પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
રાજસૂય યજ્ઞ થયો તેમાં પહેલી પૂજા શ્રીકૃષ્ણની કરવામાં આવી. શિશુપાલથી આ સહન થયું નહીં. શિશુપાલ ફાવે તેમ બોલવા લાગ્યો. શ્રીકૃષ્ણ તો ગોવાળ છે. તેને શ્રેષ્ઠ કોણે કહ્યો? તે પૂજનને યોગ્ય નથી. ભગવાને ચક્રથી શિશુપાલનું મસ્તક ઉડાવી દીધું. શિશુપાલનો ઉદ્ધાર કર્યો. બધાને આનંદ થયો. દુર્યોધન અક્કડમાં ચાલ્યો ગયો.અક્કડમાં ચાલે તેનું પતન થાય છે. શિશુપાલ એ ક્રોધનું સ્વરૂપ છે. શિશુપાલ એટલે કે ક્રોધનો નાશ કર્યો. શિશુપાલનો વધ સુદર્શન ચક્રથી એટલે કે જ્ઞાનથી કર્યો. ક્રોધને શાંત કરવાનો ઉપાય છે જ્ઞાન. આ બાજુ દુર્યોધને કપટ કર્યું. પાંડવોને જુગાર રમવા માટે આમંત્રણ આપ્યું. પાંડવો વિરાટનગરીમાં અજ્ઞાતવાસ કરે છે. વનવાસ પૂરો થાય છે. તે પછી કૌરવો-પાંડવોનું યુદ્ધ નક્કી થયું. દાઉજીને થયું કે મારે કોઈના પક્ષમાં રહેવું પડશે, તેથી યાત્રા કરવા નીકળ્યાં છે. ઘરમાં મનભેદ થાય ત્યારે તીર્થ યાત્રા કરવા નીકળી પડો. દાઉજીની યાત્રાનું ખૂબ વર્ણન કર્યું છે. દાઉજીની યાત્રા દિવ્ય છે. તેનું વર્ણન કોણ કરી શકે? રાજાએ શુકદેવજીને કહ્યું:-આપ મારા ઈષ્ટ દેવની કથા કહો. શુકદેવજી સુદામાચરિત્રની કથા કહી સંભળાવે છે. સુદામા ચરિત્ર એ ભાગવતનો અગત્યનો પ્રસંગ છે. ભાગવતની કથા કરતાં કરતાં શ્રી શુકદેવજીને બે વખત સમાધિ લાગેલી, ત્યારે તેમને વેદના મંત્રોચ્ચાર કરીને સમાધિમાંથી જગાડવા પડેલા. બીજા ઋષિઓએ તેમને જગાડયા. જ્યારે તન્મયતા થાય ત્યારે સમાધિ લાગે છે. તે પ્રસંગો કયા કયા? (૧) ભગવાન શ્રીકૃષ્ણ બ્રહ્માને માયા બતાવે છે, શ્રીકૃષ્ણ ગોપબાળકો, વાછરડાઓ, વગેરેનાં રૂપો થઈને આવેલા ત્યારે. (૨) સુદામા ચરિત્ર વખતે અધ્યાયના આરંભમાં પરીક્ષિત રાજા કહે છે, કે આ શ્રીકૃષ્ણકથા સાંભળતા તૃપ્તિ જ થતી નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૯
