Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૨

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૨

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૨

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

બીજી ગોપીએ કહ્યું:-અરી સખી, કૃષ્ણ મથુરા ગયા નથી. લોકો ભલે કહે કૃષ્ણ મથુરા ગયા છે. મને તો તે અહીં જ દેખાય છે. ગઈ કાલે સાયંકાળે યમુનાજી જળ ભરવા ગઈ હતી, અંધારું થયું હતુ, મને બીક લાગતી હતી, ચિંતા પણ હતી, કે બેડું માથે કોણ ચડાવશે? એટલામાં કનૈયો આવ્યો, લાલાએ મને આશ્ર્વાસન આપ્યું. કનૈયો વાતો કરતો કરતો મારી સાથે આવ્યો. મને લાગે છે, કનૈયો મથુરા ગયો જ નથી, અહીં જ છે. લાલાએ મને કહ્યું હતું, હું તો આ વ્રજમાં જ રહું છું, લાલાની વાતો વારંવાર યાદ આવે છે. એનું સ્વરૂપ ભૂલાતું નથી. એની વાતો કર્યા વિના મન માનતું નથી. મોટા મોટા યોગીઓ સમાધિ લગાવી સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે છે. તેમ છતાં સંસાર ભૂલાતો નથી, પ્રભુમય વૃત્તિ થતી નથી. ત્યારે વ્રજની આ ગોપીઓ સંસારને યાદ કરવા પ્રયત્ન કરે છે, છતાં સંસાર તેને યાદ આવતો નથી. એક પળ કનૈયો ભૂલાતો નથી. સખી પ્રભુને ભૂલવાનો પ્રયત્ન કરે, તેમ છતાં ભૂલી શકતી નથી. સર્વનો અભાવ અનુભવાય, પણ આત્માનો અભાવ અનુભવાય નહિ. શ્રીકૃષ્ણ ગોપીનો આત્મા છે. પ્રેમમાં ગોપીઓ લાલાની વાતો કરતી હતી, તેવામાં ઉદ્ધવ સ્નાન કરી, પીતાંબર પહેરીને ત્યાં આવ્યા છે. ઉદ્ધવને જોઈ ગોપીઓએ પ્રણામ કર્યા. ઉદ્ધવ કહે છે, તમારા શ્રીકૃષ્ણ મથુરામાં બિરાજે છે. હું તેનો ખાસ મિત્ર ઉદ્ધવ, તેનો સંદેશો લઈને આવ્યો છું. ગોપીઓ બોલી:-ઉદ્ધવ! તું હજુ કોરો રહ્યો. શ્રીકૃષ્ણ શું એકલા મથુરામાં જ છે? તે તો સર્વત્ર છે. ગોપીઓ ઉદ્ધવને ઠપકો આપે છે કે તને ભગવાન એકલા મથુરામાં જ દેખાય છે? તે તો સર્વ વ્યાપક છે. અમને તે તો અહીંની દરેક વસ્તુમાં દેખાય છે. જુઓ ને, તે પેલા કદંબના વૃક્ષ ઉપર ચડીને બંસી બજાવી રહ્યો છે, તને તે નથી દેખાતો? તને બંસીનો નાદ નથી સંભળાતો? ઉદ્ધવ! જો તને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થયો હોય, તો તેને છોડીને અહીં આવ્યો જ ન હોત. તેને છોડીને અહીં આવ્યો છે, એમ માનત જ નહિ. શ્રીકૃષ્ણ અહીં પણ તને દેખાત, તને હજુ ઇશ્વરનો સાક્ષાત્કાર થયો નથી. દાન, વ્રત, તપ, હોમ, જ૫, વેદાધ્યન, ધ્યાન,ધારણા, સમાધિ અને કલ્યાણના અન્ય જુદા જુદા પ્રકારના સાધનોથી એ જ પ્રયત્ન કરવામાં આવે છે, કે જેથી ભગવાનની પ્રાપ્તિ થાય. ભગવાનને મેળવવા માટે, આ સર્વ સાધનો કરવામાં આવે છે. ત્યારે ગોપીઓએ, આ જપ, તપ, વગેરે સાધનો વગર કેવળ પ્રેમભક્તિ દ્વારા, તે વસ્તુને પ્રાપ્ત કરી છે.

