Site icon

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૬૧

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

દ્રૌપદીએ અશ્વત્થામાને બચાવ્યો. અર્જુનને કહ્યું, આને મારશો તો પણ મારા પાંચ પુત્રોમાંથી એક પણ હવે જીવતો
થવાનો નથી. પરંતુ અશ્વત્થામાને મારશો તો તેની મા ગૌતમીને અતિ દુ:ખ થશે. હું સધવા છું. અશ્વત્થામાની મા વિધવા છે. તે
પતિના મર્યા પછી પુત્રના આશ્વાસને જીવે છે. તે રડશે તો મારાથી નહિ જોવાય કોઈના આશીર્વાદ ન લો તો કાંઇ નહિ, પણ
કોઈનો નિસાસો લેશો નહિ. કોઇ નિ:સાસો આપે તેવું કૃત્ય કરતા નહિ. જગમાં બીજાને રડાવશો નહિ. જાતે રડજો. રડવાથી પાપ
બળે છે. રડવાથી એક દિવસ પરમાત્મા કૃપા કરે છે. રડવાથી સુખી થવાય છે. ભીમ અર્જુનને કહે છે, આ બાળહત્યારા ઉપર દયા
હોતી હશે? તારી પ્રતિજ્ઞા કયાં ગઈ? દ્રૌપદી વારંવાર કહે છે. મારશો નહિ. અર્જુન વિચારમાં પડયા. શ્રીકૃષ્ણે આજ્ઞા કરી, દ્રૌપદી
બોલે છે, તે બરાબર છે. દ્રૌપદીના દિલમાં દયા છે.
ભીમસેને કહ્યું:-મનુસ્મૃતિમાં કહ્યું છે કે અતતાયી ને મારવામાં પાપ નથી. ધર્મ પ્રમાણે પણ અતતાયી અશ્વત્થામાને
મારવામાં પાપ નથી.
શ્રીકૃષ્ણ મનુસ્મૃતિને માન્ય રાખી જવાબ આપે છે, બ્રાહ્મણનું અપમાન એ મરણ બરાબર છે. માટે અશ્વત્થામાને
મારવાની જરૂર નથી. તેનું અપમાન કરી કાઢી મૂકો.
અશ્ર્વત્થામાનું મસ્તક કાપ્યું નહિ. તેના માથામાં જન્મસિદ્ધ મણિ હતો તે કાઢી લીધો. અશ્વત્થામા તેજહીન બન્યા,
ભીમસેને વિચાર્યું, હવે મારવાનું શું બાકી રહ્યું? અપમાન, મરણ કરતાં પણ વિશેષ છે. અપમાન પ્રતિક્ષણે મરવા જેવું છે.
અશ્વત્થામાએ વિચાર કર્યો કે આનાં કરતાં મને મારી નાખ્યો હોત તો સારું થાત.

Join Our WhatsApp Community

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૬૦

અશ્ર્વત્થામાએ વિચાર્યું. પાંડવોએ મારું અપમાન કર્યું છે, તેનો બદલો લઈશ, મારું પરાક્રમ બતાવીશ, ઉત્તરાના પેટમાં
ગર્ભ છે. તે પાંડવોનો ઉત્તરાધિકારી છે. તે ગર્ભનો નાશ થાય તો પાંડવોના વંશનો નાશ થશે, એમ વિચારી ગર્ભ ઉપર તેને બ્રહ્માસ્ત્ર છોડયું.
ઉત્તરા વ્યાકુળ થયાં છે. હરિ સ્મરણ કરે અને હરિ આશ્રય લે, તો ભગવાન માર્ગ બતાવે છે. ઈશ્વર સ્મરણ વારંવાર કરે,
તો ભાવ શુદ્ધ થાય છે, સુદર્શનચક્ર ઉત્તરાના ગર્ભમાં જઈ પરીક્ષિતનું રક્ષણ કરે છે. જીવ માત્ર પરીક્ષિત છે. શ્રીકૃષ્ણ જીવમાત્રનું
રક્ષણ ગર્ભમાં કરે છે. બહાર આવ્યા પછી પણ જીવનું રક્ષણ ભગવાન કરે છે. ભગવાને ઉત્તરાના ગર્ભમાંના પરીક્ષિતનું રક્ષણ કર્યું
છે. એટલું જ નહિ તે જીવ માત્રનું રક્ષણ કરે છે. ગર્ભમાં તો જીવાત્મા હાથ જોડીને પરમાત્માને સતત નમન કરે છે, પણ બહાર
આવ્યા પછી, બે હાથ છૂટા થતાં તેનું નમન છૂટી જાય છે. પ્રભુને તે ભૂલી જાય છે.
ગર્ભાવસ્થામાં જીવનું રક્ષણ પરમાત્મા કરે છે. બાલ્યાવસ્થામાં પણ જીવનું પરમાત્મા જ રક્ષણ કરે છે. એ તો જવાનીમાં
માનવી ભાન ભૂલે છે. અક્કડમાં ચાલે છે અને કહે છે કે હું ધર્મમાં માનતો નથી. ઈશ્વરમાં માનતો નથી.
દ્રૌપદીએ ઉત્તરાને સારી શિખામણ આપેલી કે જીવનમાં દુ:ખનો પ્રસંગ આવે ત્યારે ઠાકોરજીના ચરણનો આશ્રય લેવો.
કોઇ દુઃખનો પ્રસંગ આવે, ત્યારે શ્રીકૃષ્ણને શરણે જવું. કનૈયો પ્રેમાળ છે. તે જરૂર મદદ કરશે. તમારા દુઃખની કથા દ્વારકાનાથ
સિવાય કોઈને કહેશો નહિ.
ઉત્તરાએ જોયેલું કે મારા સાસુજી રોજ દ્વારકાનાથને રિઝાવે છે. બાળક અનુકરણ જલદી કરે છે. બાળકના દેખતાં પાપ
કરો નહિ. ઉત્તરા રક્ષણ માટે પાંડવો પાસે ગયાં નહીં પણ પરમાત્મા પાસે ગયાં છે.
માતાના પેટમાં જ પરીક્ષિતને પરમાત્માનાં દર્શન થયાં, તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે.
ભગવાન કોઇના ગર્ભમાં જતા નથી. પરમાત્માની લીલા અપ્રાકૃત છે. દેવકીના પેટમાં ભગવાન ગયા નથી. દેવકીને
ભ્રાંતિ કરાવી છે કે તેના પેટમાં ભગવાન છે. પરંતુ આજે એવી જરૂર પડી હતી. આજે ભક્તનું રક્ષણ કરવાનું હતું. એટલે
પરમાત્માએ ગર્ભમાં જઇ રક્ષણ કર્યું.
શ્રીકૃષ્ણે સુદર્શનચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું, પરીક્ષિતનું રક્ષણ કરી દ્વારકાનાથ દ્ધારકા પધારવા તૈયાર થયા.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૬
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૪
Exit mobile version