Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૦

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૦

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૦

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

નંદબાબાએ વિચાર્યું, કનૈયો આવ્યો નહિં, પણ લાલાએ પોતાના કોઇ મિત્રને મોકલ્યો છે. નંદબાબાએ સર્વના કુશળ સમાચાર પૂછ્યા. ઉદ્ધવ! તમે આવ્યા, તે સારું થયું. યાદવો દુઃખી હતા, કંસ મરી ગયો એટલે સૌ સુખી થયા. ઉદ્ધવ! તમે ખરું કહેજો, કનૈયો મને અને તેની માને કોઇ દિવસ યાદ કરે છે? અપિ સ્મરતિ ન: કૃષ્ણો માતરં સુહ્રદ: સખીન્ । ગોપાન્ વ્રજં ચાત્મનાથં ગાવો વૃન્દાવનં ગિરિમ્ ।। ભા.સ્કં.૧0.અ.૪૬.શ્ર્લો.૧૮. ઉદ્ધવજી! શ્રીકૃષ્ણ કોઇપણ દિવસ અમને યાદ કરે છે? આ તેની મા છે. સ્વજન સંબંધી છે, મિત્રો છે, ગોપ બાળકો છે, તેમને જ પોતાના સ્વામી અને સર્વસ્વ માને છે. આ વ્રજ છે. આ એમની ગાયો, વૃંદાવન અને ગિરિરાજ છે. શું તે કોઈ દિવસ આનું સ્મરણ કરે છે? ઉદ્ધવ! કનૈયાને કહેજે, આ ગિરિરાજ, આ યમુના, બધાં તારી પ્રતિક્ષા કરે છે, ઉદ્ધવ! કનૈયાને કહેજે, કે તારી ગંગી ગાય ઘરે આવતી નથી. આ જમુના છે. જેમાં શ્રીકૃષ્ણ જલક્રીડા કરતા હતા. આ તે જ ગિરિરાજ છે, જેને તેમણે પોતાના એક હાથ ઉપર ઉઠાવી લીધેલો. આ તે જ વનપ્રદેશ છે, જ્યાં શ્રીકૃષ્ણ ગાયોને ચરાવતાં ચરાવતાં વાંસળી વગાડતા હતા. ઉદ્ધવ! તેં પેલું સ્થાન જોયું કે જ્યાં તેઓ પોતાના મિત્ર સાથે અનેક પ્રકારની રમતો રમતા હતાં. ઉદ્ધવ! આ બધું જોઇને અમારું મન શ્રીકૃષ્ણમય થઈ જાય છે. ઉદ્ધવ! હું પાગલ થયો છું. મને એવો ભાસ થાય છે કે કૃષ્ણ મથુરા ગયા જ નથી. મને મારો બાલકૃષ્ણ પારણામાં સૂતેલો દેખાય છે. ઉદ્ધવ! હું તને શું કહું? ગઇકાલે આખી રાત અમે કનૈયાની વાતો કરતાં હતાં આખી રાત પારણામાં મને કનૈયો દેખાયો, આખી રાત મેં જાગરણ કર્યું અને લાલાને પારણામાં ઝુલાવ્યો. પછી સવાર થયું. મને થયું, ચાલ હવે લાલાને ઉઠાડું, નહિતર ગાયો ચારવામાં મોડું થશે. હું જયાં લાલાને ઉઠાડવા જાઉં ત્યાં પારણું ખાલી જોઉં છું. ઉદ્ધવ! કનૈયો ભૂલાતો નથી. મને રોજ લાલાની વાંસળી સંભળાય છે. આ કદંબના ઝાડ ઉપર તે મને દેખાયો. બહુ સરસ વાંસળી વગાડતો હતો. ઉદ્ધવ! મને એમ થયું, કે લાલો ત્રણ કલાકથી વાંસળી વગાડે છે. 

