Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૭

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૭

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૭

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને । પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમોનમ: ।। પ્રણામ કરવાવાળાઓના દુ:ખોનો નાશ કરવાવાળા, શ્રીકૃષ્ણ, વાસુદેવ, હરિ, પરમાત્મા તેમજ ગોવિંદને અમારા વારંવાર નમસ્કાર છે. સર્વ સાધનનું ફળ મનશુદ્ધિ છે. તેના માટે મનુષ્ય અનેક પ્રકારનાં સાધન કરે છે. જગત બગડયું નથી, પણ મન અશુદ્ધ હોવાને કારણે જગત બગડયું લાગે છે. જ્ઞાની અને અજ્ઞાની બંન્ને જગતમાં રહે છે. અજ્ઞાનીને જગત બગડેલું અને દુ:ખરૂપ લાગે છે. જયારે જ્ઞાનીને જગત આનંદમય લાગે છે. આ બંનેમાં ફરક માત્ર એટલો જ છે કે જ્ઞાનીનું મન અતિશુદ્ધ અને અજ્ઞાનીનું મન પશુ જેવું અતિ અશુદ્ધ હોય છે. મન જ્યારે નિષ્કામ બને ત્યારે જ્ઞાનનો ઉદય થાય છે. મનને કામ, ક્રોધ વગેરે વિકારો અશુદ્ધ કરે છે. જયાં સુધી મનમાં વિકાર વાસના છે, ત્યાં સુધી મન અશુદ્ધ છે એમ માનવું. જેમ જેમ વિકાર વાસના ઓછા થશે, તેમ તેમ મન શુદ્ધ થતું જશે. મન શુદ્ધિ માટે યોગીઓ ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, પ્રાણાયામ વગેરે કરે છે. પણ આ સર્વ સાધનથી મન જ્યારે શુદ્ધ થતું નથી, ત્યારે શ્રીકૃષ્ણવિરહમાં મન વ્યાકુળ બને છે. અને શ્રીકૃષ્ણ દર્શન માટે પ્રાણ તરફડે છે. આવી દશા પ્રાપ્ત થાય, એટલે મન અતિશુદ્ધ થાય છે. મનનો મેલ વિરહાગ્નિ બાળે છે. આપણાથી પ્રભુનો વિરહ સહન થાય છે. જ્યારે સંતોથી પ્રભુનો વિરહ સહન થતો નથી. સંતો પ્રભુદર્શન માટે આતુર બને છે, અને વિરહાગ્નિ જયારે એમના શરીરને બાળે છે અને તન્મયતા આવે છે, ત્યારે તેઓને ઈશ્ર્વરનો અનુભવ થાય છે. ઈશ્ર્વર સર્વત્ર છે. શ્રીકૃષ્ણ વિરહમાં વ્રજવાસીઓ વ્યાકુળ થઇને રડે છે. વૃન્દાવન તેમને સ્મશાન જેવું લાગે છે. વિરહમાં જયારે જીવને ચેન ન પડે, ત્યારે શ્રીકૃષ્ણ સન્મુખ દેખાય છે. સંયોગમાં તો માત્ર એક જ વ્યક્તિનો અનુભવ થાય છે. પણ વિયોગમાં તન્મય થતાં જયાં જયાં નજર જાય ત્યાં ત્યાં પ્રભુ દેખાય છે.

Join Our WhatsApp Community

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૬

ગોપીપ્રેમની કથા ઉદ્ધવાગમનમાં પૂરી થાય છે. ગોપીઓ પ્રેમ લક્ષણા ભક્તિની આચાર્યા છે. ઘરમાં રહી ઘરકામ કરતાં કરતાં, કેવી રીતે પ્રભુદર્શન કરવું તે ગોપીઓ સમજાવે છે. ભાગવતનો નિયમ છે. ચરિત્ર આપ્યા પછી ઉપસંહારમાં ચરિત્રનું રહસ્ય બતાવે છે. કંસ મર્યા પછી કંસ કોણ છે તે ઉતરાર્ધના પ્રથમ શ્લોકમાં બતાવ્યું છે. કંસની રાણીઓ અસ્તિ અને પ્રાપ્તિ, અસ્તિ એટલે છે, બેંકમાં આટલા રૂપિયા છે અને આ વર્ષે આટલો નફો થશે. નીતિ-અનીતિથી કેવળ પૈસા કમાવવાના જ વિચાર કરે તે કંસ છે. જયારથી લોકો માનવા લાગ્યા કે પૈસાથી જ સુખ મળે છે, ત્યારથી પાપ વધ્યું છે. પણ પૈસાથી કાંઈક સુખ મળે છે પણ પૈસો શાંતિ આપી શકતો નથી. દશમ સ્કંધના ઉત્તરાર્ધમાં અધ્યાય ૫૦ માં જરાસંધની કથા આવે છે. જરાસંધ મથુરા ઉપર ચડાઈ કરે છે અને તેને ઘેરી લે છે. તમારા જીવનના ઉત્તરાર્ધમાં પણ ૫૦ માં વર્ષથી જરાસંધ તમારા ઉપર ચડાઈ કરશે. તમારા શરીર (મથુરા) ઉપર જરાસંધ=વૃધાવસ્થા ચડી આવશે અને ઘેરો ઘાલશે. તમારી ઉંમરના પચાસમાં વર્ષથી ઉત્તરાર્ધમાં-ઉત્તરાવસ્થામાં જરાસંધ, એટલે વૃદ્ધાવસ્થા સાથે યુદ્ધ શરુ થશે, સાંધા દુઃખે એટલે સમજજો, જરાસંધ આવ્યો. પચાસ પૂરા થયાં ને જરાસંધની એકાવનમા અધ્યાયથી શરૂઆત થઈ. જીવનનો પૂર્વાર્ધ પૂરો થયો અને હવે જીવનનો ઉત્તરાર્ધ શરૂ થાય છે. એટલે કે પચાસ અધ્યાય સુધી જરાસંધ આવતો નથી. ઉંમરનાં પચાસ વર્ષ પછી વૃદ્ધાવસ્થાની શરૂઆત થાય છે. જરાસંધ આવે છે, એટલે મથુરાના દરવાજા તૂટવા લાગે છે. આંખોથી ઓછું દેખાય છે. ખાધેલું પચતું નથી. ચાલીસ થાય એટલે શરીરની શક્તિ ઓછી થાય છે. ત્યારે ધીરે ધીરે પ્રવૃત્તિ ઓછી કરો. પ્રભુ માટે સમય વધારો. શ્રીકૃષ્ણે, સત્તર વખત જરાસંધને હરાવ્યો, અઢારમી વાર તે કાલયવનની સાથે આવ્યો. કાળને પહેલો મોકલ્યો. જરાસંધ-વૃદ્ધાવસ્થા લડવા આવે પણ કાલયવન-કાળને સાથે લઇને લડવા આવે છે, ત્યારે ઉગારો થતો નથી. કાલયવન અને જરાસંધ સાથે લડવા આવ્યા ત્યારે શ્રીકૃષ્ણને પણ મથુરા છોડવી પડી અને દ્વારકાનો આશરો લેવો પડયો. દ્વારકા એટલે બ્રહ્મવિદ્યા દ્વારિકા બ્રહ્મ યસ્યા સા બ્રહ્માવિદ્યા । બ્રહ્મવિદ્યાનો આશરો લેવો પડયો.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૬
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૪
Exit mobile version