Site icon

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯૭

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

The purpose of Bhagavata and its mahatmya. – 97

The purpose of Bhagavata and its mahatmya. – 97

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

વિદુરજીને ત્યાં પરમાત્મા પધાર્યા. સુલભાની ભાવના સફળ થઇ. ઠાકોરજીએ તેની ભાજી આરોગી. એવું સત્કાર્ય કરો કે
ભગવાનને વિના આમંત્રણે આપણા ઘરે આવવાની ઈચ્છા થાય. મૈત્રી સમાન વચ્ચે થાય. જીવ જો ઇશ્વર જેવો બને તો ભગવાન તેના
ઘરે આવે.
પ્રભુએ ધૃતરાષ્ટ્રના ઘરનું પાણી પણ પીધું નહી, એટલે કૌરવોનો વિનાશ થયો. શુકદેવજી રાજાને કહે છે, હવે હું તને
આગળની કથા સંભળાવુ છુ. દુર્યોધને પાંડવોનું રાજ્ય હરી લીધું. પાંડવોને વનવાસ મળ્યો. વનવાસમાંથી આવ્યા બાદ, યુધિષ્ઠિરે
રાજ્યભાગ માંગ્યો, પણ ધૃતરાષ્ટ્રે તે આપ્યો નહિ. ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ટિ કરાવવા આવ્યા, પણ ધૃતરાષ્ટ્રે તેનું કહેવું માન્યું
નહિ. પછી સલાહ માટે વિદુરજીને બોલાવવામાં આવ્યા. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપી, સમજાવવા પ્રયત્ન કર્યો, પણ
ધૃતરાષ્ટ્ર તેનું માનતા નથી. આ ઉપદેશ વિદુરનીતિના નામે ઓળખાય છે.
યદોપહૂતો ભવનં પ્રવિષ્ટો મન્ત્રાય પૃષ્ટ: કિલ પૂર્વજેન ।
અથાહ તન્મન્ત્રદૃશાં વરીયાન્ યન્મન્ત્રિણો વૈદુરિકં વદન્તિ ।। 
જે બીજાના ધનનું હરણ કરી લે છે તે ધૃતરાષ્ટ્ર. જેની આંખમાં પૈસો હોય તે આંખ હોવા છતાં આંધળો થઈ જાય છે. પાપી
પુત્ર સાથે પ્રેમ કરનારો બાપ એ ધૃતરાષ્ટ્ર છે. પહેલાં તો એક ધૃતરાષ્ટ્ર હતો, પણ આજકાલ તો ધૃતરાષ્ટ્રો બહુ વધી પડયા છે.
વિદુરજી ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા:-દુર્યોધન પાપી છે. દુર્યોધન તારો પુત્ર નથી, પણ તારું પાપ જ પુત્ર રૂપે આવ્યું છે.
ઘણીવાર પાપ જ પુત્રરૂપે આવે છે અને ત્રાસ આપે છે. શાસ્ત્રમાં કહ્યું છે, દીકરો દુરાચારી થાય તો મા-બાપની દુર્ગતિ કરે છે.
સદાચારી પુત્ર માબાપની સદ્ગતિ કરે છે. પુત્ર દુરાચારી હોય તો તેનો સંગ છોડી દેવો. માનવું, આ મારો પુત્ર નથી. પણ મારું પાપ
પુત્રરૂપે આવ્યું છે. નાના બાળકને પાપની બીક બતાવો તો તે માની જશે. આજકાલના યુવાનો બીક રાખતા નથી, તેથી માર ખાય
છે. દુર્યોધન દુરાચારી છે. એ તારા વંશનો વિનાશ કરવા આવ્યો છે.
ચોરી અને વ્યભિચારને મહાપાપ માન્યાં છે. તે ક્ષમ્ય નથી. બીજા પાપો ક્ષમ્ય છે. ચોરી અને વ્યભિચાર એ બે મોટાં પાપ
છે. કેટલાક ચોર જેલમાં, ત્યારે કેટલાક ચોર મહેલમાં રહે છે. ચોર એટલે? વગર મહેનતે બીજાનું પચાવે તે ચોર. જેનું છે, તેને
આપ્યા વિના ખાય તે ચોર. કોઈનું મફ્તનું ખાશો નહિ. વગર મહેનતનું જે ખાય તે ચોર છે. સ્થિતિ સારી હોવા છતાં, જે અતિથિ
સત્કાર કરતો નથી તે ચોર છે. પોતાને માટે જ રાંધીને ખાય તે ચોર છે. અગ્નિમાં આહુતિ આપ્યા વગર ખાય તે ચોર. વ્યાજબી નફા
કરતાં વધારે લે છે તે ચોર છે. વિચારો, આમાંથી કોઈમાં તમારો નંબર તો નથી ને? દુર્યોધન ચોર છે.
પ્રભુએ પાંડવોને અપનાવ્યા, તેથી તેઓને પ્રભુ ગાદી ઉપર બેસાડશે. ધર્મરાજા તારા અપરાધ ક્ષમા કરવા તૈયાર છે.
ધર્મરાજા અજાતશત્રુ છે. ભાગવતમાં બે અજાતશત્રુ બતાવ્યા છે, એક ધર્મરાજા અને બીજા પ્રહલાદજી. હજી પણ દુર્યોધનનો મોહત્યાગ, નહિ તો વિનાશ થશે.

