પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
(૨૦) એક કુમારી કન્યા હતી. બહારગામથી તેનું માંગુ કરવા પરોણાઓ આવ્યા. ઘરમાં ચોખા ન હતા, તેથી તે ડાંગર ખાંડવા લાગી. હાથમાં તેણે બંગડીઓ પહેરી હતી. બંગડીઓનો અવાજ થાય અને મહેમાન સાંભળે, તો તેઓને જાણ થઇ જાય કે આ લોકોના ઘરમાં ચોખા પણ નથી. એટલે કે આ લોકો ગરીબ છે. કન્યા બુદ્ધિમાન હતી. તેણે હાથમાં એક એક બંગડી રાખી, બીજી ઉતારી નાખી. એક બંગડી હોય તો અવાજ કયાંથી થાય? તે પ્રમાણે વસ્તીમાં રહેવાથી કજિયા કંકાસ થાય, તેથી સાધુએ એકાંતવાસ સેવવો, તેથી મેં કુમારી કન્યાને મારી ગુરુ બનાવી. (૨૧) બાણ બનાવનાર લુહાર પણ મારો ગુરુ છે. એક લુહાર બાણ બનાવતો હતો, તે પોતાના કાર્યમાં એટલો મગ્ન થઇ ગયો હતો, કે ત્યાંથી રાજાની સવારી વાજતેગાજતે પસાર થઇ ગઇ, પણ તેની તેને કાંઇ ખબર પડી નહિ. એ બતાવે છે, કે લૌકિક કાર્યમાં પણ આવી તન્મયતા થાય, ત્યારે તે સારી રીતે થાય છે. લૌકિક કાર્યોમાં પણ તન્મયતા વગર સિદ્ધિ મળતી નથી. લૌકિક કાર્ય પણ તન્મયતા વગર સિદ્ધ થતા નથી. તો પરલૌકિક કાર્ય ઈશ્વર આરાધના, ઈશ્વર સેવા વગેરે તન્મયતા વગર સિદ્ધ કયાંથી થાય? આવાં અલૌકિક કાર્યમાં તન્મયતા વગર સિદ્ધિ કેમ મળે? ભાગવત સેવા સ્મરણ અને જપમાં તન્મયતા ન આવે તો ચાલતું નથી. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક બને ત્યારે જીવ કૃતાર્થ થાય. (૨૨) સર્પ મારો ગુરુ છે. મુનિએ સર્પ જેમ એકલા રહેવું અને ફરતા રહેવું. (૨૩) કરોળિઓ પોતાના મુખમાંથી લાળ ઉત્પન્ન કરી, તેની સાથે રમત રમે છે અને છેવટે તે લાળને ગળી જાય છે. ઈશ્વર પોતાની માયાથી સૃષ્ટિ રચી અંતે તેનો સંહાર કરે છે. (૨૪) કીડો પણ મારો ગુરુ છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૩
ભમરી કીડાને પકડી લાવી દરમાં પૂરે છે. કીડો ભમરીના ભયથી ભમરીનું ચિંતન કરતાં કરતાં અંતે ભમરીરૂપ થઈ જાય છે. તેમ મનુષ્ય પણ જો એક ભગવાનનું જ ધ્યાન ધરે, કેવળ ભગવાનમાં જ મનને એકાગ્ર કરે, તો તે ભગવાનરૂપ બની જાય છે. ઇયળ ભમરીનું ચિંતન કરતાં ભમરીરૂપ થાય છે. તેમ જીવ પણ અનેક પ્રકારના દુ:ખો સહન કરતાં, ઈશ્વરનું ધ્યાન સતત રાખે તો ઇશ્વરના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. વિષયનું ચિંતન કરતાં મન વિષયમાં ફસાય છે અને મારું ચિંતન કરતા તેનું મન મારામાં મળે છે. યદુરાજા દત્તાત્રેયના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરે છે. તે પછી શ્રીકૃષ્ણ ઉદ્ધવને બંધન અને મોક્ષનું સ્વરૂપ સમજાવે છે. બંધન, મોક્ષ એ મનનાં ધર્મો છે. હે ઉદ્ધવ! આ જીવ મારો જ અંશ છે, તેમ છતાં અવિદ્યાથી તેને બંધન થાય છે અને જ્ઞાનથી મોક્ષપ્રાપ્ત થાય છે. ત્યારે મને-ઈશ્વરને બંધન કે મોક્ષ નથી. જીવ કર્મોંથી બંધાયેલો છે. ઈશ્વર નિત્યમુક્ત છે. આ દુનિયામાં આત્મજ્ઞાનવાળા મુક્ત અને આત્મજ્ઞાન વગરનાં બંધાયેલા છે. જે પુરુષની પ્રાણ, ઈન્દ્રિયો, મન તથા બુદ્ધિની વૃત્તિઓ સંકલ્પરહિત થયેલી હોય છે તે દેહમાં રહેલો હોવા છતાં દેહના ગુણોથી મુકત જ છે. તે પછી ઉદ્ધવને સાધુપુરુષોનાં લક્ષણો કહ્યાં અને ભક્તિનાં લક્ષણો બતાવ્યાં. તે પછી સત્સંગનો મહિમા વર્ણવ્યો. વૃત્રાસુર, પ્રહલાદ, બલિરાજા, વિભીષણ, સુગ્રીવ, હનુમાન, કુબ્જા, વ્રજની ગોપીઓ અને યજ્ઞપત્નીઓ અને બીજાં કેવળ સત્સંગથી મને પ્રાપ્ત કરી શક્યાં છે. તેઓ વેદો જાણતા ન હતા, કે તેમણે વ્રતો કે તપશ્ચર્યાઓ પણ કરેલી ન હતી, છતાં તેઓ મને પામ્યાં છે. સત્સંગથી પ્રાપ્ત થયેલા ભક્તિભાવ વડે તેઓ અનાયાસે મને પામ્યા છે. ઉદ્ધવને સત્સંગનો મહિમા બતાવ્યો. સંતોના સંગથી જીવન સુધરે છે,મૃત્યુ સુધરે છે. પશુ પક્ષીઓ પણ સત્સંગથી સુધરે છે. ઉદ્ધવ! સત્સંગથી જીવન સુધરે છે. કુસંગથી મનુષ્ય બગડે છે. કામીનો સંગ કરીશ નહિ. કામીના સંગમાં રહી ધ્યાન્, જપ થતાં નથી. મનુષ્યોની વચ્ચે રહી, મનુષ્ય થવું સહેલુ છે. પણ મનુષ્ય સમાજમાં રહી બ્રહ્મજ્ઞાની થવું, બ્રહ્મનિષ્ઠ થવું કઠણ છે. ઉદ્ધવ! બને ત્યાં સુધી તું સત્સંગમાં રહેજે. પશુ પક્ષીઓનો ઉદ્ધાર સત્સંગથી થયો છે. સત્સંગ વગર ઉદ્ધાર નથી. સંસારવૃક્ષનું વર્ણન કર્યું. સંસારવૃક્ષનાં બે બીજ છે; પુણ્ય તથા પાપ. અગણિત વાસનાઓ તેનાં મૂળિયા છે. ત્રણ ગુણો, સત્ત્વ, રજ, તમ તેનાં થડ છે, ઈન્દ્રિયો અને મન તેની ડાળીઓ છે. વિષયોરૂપી રસ છે. સુખદુ:ખ તેના બે ફળ છે. વિષયોમાં ફસાયેલો રહે તે દુ:ખ ભોગવે છે, આને ભોગી કહેવાય. વિવેકી પરમહંસો સુખ ભોગવે છે, તેને યોગી કહીએ.
