Site icon

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૨૩

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

નામ સાધન સરળ છે. ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. ભાગવતનો આશ્રય એ નામનો આશ્રય, ભાગવતનો
આશ્રય કરે તે ભગવાન બને છે. આત્મદેવ ભાગવતનો આશ્રય લઈ, દશમ સ્કંધનો પાઠ કરતો હતો. કેવળ દશમ સ્કંધના પાઠથી
તેને મુક્તિ મળી.
સંસ્કૃતનું જ્ઞાન હોય, તો રોજ દશમ સ્કંધનો, વિષ્ણુસહ્રસ્ર નામનો શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરો. પાઠ અર્થ જ્ઞાન સાથે
કરો. અર્થ જ્ઞાન વગરનો પાઠ અધમ પાઠ છે. પ્રભુ જલ્દી કૃપા કરતા નથી. કારણ તમે તેના માટે દુઃખ સહન કરતા નથી. જીવ
દુઃખ સહન કરવા ઈચ્છતો નથી. તેના માટે દુઃખ સહન કરો. સ્વેચ્છાથી દુઃખ સહન કરે તેને યમરાજ દુઃખ આપી શકતા નથી.
આત્મદેવ એક આસને દશ બાર કલાક બેસતા. એક આસને બેસો. જ્ઞાનીઓને સમાધિમાં જે આનંદ મળે છે, તેવો આનંદ તમને
કથામાં મળશે. જે લીલાની કથા ચાલતી હોય તે લીલા પ્રત્યક્ષ થઈ રહી છે તેમ વિચારો તો આનંદ આવશે. વિચાર કરો, મારું મન
ઈશ્વરમાં તરબોળ થયું છે, દ્દશ્યમાંથી દ્દષ્ટિ હટી જાય અને દ્દષ્ટિમાં દ્દષ્ટિ સ્થિર થાય, તો મનનો નિરોધ થાય અને આનંદ પ્રગટે.
ગોકર્ણને લાગ્યું કે ધુંધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે, એટલે તેઓ પણ તીર્થમાં જાય છે.
આ બાજુ ધુંધુકારી વેશ્યાઓને રાજી કરવા ચોરીઓ કરવા લાગ્યો.
સૂતજી સાવધાન કરે છે. એક-એક ઈન્દ્રિયનો જીવ ધણી છે, પરંતુ ઈન્દ્રિય જીવનો ધણી થાય, મનુષ્ય ઈન્દ્રિયને
આધીન થાય તો તેનું જીવન બગડે છે. મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે સુખી થાય છે અને વિખૂટો પડે ત્યારે દુ:ખી થાય છે.
મનસુખાની કથા આગળ આવશે. જીવ માત્ર મનસુખા છે.

Join Our WhatsApp Community

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૨૨

ધુંધુકારી અનર્થથી અર્થોપાર્જન કરે છે. તે રાજાને ઘરે ચોરી કરવા ગયો. દાગીનાઓ લાવી વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓ
વિચાર કરે છે. આ જીવતો રહેશે તો જરૂર કોઇ દિવસ પકડાઈ જઈશું. પકડાઇ જઈશું તો રાજા બધું ધન લઈ લેશે. આને સજા થશે
અને અમને પણ સજા થશે. માટે આને મારી નાંખીએ. વેશ્યાઓએ ધુંધુકારીને દોરડા વતી બાંધ્યો, ગળે ફાંસો આપ્યો. ધુંધુકારી
મરતો નથી. અતિ પાપીને જલદી મોત આવતું નથી. વેશ્યાઓ બળતા અંગારા ધુંધુકારીના મોઢામાં નાંખે છે અને તેને મારી નાંખે
છે. પાંચ વિષયો અંતકાળે જીવને એવી રીતે મારે છે. પંચેન્દ્રિયો અંતકાળમાં જીવને મારે છે ત્યારે આ જીવાત્મા તરફડે છે.
વેશ્યાઓએ તેના શરીરને તે પછી દાટી દીધું. શરીરને અગ્નિસંસ્કાર પણ કર્યોં નહીં. જેના ચારિત્રને જોતાં ઘૃણા આવે તે
ધુંધુકારી છે. ધુંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત બન્યો. પાપી જ પ્રેત બને છે. પાપી યમપુરીમાં પણ જતો નથી. તે પ્રેત
બને છે.
ગોકર્ણે ધુંધુકારીના મરણના સમાચાર સાંભળ્યા. તેઓ ગયાજીમાં આવ્યા, ગોકર્ણે ધુંધુકારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું.
ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ છે, ત્યાં વિષ્ણુપાદ છે. તેની કથા એવી છે કે ગયાસુર કરીને એક રાક્ષસ હતો. તેણે તપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા.
બ્રહ્માએ કહ્યુ કે વરદાન માંગ. તે બ્રહ્માને કહે છે કે તમે શું વરદાન આપવાના હતા? તમારે મારી પાસે કાંઈ માંગવું હોય તો માંગો,
તેની તપશ્ચર્યાથી દેવો ગભરાયા હતા આ અસુર કેમ મરશે? બ્રહ્માએ વિચાર્યું કે આના શરીર ઉપર લાંબા કાળ સુધી યજ્ઞ કરીશું તો
અસુર મરશે. એટલે બ્રહ્માએ યજ્ઞ માટે તેનું શરીર માગ્યું. યજ્ઞકુંડ ગયાસુરની છાતી ઉપર કરવામાં આવેલો. સો વર્ષ સુધી યજ્ઞ
ચાલ્યો, પણ ગયાસુર મર્યોં નહિ. યજ્ઞની પૂર્ણાહુતિ કર્યા પછી તે ઊઠવા ગયો. બ્રહ્મા ચિંતાતુર બન્યા, બ્રહ્માને બીક લાગે છે.
બ્રહ્માએ ભગવાનને યાદ કર્યા, તેમણે નારાયણનું ધ્યાન ધર્યું નારયણ ભગવાન પ્રગટ થયા અને ગયાસુરની છાતીપર ચરણ
પધરાવ્યા. ગયાસુરે મરતી વેળા ભગવાન પાસે વરદાન માંગ્યું, ગયામાં જે કોઈ શ્રાદ્ધ કરે તેના પિતૃઓની મુકિત થાય. એવું વરદાન
ભગવાને ગયાસુરને આપ્યું. ભગવાને ગયાસુરને મુક્તિ આપી, વરદાન આપ્યું, માટે ગયાજીમાં જે પિતૃશ્રાદ્ધ કરશે તેના પિતૃઓને
મુક્તિ મળશે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૮
Exit mobile version