ્ધવને કહેવા લાગ્યા:-ઉદ્ધવ!, મારી ગોપીઓને તું અભણ ન કહીશ. ગોપીઓ જ્ઞાનથી પર છે. ગોપીઓ, વધારે ભણેલી નથી. પણ શુદ્ધ પ્રેમ કેવી રીતે કરવો તે ગોપીઓ જાણે છે. એટલે તો તેઓ મને પ્રાપ્ત કરી શકી છે. ઉદ્ધવ! વધુ તને શું કહું? તેઓ તો તા મન્મનસ્કા મત્પ્રાણા મદર્થે ત્યક્તદૈહિકા: । ભા.સ્કં.૧0.અ.૪૬.શ્ર્લો.૪. ગોપીઓનું મન, નિરંતર મારામાં જ લાગી રહેલું છે. એમના પ્રાણ, એમનું જીવન, તેઓનું સર્વસ્વ તો હું જ છું. મારી ખાતર તેઓએ પોતાના પતિ-પુત્ર આદિ સઘળાં સગાં સંબંધીઓને ત્યજી દીધા છે. મને તેઓ આત્મા માને છે. ઉદ્ધવ! મારી ગોપીઓ ભલે ભણેલી નથી, પણ તેઓ પ્રેમની મૂર્તિ છે, પ્રેમની ધજા છે. પ્રેમ કેવી રીતે કરવો તે ગોપીઓ જાણે છે. ગોપીઓને જ્ઞાનની જરૂર છે અને તને પ્રેમની જરુર છે. ઉદ્ધવ! તારે ગોકુલમાં જવું પડશે. તારા વિના આ કાર્ય કોઈ કરી શકશે નહિ. કેવળ જ્ઞાનથી કે કેવળ ભક્તિથી, મનુષ્ય પૂર્ણ બનતો નથી, જીવનમાં બન્નેનો પરિપૂર્ણ સમન્વય કરી, પ્રેમમય જીવન જીવવાથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. આ છે ઉદ્ધવાગમનના પ્રસંગનું રહસ્ય. શબ્દજ્ઞાની જલદી નમતો નથી. તેના હૈયામાં ઠસક હોય છે કે હું જ્ઞાની છું. અભિમાન કોઈને નમવા દેતું નથી. વિનય હોય, ત્યાં બધાં સદ્ગુણ આવે છે અને અભિમાન હોય, ત્યાં બધા દુર્ગુણો આવે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૬
ભગવાનને લાગે છે, કે ઉદ્ધવ! અભણ ગોપીઓને નમવાનો નથી. એટલે ભગવાન ઉદ્ધવને ખુલ્લે ખુલ્લુ કહે છે. કે ઉદ્ધવ! ત્યાં જજે અને ગોપીઓને વંદન કરજે. ભગવાન જાણતા હતા, કે ત્યાં જઇને ગોપીઓના મંડળમાં તે તાડ જેવો ઊભો રહેશે. તે વંદન નહિ કરે, તો તેનું કલ્યાણ નહિ થાય. નમે નહિ તે ભગવાનને ગમે નહિ. ઉદ્ધવને જવાની ઇચ્છા ન હતી, છતાં પ્રભુએ આગ્રહ કર્યો એટલે ઉદ્ધવ જવા તૈયાર થયા. ઉદ્ધવે કહ્યું:-તમારો આગ્રહ છે, તો ત્યાં જઈશ. યશોદાજીને સમજાવીશ, નંદબાબાને, વ્રજવાસીઓને બોધ આપીશ. પ્રભુ કહે છે:-ઉદ્ધવ! મારા ગ્વાલબાલને કહેજે, તમારો કનૈયો તમને યાદ કરે છે. મારી માને ઉપદેશ આપજે. મારી માને સમજાવજે કે તે મારા વિરહમાં રડે નહિ. ઉદ્ધવને આખી રાત આ પ્રમાણે બોધ આપ્યો છે. પ્રાતઃકાળમાં ઉદ્ધવ શ્રીકૃષ્ણ પાસે આવ્યા છે. ઉદ્ધવ તૈયાર થયા, ત્યારે ઉદ્ધવને પ્રસાદી પીતાંબર આપ્યું છે. પ્રભુએ પોતાનું પીતાંબર તથા ગુંજાનીમાળા ઉદ્ધવને આપી અને કહ્યું, તું જયારે સખીઓને મળવા જાય ત્યારે આ પ્રસાદી પીતાંબર પહેરીને જજે. મારી ગોપીઓ પરપુરુષને આંખ આપતી નથી. જીભ આપતી નથી. મારી ગોપીઓ પરપુરુષને નિહાળતી નથી. કોઈ પુરુષ સાથે બોલતી પણ નથી. તેઓ આ પીતાંબર જોશે એટલે તેમને પણ ખાત્રી થશે કે તું મારો છે. તેઓ માનશે આ મારા શ્યામસુંદરનો લાડીલો સેવક છે. અંતરંગનો સખી છે, તેવી ખાત્રી થશે ત્યારે જ ગોપીઓ તારી સાથે બોલશે. માટે ઉદ્ધવ! આ પ્રસાદી પીતાંબર પહેરીને સખીઓને મળવા જજે. ગુંજાનીમાળા પહેરીને ત્યાં જજે, ઉદ્ધવ! તું ભાગ્યશાળી છે, કે વ્રજમાં જાય છે. વ્રજ, એ પ્રેમભૂમિ છે. તારું કલ્યાણ થાય. એટલે હું તને મોકલું છું. ઉદ્ધવજીને રથમાં બેસાડયા છે. રથ નીકળ્યો છે. પ્રભુએ ઉદ્ધવને કહ્યુ:-ઉદ્ધવ! નંદબાબાને આશ્ર્વાસન આપજે. નંદબાબાનું સ્મરણ થતાં આંસુ નીકળ્યાં છે. ઉદ્ધવ! મારા માતાપિતાને મારા પ્રણામ કહેજે. ઉદ્ધવ! મારાં માને કહેજે, તમારો કનૈયો આવશે. ઉદ્ધવને આશ્ર્ચર્ય થાય છે, કે વ્રજમાં એવું શું છે, કે જેનું વારંવાર સ્મરણ કરી શ્રીકૃષ્ણ રડે છે. જીવ જ્યારે જીવપણું છોડી, ઈશ્વર સાથે પ્રેમ કરી તન્મય બને છે, ત્યારે પરમાત્મા પણ પોતાનું ઐશ્ર્વર્ય ભૂલી જાય છે. ઇશ્વર પણ ઇશ્વરપણું ભૂલી જાય છે. શ્રીકૃષ્ણ મથુરાના રાજા હતાં. તે ઐશ્વર્ય ભૂલી ગયા છે. પ્રેમમાં પાગલ બન્યા છે. રથની પાછળ દોડયા.