Join Our WhatsApp Community

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૧

એટલે કે ભગવાનને મેળવ્યા છે. અને વિના પ્રયાસે, સર્વાત્મ ભાવવાળી બનેલી છે. દાન, જપ, તપ, વ્રત વગેરેનું ફળ, ઇશ્વરમાં મનને એકાગ્રત કરવાનું છે. જો તેથી મન તન્મય ન થાય, તો તેનો કોઇ અર્થ નથી. ઉદ્ધવે વિચાર્યું, ગોપીઓને, વ્યાપક નિર્ગુણ બ્રહ્માનો ઉપદેશ આપું, તત્ત્વનો ઉપદેશ આપું. ઉદ્ધવ તે પ્રમાણે ગોપીઓને સમજાવે છે. એટલે ગોપીઓ ઉદ્ધવને કહે છે:-ઉદ્ધવ! પ્રભુએ અમને જે આનંદ આપ્યો છે, તે તારા જ્ઞાનમાં નથી. ઉદ્ધવ! અમે તો કૃષ્ણ કૃષ્ણ કહીએ છીએ. અમને કાંઈ આવડતું નથી, અમે તો ગામડાની અભણ ગોપીઓ છીએ. નિર્ગુણ-સગુણનો વિવેક તું ભલે રાખે, પણ કૃષ્ણપ્રેમમાં, અમે તન્મય બનીએ છીએ, એટલે અમારો કૃષ્ણ, સામે આવીને દર્શન આપે છે. ઉદ્ધવજી! તારા એ વ્યાપક નિર્ગુણ બ્રહ્મને આરાધવા અમારી પાસે મન જ કયાં છે? મન હતું, તે તો કાનુડો ચોરી ગયો છે. તે ચિત્તનું ચેન નહિ, ચિત્ત જ ચોરી જાય છે. તે ચિત ચેન નહિ ચિત ચોર ચુરાયો હૈ । ઉદ્ધવ! ભગવાને મન, કાંઇ દશવીશ બનાવ્યાં નથી. મન એક હતું તે શ્યામ સાથે ગયું છે. હવે કયા મન વડે તારા નિર્ગુણ બ્રહ્મની આરાધના કરીએ? ઉધો મન ન ભયે દસ બીસ । એક હુતો સો ગયો શ્યામ સંગ કો આરાધૈ ઈસ । ઈન્દ્રિ સિથિલ ભઈ કેસવ બિનુ જ્યોં દેહીં બિનુ સીસ । આસા લગી રહિત તન સ્વાસા, જીવહિં કોટી બરીસ । તુમ તો સખા શ્યામ સુંદરકે સકલ જોગકે ઈસ । સૂર હમારે નંદ નંદન બિનુ, ઓર નહીં જગદીસ ।। ઉદ્ધવ! એ નંદનંદન વગર અમારે મન બીજો કોઈ અન્ય ઇશ્વર છે જ નહિ. નંદનંદન જ અમારા ઈશ્વર છે, સર્વસ્વ છે. ઉદ્ધવ! એ કૃષ્ણની તું વાત જ જવા દે. એ કપટી, કાળા કૃષ્ણની અમારે મિત્રતા જ કરવી નથી. તેણે અમારું કાળજું કોરી નાંખ્યુ છે. ભક્ત કવિ દયારામે કહ્યું છે:- કાળજું કોર્યું તે કોને કહીએ જીરે. વેરી જો હોય તો વઢતાં રે ફાવીએ, પ્રાણથી પ્યારા એને લહીએ જી રે. સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે, કિયા રાજાને રાવે જઇએ જી રે કળ ના પડે, કાંઈ પેર ન સૂઝે, રાત-દિવસ ઘેલાં રહીએ જી રે. કોઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોંટે, અલબેલો આવી બેઠો હૈયે જી રે. દયાના પ્રીતમજીને એટલું જઈ કહેજો, કયાં સુધી આવાં દુ:ખ સહીએ જીરે. શામળિયે સોડમાં, કાળજામાં ઘા માર્યો છે, તેમ છતાં, તેની કથા અમારાથી ત્યજી શકાતી નથી દુરત્યજસ્તત્કથાર્થ: । ઉદ્ધવ! અમે તને શું કહીએ? જે દિવસે નંદમહોત્સવ થયો, તે નંદમહોત્સવ સમયે અમને પ્રથમ શ્રીકૃષ્ણનાં દર્શન થયાં, ત્યારથી તેણે, અમને પોતાની કરી દીધી છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૮
Exit mobile version