પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
સંસારમાં કયાંય મારું મન જાય નહિ. મારી વાણી શ્રીકૃષ્ણ નામનો જપ કરે. મારી આંખો, જયાં જાય, ત્યાં તેને શ્રીકૃષ્ણના દર્શન થાય. ઉદ્ધવ! એટલું તો ખાસ કહેજે કે કદાચ મારા પ્રારબ્ધકર્મથી મને જન્મ લેવાનો પ્રસંગ આવે તો પવિત્ર વૈષ્ણવના ઘરમાં મને જન્મ આપે. કે જયાં હરહંમેશ કૃષ્ણકથા, કૃષ્ણકીર્તન થતા હોય, જે સાંભળી હું કૃતાર્થ બનું. કૃષ્ણકીર્તન કરતાં કરતાં સેવામાં હું તન્મય બનું, મને બીજી કોઈ ઈચ્છા જ નથી. યશોદાજી લાલા માટે સંદેશો આપે છે. ઉદ્ધવ! મારા લાલાને કહેજે, કે શ્રીકૃષ્ણને જ્યારે ગોકુળમાં આવવા ઈચ્છા થાય ત્યારે આવે. અમને સુખ આપવા તે અત્રે ન આવે. અમને સુખ આપવા પરિશ્રમ કરે નહિ. મારો લાલો જો ત્યાં સદા આનંદમાં રહેતો હોય તો ત્યાં ભલે રહે. અમારા વિયોગમાં કૃષ્ણ આનંદમાં હોય તો મથુરા છોડી, અહીં આવવાનો પરિશ્રમ ન કરે. કૃષ્ણવિરહમાં અમે અત્રે રહીશું અને રડીશું. કૃષ્ણ કેવળ અમારા માટે અમને મળવાનો પરિશ્રમ ન કરે. અમારા સુખને માટે શ્રીકૃષ્ણને બિલકુલ પરિશ્રમ ન થાય. મારો કૃષ્ણ, જયાં હોય ત્યાં, અને સદાસર્વદા આનંદમાં રહે. મારો લાલો, જ્યાં હોય ત્યાં, સુખી રહે. સંદેશો આપતાં યશોદાજી રડયાં છે. આ પુષ્ટિભક્તિ છે. પુષ્ટિભક્તિમાં સ્વસુખનો વિચાર નથી. પોતાનાં સુખનો વિચાર કરે, તે કૃષ્ણનાં સુખનો વિચાર કરી શકે નહિ. યશોદાજીએ કહ્યું. ઉદ્ધવ! આ વાંસળી અને કામળી તું તારી સાથે લઈ જા. આ કામળી, વાંસળી તેને આપજે. હવે આ વાંસળી, કામળી ઘરમાં રાખી હું શું કરું? ઉદ્ધવ! એ તો હવે મોટો રાજા થયો છે. તેને હું શું આપું? લાલાને માટે મેં આ માખણ તૈયાર કર્યું છે, તે તું લઈ જા. તે લાલાને ખવડાવજે. આ પ્રમાણે બોલતા યશોદાજીનું હ્રદય ભરાયું. ઉદ્ધવ કહે છે, હું કૃષ્ણને લઈ વહેલો આવીશ. તમે ચિંતા ન કરો. ઉદ્ધવનો રથ નીકળ્યો. ઉદ્ધવ વિચારે છે, હું માનતો હતો, કે કૃષ્ણ કૃપાનિધિ છે, દયાના સાગર છે પણ મને લાગે છે, કે તે નિષ્ઠૂર છે. આ વ્રજવાસીઓ કેવા પ્રેમાળ છે. ઉદ્ધવે નિશ્ર્ચય કર્યો કે હું ભગવાનને ઠપકો આપીશ, કે તમે નિષ્ઠૂર છો. આ વ્રજવાસીઓને વિયોગમાં મારો છો. ઉદ્ધવ મથુરા આવ્યાં ઉદ્ધવ શ્રીકૃષ્ણ પાસે આવ્યા. શ્રીકૃષ્ણ અંતર્યામી છે. સમજી ગયા, કે ઉદ્ધવ મને ઠપકો આપવાનો છે. શ્રીકૃષ્ણે જ કહ્યું, ઉદ્ધવ! તું પહેલાં મથુરામાં હતો, ત્યારે મારાં વખાણ કરતો હતો. હવે ગોકુળમાં જઈ આવ્યા પછી ગોપીઓનાં વખાણ કરે છે. ઉદ્ધવ! હું નિષ્ઠૂર નથી, ઉદ્ધવ ઊપર વરદ હસ્ત પધરાવી, સમાધિમાં ઉદ્ધવને દર્શન કરાવ્યાં કે હું ગોકુળમાં જ છું. ગોકુળની સઘળી લીલા, ઉદ્ધવને સમાધિમાં બતાવી. ઉદ્ધવ જુએ છે, તો એક સ્વરૂપે શ્રીકૃષ્ણ મથુરામાં છે અને એક સ્વરૂપે ગોકુળમાં. સવારથી સાંયકાળ સુધીની ગોપીઓ સાથેની એક એક લીલાનાં દર્શન કરાવ્યાં છે. એક સ્વરૂપે યશોદાની પથારીમાં અને એક સ્વરૂપે રાધાજી સાથે શ્રીકૃષ્ણ રાસ રમે છે. ઉદ્ધવ! મારી માએ મને એવો બાંધ્યો છે, કે હું વૃંદાવન છોડીને જતો નથી. ઉદ્ધવ! હું તને ભલે દેખાઉ છું