અને યોગ્ય જ કહ્યું છે, કે મનુષ્ય જે વાણી થી ભગવાનના ગુણો વર્ણવે તે જ વાણી છે, (તે જ વાણી સાચી, તે જ વાણી ધન્ય). જે હાથો ભગવાનના કર્મો કરે તે જ હાથ છે (તેને સાચા હાથ કહી શકાય, બાકીના લાકડાંના હાથાઓ).સ્થાવર જંગમ પદાર્થોમાં વ્યાપી રહેલા ભગવાનનું સ્મરણ કરે તે જ મન, જે કાન ભગવાનની પવિત્ર કથા સાંભળે તે જ કાન,(તેને જ સાચા કાન કહી શકાય, બાકીના પડિયા). શ્રી શુકદેવજી વર્ણન કરે છે:-સુદામા ભગવાનના ખાસ મિત્ર છે. સુદામા પોરબંદરમાં બિરાજે છે. સુદામા જિતેન્દ્રિય છે. મહાજ્ઞાની છે. પવિત્ર બ્રાહ્મણ હતા. સ્થિતિ તદન ગરીબ હતી, તેમ છતાં અયાચક્ર વ્રત લીધું હતું. આ વ્રતનો નિયમ છે, સૂર્યોદય પછી ઘરમાં જે આવ્યુ હોય તે તે જ દિવસે સૂર્યાસ્ત પહેલા વાપરી નાખવાનું. બીજા દિવસ માટે રાખવાનું નહિ. કોઇની પાસે કાંઈ માંગવાંનુ નહિ. આખો દિવસ પૂજાપાઠમાં ગાળે, સુદામા જ્ઞાની હતા. જ્ઞાનનું ફળ પૈસો નહીં, પ્રતિષ્ઠા નહિ. પરંતુ પરમાત્મા સાથે એક થવા જ્ઞાન છે. વિદ્યાનો ઉપયોગ પૈસો મેળવવામાં કરવો તે ઠીક નથી, વિદ્યાનું ફળ પૈસો અને પ્રતિષ્ઠા નથી. કેટલાક વિદ્વાનો વિદ્યાનો ઉપયોગ ભોગ માટે કરે છે તે ઠીક નથી. સુદામાએ નિશ્ચય કરેલો કે વિદ્યાનો ઉપયોગ મારે ભોગ માટે કરવો નથી, પણ ભગવાન માટે કરવો છે. સુદામા જેટલું ઘરે આવે તેટલું વાપરી નાંખે, ઘરમાં દરિદ્રી છે. સુદામાની પત્નીનું નામ સુશીલા હતું, તેવું ઇતર ગ્રંથમાં આપ્યું છે. સુશીલામાં નામ પ્રમાણે ગુણ હતા. નામ પ્રમાણે ગુણ હોવા જોઈએ. કોઈ બહેનનું નામ હોય છે શાન્તાબહેન. પણ ઘરમાં શાન્તિનું નામનિશાન ન મળે. કોઇનું નામ હોય છે ગંગાબહેન, પણ તેના ઘરે જાવ તો પાણી પીવા ન મળે. સુશીલા પાસે એક જ વસ્ત્ર હતું. નાહીને શરીર ઉપર જ સુકાવે. પતિના ઘરમાં સુખ સંપત્તિ હોય, અને પતિ સાથે પ્રેમ કરે એમાં શું આશ્ચર્ય?. પણ ઘરમાં ખાવાનું ન હોય, પહેરવા પૂરતાં કપડાં ન હોય અને પતિ ઉપર પ્રેમ કરે એ મહાન પતિવ્રતા છે. સુશીલા મહાન પતિવ્રતા છે. ગરીબીને કારણે અનેકવાર પતિ-પત્ની ખાય નહિ. ઉપવાસ કરતા હતાં તેમ છતાં સુશીલાએ કોઈ દિવસ સુદામાને કહ્યું નથી કે તમે બ્રાહ્મણ છો, વિદ્વાન છો, તો કયાંય કમાવા જતા નથી. સાધારણ સ્ત્રી હોત તો પતિને ઠપકો આપત કે તમારે ધંધો કરવો ન હતો તો પછી પરણ્યા જ શું કામ? મારી જીંદગી બગાડી શું કામ? પતિ સુખ અને ધન આપે ત્યારે પતિની સેવા કરે એમાં શુ આશ્ર્ચર્ય છે? પણ પતિ દરિદ્ર હોય તેમ છતાં પતિમાં પરમેશ્વરનો ભાવ રાખી, તેની સેવા કરે એ પત્ની ધન્ય છે.