Join Our WhatsApp Community

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯૫

દુર્યોધન એવો દુષ્ટ હતો કે દ્રૌપદીના રુપને જોઈ ને બળતો હતો.
મહાભારતના ત્રણ પ્રસંગો શંકરચાર્યે ઉઠાવ્યા છે:-ગીતા, વિષ્ણુસહસ્ત્રનામ, ઉદ્યોગપર્વ, એ ત્રણ ઉપર ટીકા લખી છે.
ધૃતરાષ્ટ્ર કહે છે:-ભાઈ તું કહે છે તે સાચું છે, પણ દુર્યોધન જયારે મારી પાસે આવે છે ત્યારે મારુ જ્ઞાન રહેતું નથી.
પાપનો બાપ છે લોભ અને પાપની મા છે મમતા, લોભ અને મમતા પાપ કરાવે છે.
સેવકોએ આવી દુર્યોધનને કહ્યું, વિદુરકાકા તમારી વિરુદ્ધ વાતો કરતા હતા. દુર્યોધને વિદુજીને સભામાં બોલાવ્યા અને
ઇરાદાપૂર્વક અપમાન કર્યું છે.
યક્ષ યુધિષ્ઠિર સંવાદમાં યક્ષે પ્રશ્ર્ન કર્યો છે:-કાયમ નરકમાં કોણ પડે છે? આમંત્રણ આપે અને બુદ્ધિપૂર્વક તેનું
અપમાન કરે તે, કાયમ નરકમાં પડે છે.
દુર્યોધન કહે છે:-તું દાસીપુત્ર છે. મારું જ અન્ન ખાઈને મારી નિંદા કરે છે. આપણા ઘરમાં ખાઇ આપણી વિરુદ્ધ કામ કરે
છે.
વિદુરજી એવા ધીર ગંભીર છે, કે નિંદા સહન કરે છે. સભામાં નિંદા સહન કરે તે સંત. સમર્થ હોવા છતાં જે સહન કરે તે
સંત છે. વિદુરજી યમરાજાનો અવતાર છે. વિદુરમાં એવી શક્તિ હતી કે આંખ ઉઘાડીને દુર્યોધન સામે જુએ તો, દુર્યોધન બળીને
ખાખ થાય. પણ વિદુરજી તે શક્તિનો ઉપયોગ કરતા નથી.
શક્તિનો દુરુપયોગ કરે એ દૈત્ય છે. શક્તિ, સંપત્તિ અને સમયનો વિવેકપૂર્વક ઉપયોગ કરે એ દેવ બને છે.
તમે ખૂબ સહન કરશો તો સંત થશો. કેટલીક સાસુઓ વહુ ઉપર જુલ્મ કરે છે. તે કહે છે કે હું વહુ કરતા મોટી એટલે, તેને
હુકમ કરવાનો મને હક્ક છે. વિચાર કરો, વહુ કરતાં સાસુ મોટી નથી. બન્ને સમાન વયના છે. સાસુ-વહુનો એક જ દિવસે, જન્મ
થયો છે. કોઈ જીવને હલકો ગણશો નહિ. જીવ એ ઇશ્વરનું સ્વરૂપ છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૨
Exit mobile version