મથુરામાં, પણ ગોપીઓ પાસે જ છું અરે પાસે શું? ગાપીઓથી હું અભિન્ન છું. ગોપી અને કૃષ્ણ એક જ છે. ઉદ્ધવાગમનમાં ઉદ્ધવના જ્ઞાનનો અને ગોપીઓની સગુણ ભક્તિનો મધુર કલહ છે. ગોપીઓના પ્રેમની કથા પૂરી થઈ. પ્રેમલીલા પૂરી થઈ, દશમ સ્કંધના ૪૮ માં અધ્યાયથી પ્રેમની વાત પૂરી થઈ. હવે રાજસલીલા શરૂ થાય છે. એટલે અર્થ શબ્દ વાપર્યો છે. આગળની લીલા રાજસ ભકતોના મનનો નિરોધ કરવા માટે છે. સર્વ પ્રકારના જીવોને કૃષ્ણકથામાં આનંદ મળે છે. સર્વ પ્રકારના જીવોને શ્રીકૃષ્ણ પોતાની તરફ ખેંચી લે છે. અને પરમાનંદનું દાન કરે છે. કુબ્જાને કૃતાર્થ કરી છે. તે પછી અક્રૂરના ઘરે પધાર્યા છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૫
અક્રૂરજીને ભગવાને આજ્ઞા કરી છે કે ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો નિશ્ર્ચય કર્યો છે. એટલે તમે ત્યાં જાવ અને ધૃતરાષ્ટ્રને ઘરે બે ચાર દિવસ રહો. ધૃતરાષ્ટ્ર પાંડવો પ્રત્યે સુભાવ રાખે છે કે કુભાવ તેની તમે પ્રત્યક્ષ જઇને પરીક્ષા કરો. અક્રૂરજી હસ્તીનાપુર આવ્યા છે. બે મહિના અક્રૂરજી ધૃતરાષ્ટ્ર સાથે રહ્યા છે. અક્રૂરે ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો. જીવ એકલો જન્મે છે. એકલો મરે છે તો કુટુંબને માટે તમે પાપ કરો, તે ઉચિત નથી. આંખે દેખાતું ન હોય અને જે આંધળો છે તે આંધળો નથી. પરંતુ આંખ હોવા છતાં જેની આંખમાં લોભ છે, જેની આંખમાં કામ છે. તે ખરેખર આંધળો છે. ધૃતરાષ્ટ્રની આંખમાં પૈસો ભર્યો હતો. જેની આંખમાં પૈસો જ ભર્યો છે તે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર જેવા લોભીને અક્રૂર જેવાનો સત્સંગ થાય, તો પણ ધૃતરાષ્ટ સુધરતો નથી. મૃત્યુના પંથે જતાં માનવ પાસે પૈસો જતો નથી. એકલો ધર્મ જીવની સાથે જાય છે. તેમ છતાં ઈન્દ્રિયસુખ સિવાય બીજો કોઈ આનંદ જગતમાં છે કે કેમ તેનો મનુષ્ય વિચાર કરતો નથી. ધૃતરાષ્ટ્રને કહ્યું. તમે આવું કપટ કેમ કરો છો? ધૃતરાષ્ટ્રે કહ્યું, તમે કહો છો તે બધું ઠીક લાગે છે. પરંતુ દુર્યોધન મારી પાસે આવે છે ત્યારે મારું સઘળું જ્ઞાન ઊડી જાય છે. સમજવા છતાં પાપ કરે તે ધૃતરાષ્ટ્ર. હવે ભગવાનની ઇચ્છા છે, કૌરવોનો વિનાશ થાય. સત્સંગથી શઠ સુધરે છે, પણ ખલ સુધરતો નથી. જેનું બીજ શુદ્ધ છે પણ કુસંગથી જે બગડયો છે તેને શઠ કહે છે. જેનું બીજ જ દુષ્ટ છે તેને ખલ કહે છે. મન્દારમૂલે વદનાભિરામં બિમ્બાધરે પૂરિતવેણુનાદમ્ । ગોગોપગોપીજનમધ્યસંસ્થં ગોવિન્દ દામોદર માધવેતિ ।। જેનું મુખારવિન્દ ઘણું જ મનોહર છે, જેઓ પોતાના બિંબની સમાન લાલ અધરો ઉપર, વાંસળીને રાખીને તેના મધુર ધ્વનિ કરી રહ્યા છે, તથા જેઓ કદંબના ઝાડ નીચે ગાયો, ગોપ અને ગોપીઓની મધ્યમાં બિરાજમાન છે. એવા ભગવાનનું, હે ગોવિન્દ ! હે દામોદર ! હે માધવ ! એમ બોલતાં બોલતાંસદાસર્વદા સ્મરણ કરવું જોઇએ. ।। ઈતિ દશમસ્કન્ધસ્ય પૂર્વાર્દ્ધમ્ ।। શ્રીમન્ન નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ બદ્રિ નારાયણ નારાયણ નારાયણ ।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ।।