પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ઉદ્ધવ ત્યારે કહે છે:-હું રથમાં બેઠો છું, તમે રાજા છો, ઇશ્વર છો. આ પ્રમાણે રથ પાછળ દોડો તે ઠીક લાગતું નથી. તમે કલ્પાંત કરશો નહીં, હું સૌને બોધ આપીશ. ત્યારે પ્રભુ અટક્યા છે, વિચારે છે, મારો ઉદ્ધવ ભાગ્યશાળી છે. તે આજે પ્રેમભૂમિમાં જાય છે. પ્રભુ રથને ટગર ટગર જોતા હતા. ઉદ્ધવજીને આશ્ર્ચર્ય થયું છે. આ વ્રજમાં એવું શું હશે? ઉદ્ધવ પ્રેમતત્ત્વને હજુ બરાબર જાણતા નથી. આ બાજુ કનૈયો ગયો, એટલે બધી સઘન કુંજો વેરાન થઈ છે, યમુનાનાં જળ જાણે ગોપીઓનાં આસુંઓ વહી રહ્યા હોય એવાં લાગે છે. કનૈયો ગયો ત્યારથી ગાયો ખડ ખાતી નથી. વારંવાર મથુરા તરફ નિહાળી ભાંભરે છે. શ્યામ વિરહમાં સર્વે વ્યાકુળ છે, એક સખીના શબ્દમાં જ દશા જોઈ એ. બિનુ ગોપાલ બૈરિન ભઈ કુંજૈ । તબ વે લતા લગતિ અતિ સીતલ, અબ ભઈ વિષમ જ્વાલકી પુંજૈ ।। વૃથા બહતિ જમુના, ખગ બોલત , વૃથા કમલ ફૂલૈ અલિ ગુંજૈ । પવન, પાનિ, ધનસાર, સજીવનિ, દધિ-સુત-કિરન ભાનુ ભઈ ભુજૈ । યે ઉધો કહિયો માધવસોં, વિરહ કરદ કર ભારત લુંજૈ । સૂરદાસ પ્રભુકો મગ જોવત, અખિયાં ભઈ બરન જ્યોં ગુંજૈ ।। શ્રીકૃષ્ણ મથુરા ગયા પછી નંદ-યશોદાએ અનાજ લીધું નથી. કનૈયો ન આવે ત્યાં સુધી ખાવું નથી. રાત્રે નિંદ્રા આવતી નથી અને દિવસે ગમતું નથી. કૃષ્ણ વિરહમાં જીવ અકળાય, આંખમાંથી આંસુ નીકળે, તો મનનો મેલ ધોવાય છે. વિરહનાં આંસુના જળથી મનના મેલ ધોવાય છે. બહારના જળથી શરીર ધોવાય છે. યશોદાજી વિચારે છે, મારો કનૈયો આવવાનો છે. તે આવશે ત્યારે પ્રેમથી ગોદમાં લઇને જમાડીશ, લાલાને જમાડીને પછી હું જમીશ. કનૈયો વારંવાર યાદ આવે છે. કનૈયો આ વાટકામાં માખણ મિસરી જમતો હતો. આ પારણામાં સૂતો હતો. આ પથારી ઉપર આરામ કરતો હતો. આ પ્રમાણે યાદ કરી પતિ-પત્ની રડે છે. અનેક વાર નંદ-યશોદાને આશ્વાસન આપે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૭
નંદજીને વિરહ થાય, એટલે યશોદાજી સમજાવે. નંદ, યશોદા બન્ને વ્યાકુળ થયાં છે. નંદ યશોદા આંગણામાં બેઠાં છે. યશોદા નંદને ઠપકો આપે છે:-મારા લાલાને તમે ગાયો પાછળ મોકલતા. તે મને કહેતો હતો, ‘મા! મને બાળકો ગાયોની પાછળ દોડાવે છે. આ ગોવાળો, મને નચાવે છે. વ્રજવાસીઓ મને ઠંડી રોટી ખવડાવે છે’. તેથી ગોકુલમાં કનૈયો બહુ દુ:ખી થયો. તેને ગાયો પાછળ મોકલતા તેથી તે રિસાયો છે. અને ગોકુળ છોડી ગયો છે. કનૈયો ગોકુળમાં ગાયોની પાછળ રખડતાં બહુ દુ:ખી થયો, તેથી વ્રજ છોડીને ગયો, પણ તે મને કહી ગયો છે કે મા! હું આવીશ. ગોકુળમાં હતો ત્યારે મને સમજાવતો હતો. હું રડું તે એનાથી જરાય સહન થતું ન હતું. હાય રે! મારો કનૈયો નિષ્ઠૂર થયો છે. મથુરામાં ગયા પછી અવો નિષ્ઠૂર થશે તેવું મને લાગતું ન હતું. મથુરાના લોકોએ કનૈયા ઉપર કાંઈ જાદુ કર્યું હશે. મેં સાંભળ્યું છે કે તે હવે મથુરાનો રાજા થયો છે. તેથી મને આનંદ થાય છે. પણ તે હવે અત્રે આવતો નથી. તમે કનૈયાને ગાયો પાછળ મોકલતા તેથી આવતો નથી. એમ કહી યશોદાજી રડવા લાગ્યાં. નંદજી કહે છે:-હું તેને ગાયો પાછળ કયાં મોકલતો હતો? ઉલટું તે મને કહેતો હતો કે બાબા! તમારે ત્યાં હું ગાયોની સેવા કરવા માટે આવ્યો છું. હું ગોપાળ છું. એને ગાયો વિના ચેન પડતું ન હતું. ગાયો ઉપર તેને એવો પ્રેમ હતો. કનૈયો હતો, ત્યારે ગાયો કેવી પુષ્ટ હતી? હવે કનૈયાના વિયોગમાં ગાયો ખડ ખાતી નથી. ગાયોની સ્થિતિ મારાથી જોવાતી નથી. હાથીનાં બચ્ચાં જેવી પુષ્ટ મારી ગાયો, અતિશય દૂબળી થઈ છે. હું હવે ગૌશાળામાં પણ જતો નથી. હવે ગાયોને જોવા માટે પણ તે આવતો નથી. પોતાની વહાલી ગાયોને પણ તે ભૂલી ગયો છે. ગાયોને માટે એકાદ વાર આવે, તો વ્રજ સનાથ થાય. મને ખબર ન હતી, કે મથુરા ગયા પછી તે આવો નિષ્ઠૂર થઇ જશે. કનૈયાની ગંગી ગાય હવે ઘરે આવતી જ નથી. ભૂખી અને તરસી રાત દિવસ વૃંદાવનમાં ફર્યા કરે છે, કનૈયા, અમારા માટે નહિ, તો એકવાર આ ગાયોને માટે તું આવ. કનૈયા, આ ગાયો બકરી જેવી દૂબળી પડી ગઈ છે. ગાયો તો તેને વહાલી હતી, એટલે તેને તે ચરાવવા લઈ જતો હતો. પણ મને એમ લાગે છે, કે કનૈયો નાનો હતો ત્યારે તેં એને ખાડણી સાથે બાંધ્યો હતો તેથી તે રિસાયો છે. એટલે તે હવે આવતો નથી.