પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ત્રાજવાની દાંડી સમતોલ રાખવી પડે છે, તેમ મારી બુદ્ધિ અને મનને મેં સમતોલ રાખ્યાં છે.
વેપાર એ પણ ભક્તિ છે. એવું ન માનો કે ભક્તિ મંદિરમાં જ થઈ શકે છે. ભક્તિ સર્વત્ર થઈ શકે છે. ઇશ્વરથી વિભક્ત ન
થાય, અલગ ન થાય અને પ્રત્યેક વ્યવહાર કરે, તો તેનો પ્રત્યેક વ્યવહાર ભક્તિ છે. ઇશ્વરથી જુદા પડશો નહિ.
ગ્રાહકમાં ઇશ્વર છે એવું વેપારી સમજે તો વેપાર એ પણ ભક્તિ છે. વ્યાજબી નફો લેવો એ વૈશ્યનો ધર્મ છે. વેપારી ગ્રાહક
સાથે વાતો કરે છે, ત્યારે ઈશ્વર સર્વમાં રહેલો છે, તે ભૂલી જાય છે. તેથી વેપાર પાપ રૂપ થયો છે. કેટલાક દુકાનમાં બિરાજેલા
ઠાકોરજીની રૂબરૂમાં પાપ કરે છે. પાંચનો માલ આપે પચ્ચીસમાં અને કહે કે પડતર ભાવે આપું છું. આવું ન કરો, કથા સાવધાન
થવા માટે છે.
ઇશ્વર વ્યાપક છે તેનો અનુભવ કરજો. હું જે બોલું છું તે ભગવાન સાંભળે છે, હું જગતને કેવી રીતે જોઉં છું તે ભગવાન
નિહાળે છે તેમ માનો.
મનુષ્ય શરીરથી પાપ કરે તે સમાજ જોઇ શકે છે, પણ મનથી પાપ કરે છે તે માત્ર ઈશ્વર જ જોઈ શકે છે. મનથી કરેલું
પાપ એ મોટામાં મોટું પાપ છે. બીલકુલ પાપ ન કરો એ મહાન પુણ્ય છે. નૃસિંહ ભગવાન બહારથી આવ્યા નથી, સ્તંભમાંથી પ્રગટ
થયા છે. માત્ર સજીવમાં નહીં, જડ વસ્તુમાં પણ ઈશ્વરને જુઓ, ઈશ્ર્વર જડ અને ચેતન સર્વમાં છે. લૌકિક દ્રષ્ટિએ પૃથ્વી જડ
જેવી લાગે છે, પણ જડમાં પણ, ઇશ્વરની ભાવના કરવાની છે.
એક મહાત્માના ( Mahatma ) બે શિષ્યો ખૂબ ભણેલા. કથા પણ કરતા. મહાત્માને લાગ્યું, આ શરીરનું પ્રારબ્ધ પૂરું થયું છે. હવે દેહ
પડશે. બંને શિષ્યોમાં ગાદી માટે ઝઘડો થવા લાગ્યો. મહાત્માએ વિચાર્યું. ગાદી કોને આપું? બે ફળ મંગાવ્યા. બંને શિષ્યોને એક
એક ફળ આપ્યું અને કહ્યું કે એવી જગ્યાએ આ ફળ ખાજો કે કોઈ તમને ફળ ખાતાં જુએ નહીં. એકે વિચાર્યું, ઓરડો બંધ કરી ફળ
ખાઈશ. બંધ ઓરડામાં કોણ જોશે? તે ઓરડામાં જઈ ફળ ખાઈ આવ્યો. બીજાએ જ્ઞાન પચાવેલું, જ્ઞાન પરોપદેશ માટે નથી.
