Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૩

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૩

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૩

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

રુક્મિણી પૂજા કરી બહાર આવ્યાં છે. ધીરે ધીરે ટેકરી ઉપરથી નીચે ઉતરે છે. માતાજીના સ્વરૂપને જોતાં રાજાઓ કામાંધ થયા. બોલવા લાગ્યા, કન્યા બહુ સુંદર છે. માતાજીને વંદન કરે તો માતાજી કલ્યાણ કરે. રુક્મિણી વિચારે છે કે હું તો સર્વની માં છું અને આ મારાં બાળકો મને કામભાવથી નિહાળે છે. હું જીવમાત્રની માં છું. માતાજીને આ ઠીક લાગ્યું નહીં. માતાજીએ આંખમાંથી એકદમ એવું તેજ પ્રગટ કર્યું કે જે તેજ સહન ન થવાથી રાજાઓને મૂર્છા આવી છે. રાજાઓ કામભાવથી રૂક્મિણીને જોતા હતાં, તેથી માતાજીએ આંખમાંથી અલૌકિક તેજ પ્રગટ કર્યું તે તેજ કોણ સહન કરી શકે? તેજ સહન ન થયું એટલે રાજાઓને મૂર્છા આવી, તેઓ ખાડામાં પડયા. માતાજીને લૌકિક ભાવથી જે જુએ તે ખાડામાં ન પડે તો બીજું શું થાય? રાજાઓ જ્યારે નીચે પડે છે, ત્યારે પ્રભુએ દારુક સારથીને કહ્યું રથને લઈ જા. નીચે પડેલા રાજાઓ ઉપરથી દારુકે રથ કુદાવ્યો, રથ મંદિર પાસે આવ્યો. રૂક્મિણીએ ગરુડધ્વજવાળો રથ જોયો, રૂક્મિણીને આનંદ થયો. પ્રભુએ હાથ પકડી રૂક્મિણીને રથમાં બેસાડી અને દ્વારકાના માર્ગે રથ પડયો છે. રાજાઓ ધૂળમાં પડે છે. એક કહે, મને ચક્કર આવ્યાં, બીજો કહે, મને તેજ દેખાયું, રાજાઓએ સાંભળ્યું, રૂક્મિણીને શ્રીકૃષ્ણ લઈ ગયા. રાજાઓ કપડાંની ધૂળ ખંખેરતા ઊભા થયા. કહેવા લાગ્યા, શું એટલામાં લઈ ગયા? અમે સાથે લડવા જઈશું. માતા લક્ષ્મીને જે કામભાવથી જુએ છે, તે આ રાજાઓ જેમ ખાડામાં પડે છે. તેઓની દુર્દશા થાય છે. શિશુપાલ જરાસંધને કહે છે, આજે મારું નાક કપાયું. જરાસંધ કહે છે, તારી સાથે અમારા બધાંનું નાક કપાયું. આમ સ્ત્રીની જેમ વિલાપ શું કરે છે? અમે તેની સાથે લડીને, તારે માટે કન્યા લઈ આવીશું. શિશુપાલ, દંતવક્રય, જરાસંધ વગેરે લડવા નીકળ્યા છે. 