Join Our WhatsApp Community

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૯

હવે લાલાને ભૂખ લાગી હશે. માખણ મિસરી લઈ હું તેને આપવા નીકળ્યો, ઉદ્ધવ! પાગલ થયેલો નંદ, લાલાને માખણ મિસરી આપવા ઝાડ ઉપર ચઢયો. કનૈયો કદંબમાં દેખાય પણ હાથમાં આવતો નથી. નંદજી કૃષ્ણપ્રેમમાં પાગલ થયા છે. ઉદ્ધવ! મને ઘણીવાર થાય, કે કનૈયો મારી ગોદમાં રમે છે, મારી દાઢી ખેંચે છે. એ બધા ભણકારા હજુ વાગે છે. ઉદ્ધવ! જયાં મારી નજર જાય, ત્યાં મને કૃષ્ણ જ દેખાય છે. યમુનામાં સ્નાન કરવા જાઉં તો ભાસ થાય, કે મારો કૃષ્ણ મારી પાછળ દોડતો દોડતો આવે છે. ઉદ્ધવ! રોજ હું તેને ખભા ઉપર ચડાવીને લઈ જતો. અનેક વાર મને ભ્રાંતિ થાય, કે કનૈયો મારા ખભા ઉપર બેઠો છે. ઉદ્ધવ! એવો સમય ફરીથી ક્યારે આવશે? એવો સમય કોઇ વખત ફરીથી આવશે? ઉદ્ધવ! કહે કનૈયો કયારે આવશે? કંસ જેવા રાક્ષસને તેણે મારી નાંખ્યો છે. લોકો ભલે તેને ઈશ્વર માને. કનૈયો મારો પુત્ર છે. કનૈયો મારો છે. બોલતાં બોલતાં નંદજી રડી પડયા છે. ઉદ્ધવ! પારણામાં પણ કૃષ્ણ, કદંબમાં પણ કૃષ્ણ, જમુનાજીને કિનારે પણ કૃષ્ણ, ઘરની એક એક વસ્તુમાં મને કૃષ્ણ દેખાય છે. ઉદ્ધવ! કનૈયો કયારે આવશે? ઉદ્ધવ! મેં કોઈ અપરાધ કર્યો છે કે જેથી કનૈયો આવતો નથી? ઉદ્ધવ! વસુદેવને કહેજે, કૃષ્ણ તમારો છોકરો છે. નંદજીનો નથી, નંદ તો તમારો દાસ છે. ઉદ્ધવ! લાલાને કહેજે, તારી મા રોજ રડે છે. કનૈયો ગોકુળમાં હતો ત્યારે તેની માને રોજ મનાવતો. માને રડવા દેતો ન હતો. હવે તેને કોણ મનાવશે ? એમ બોલતાં બોલતાં નંદજી વ્યાકુળ થયા છે. ઉદ્ધવ વિચારે છે, હું તેમને કેવી રીતે બોધ આપું? આને પારણામાં, યમુનાના ઘાટ ઉપર, કદંબના ઝાડ ઉપર વાંસળી વગાડતો શ્રીકૃષ્ણ દેખાય છે. તેમને ઝાડમાં, પારણામાં યમુનાના કિનારે શ્રીકૃષ્ણનો અનુભવ થાય છે. મેં અનેકવાર ઉપદેશ આપ્યો છે કે, બ્રહ્મ વ્યાપક છે. પરંતુ બ્રહ્મ વ્યાપક છે, તેનો અનુભવ તો નંદજી કરે છે. મને તેવો અનુભવ થયો નથી. હું નંદબાબાને શું ઉપદેશ આપું? ઉદ્ધવજીએ કહ્યું, બાબા! તમારું જીવન સફળ થયું છે. તમે કૃષ્ણપ્રેમમાં પાગલ થયા છો. તે સમયે યશોદામા પણ ત્યાં આવ્યાં છે. યશોદાજીએ પૂછ્યું, ઉદ્ધવ! કનૈયો ગાકુળમાં હતો ત્યારે ખૂબ હઠ કરતો હતો. ઉદ્ધવ! ખરું કહેજે મારો કૃષ્ણ દૂબળો તો થયો નથીને? ઉદ્ધવ! કનૈયો આનંદમાં તો છે ને? એ કોઈ દિવસ મને યાદ કરે છે? મથુરામાં તેને કોણ મનાવતું હશે? ગોકુલમાં હતો, ત્યારે મને આંસુ આવે તે તેનાથી બિલકુલ સહન થતું ન હતું. ઉદ્ધવ! હજુ મને તે યાદ આવે છે. હું યમુનાજી જોઉં છું, યમુનાનો અને કૃષ્ણનો રંગ એક જ છે. મને લાગે છે કે હમણાં કનૈયો યમુનામાંથી બહાર આવશે અને મારી ગોદમાં બેસશે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૬
Exit mobile version