આત્મસંતોષ માટે છે. બીજાને તો તે જ્યાં જાય ત્યાં ઈશ્વર ભાસે છે. ઈશ્વર સર્વ વ્યાપક છે, એવું વેદમાં લખ્યું છે. પરમાત્મા
વિશ્વતોમુખ છે. તે આખો દિવસ ફર્યો પણ એવી એકાંત જગ્યા મળી નહીં. ફળ ખાધા વગર તે પાછો આવ્યો. ગુરુજીએ નકકી કર્યું,
આ બીજો લાયક છે. પહેલો કથા કરે છે, પણ ઈશ્વરના વ્યાપક સ્વરૂપને સમજ્યો નથી. કથા કરવી સહેલી છે પણ ઈશ્વર સર્વમાં
છે, તેમ સમજીને વ્યવહાર કરવો કઠણ છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૯૧
પ્રહલાદજીની ( Prahlad ) દૃઢ નિષ્ઠા છે કે, ઈશ્વર સર્વમાં છે. અનેકમાં એક વસ્તુનાં દર્શન કરે એ ભક્તિ. સર્વમાં એક તત્ત્વને નિહાળે
તેનું નામ જ્ઞાન. જ્ઞાની એક વસ્તુમાં અનેકનો લય કરે છે. એકમાં અનેકનો લય કરો. આ વેદાંતની પ્રક્રિયા છે. અથવા અનેકમાં
એકને જુઓ. વૈષ્ણવો ( Vaishnavas ) અનેકમાં એક વસ્તુને જુએ છે. શબ્દમાં થોડો ફરક છે પણ જ્ઞાન માર્ગમાં અને ભક્તિ માર્ગમાં ફરક નથી.
હનુમાનજીએ સીતાજીને રામની મુદ્રિકા આપી. માતાજીને મુદ્રિકામાં પણ રામ દેખાય છે. એક પરમાત્મા જ સત્ય છે,
અને અનેકમાં રહેલા છે.
અનેકમાં એક વસ્તુ જુએ એ ભક્તિ. એકમાં અનેકને જોવું એ જ્ઞાન છે.
શરીર હોય અને શરીરમાં આત્મા-પ્રાણ ન હોય તો શરીરની શું કિંમત? જ્ઞાનીઓ બાહ્ય રૂપરંગને જોતા નથી પરંતુ બાહ્ય
રૂપરંગ જેનાથી સુંદર લાગે છે તે ઈશ્વરનું ચિંતન કરે છે. જ્ઞાની લોકો આ શરીર જેનાથી સુંદર લાગે છે તે ઇશ્વરનું ચિંતન કરે છે.
ભગવાન શંકરાચાર્ય સ્વામીએ દુ:ખથી કહ્યું છે, લોકો શરીર-માંસની મીમાંસા કરે છે. પરંતું આત્માની મીમાંસા કોઈ કરતું
નથી.
એક સદ્ગૃહસ્થને આદત હતી, સાધુસંતને જમાડયા વગર જમતા નહીં. એક વાર એવું થયું કે એક મહાત્મા ફરતા ફરતા
આવ્યા. મહાત્માની પૂજા કરી, જમવા માટે બેસાડયા છે. ઘરમાં દૂધ ન હતું, નોકરને કહ્યું. જલદી જા અને દૂધ લઈ આવ, દૂધ વંડે
રાખ્યું છે. નોકર ગયો પણ તરત જ પાછો આવ્યો. શેઠને પૂછ્યું, કાળી ગાયનું દૂધ લાવું કે ધોળી ગાયનું લાવું? શેઠ કહે છે દૂધની જ
જરૂર છે. ગમે તે ગાયનું દૂધ લાવ. મહાત્મા જમી રહે તે પહેલા દૂધ લાવ. નોકર ગયો પણ પાછો આવ્યો. પૂછ્યું, દૂધ ઘરડી ગાયનું
લાવું કે જવાન ગાયનું? શેઠને ખોટું લાગ્યુ. અતિ ક્રોધમાં શેઠ નોકરને મારવા તૈયાર થયા. મહાત્માએ પૂછ્યું નોકરને કેમ મારો છો?
શેઠે જવાબ આપ્યો, નોકર કેવો મૂર્ખ છે. તેને દૂધ લાવવા કહ્યું પણ લાવ્યો નહિ.
મહાત્મા કહે છે:-આ નોકરની અંદર જે પરમાત્મા છે તે તમારામાં છે. આપણને શરીરની જરૂર નથી. શરીરમાં રહેલા
પરમાત્માની જરૂર છે. જે પરમાત્મા તમારામાં છે, તે તેનામાં છે. તેને મારશો નહિ. સર્વમાં એક ઈશ્વર છે. પ્રત્યેક સ્ત્રી પુરુષમાં,
પ્રત્યેક સ્થાવર જંગમમાં ઈશ્વરને જુઓ.