Join Our WhatsApp Community

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૨

આ બાજુ દાઉજીને પાછળથી ખબર પડી. સાયંકાળનો સમય થયો. શ્રીકૃષ્ણ આવ્યા નહિ. કેમ હજુ ઘરે આવ્યા નહિ? પછી ખબર પડી, કે વિદર્ભ નગરીથી બ્રાહ્મણ આવેલો. પત્ર પણ લાવેલો. દાઉજીને કાને તો વાત પડી હતી. કનૈયો કેવો શરમાળ છે. મને વાત પણ કરી નહીં દાઉજી વિચાર કરવા લાગ્યા, ત્યાં રાજાઓ યુદ્ધ કરશે. સેના લઈ એક રાતમાં જ દાઉજી વિદર્ભ નગરી આવ્યા છે. અને એવું પરાક્રમ કર્યું કે શિશુપાલ, જરાસંધ વગેરે રાજાઓની બધી સેના છિન્નભિન્ન થઈ ગઇ. આ બધી ભાડુતી પલટણ હતી. કહેવા લાગ્યા, શિશુપાલના લગ્ન થવાના હોય તો થાય, અમે શા માટે મરીએ? જે કહેતા હતા, કે અમે લાડવા ખાવા આવ્યા નથી તે રાજાઓ નાસી ગયા. શિશુપાલ એકલો બેસી રડે છે. પણ લડવા જતો નથી. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે અતિકામી મનુષ્ય અતિશય બીકણ હોય છે. જરાસંધ ત્યાં આવ્યો છે. શિશુપાલને કહે છે, એકલો કૃષ્ણ હોત તો હું તેમને હરાવત પણ આ દાઉજીને હરાવવા મુશ્કેલ છે. આપણા માટે સમય અનુકુળ નથી. ચાલ તું જીવતો હોઈશ, તો આ નહિ તો બીજી હજારો કન્યાઓ મળી રહેશે. જીવતો નર ભદ્રા પામે. શિશુપાલ ઘરે આવ્યો છે. રુક્મિણી સાથે શ્રીકૃષ્ણ રથમાં બિરાજ્યા છે. રુકમી ત્યાં યુદ્ધ કરવા આવ્યો છે. શ્રીકૃષ્ણે તેને પકડીને રથના થાંભલા સાથે બાંધ્યો છે. તેને મારવા ઈચ્છા કરી. રુક્મિણીએ પ્રાર્થના કરી નાથ, તેને ન મારો. આ મારો ભાઈ છે. તેવામાં દાઉજી પણ આવ્યા છે. શ્રીકૃષ્ણ ભગવાનને ઠપકો આપ્યો. ગમે તેમ તે હવે સાળો થયો, તેને રથ સાથે બાંધી રાખ્યો એ યોગ્ય નથી. દાઉજીએ રુકમીને હાથ છોડાવ્યો. મોટાભાઈ હાથ જોડે તેવા નથી પણ રુક્મિણીને ખુશ કરવા દાઉજીએ રુકમીને હાથ જોડયા. તેનું સન્માન કર્યું. રુક્મિણીએ વિચાર્યું, મારા જેઠ કેવા પ્રેમાળ છે? મારા જેઠનો મારા ભાઇ ઉપર પ્રેમ છે ત્યારે મારા ઉપર તે કેવો પ્રેમ રાખશે? આજકાલ લગ્ન થયા પછી, બે ભાઇઓ એક ઘરમાં સાથે રહી શકતા નથી. મન મોટું રાખો તો તમારે ત્યાં કલિ આવશે નહિ. એક ઘર, એક કુટુંબ-એ આપણા ત્રણે મહાન ગ્રંથોના આદર્શ છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચાર ભાઇ હતા પણ ઘર એક હતું, પાંડવો પાંચ હતા તેમ છતાં ઘર એક હતું. ભાગવતમાં આ કથા નથી. શ્રીકૃષ્ણે ઉદ્ધવને પત્ર આપી ગોકુળ મોકલ્યા છે. મારા માતાપિતા દ્વારકામાં આવે તે પછી હું લગ્ન કરીશ, નહિતર હું કુંવારો રહીશ. નંદબાબા ખુશ થયા છે. પણ કનૈયો ગોકુળ આવે નહીં, ત્યાં સુધી મારે દ્વારકા જવું નથી. તેના લગ્નને દિવસે અહીં બ્રાહ્મણોને જમાડીશ. શ્રીકૃષ્ણ સમજી ગયા, ગોકુળ આવ્યા છે. યશોદા મા આંગણામાં ઉભા છે. કનૈયો માને પ્રણામ કરે છે મા! હું આવી ગયો. કૃષ્ણે માને કહ્યું, મા. તું દ્વારકા નહી આવે? તું નહી આવે તો તારો કનૈયો કુંવારો રહેશે. નંદ-યશોદા વ્રજવાસીઓ અને ગોપીઓ સાથે દ્વારકા પધાર્યા છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૨
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૯
Exit mobile version