Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૫

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

The purpose of Bhagavata and its mahatmya. – Part – 185

The purpose of Bhagavata and its mahatmya. – Part – 185

 

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

Join Our WhatsApp Community

દૈત્યો પ્રહલાદને મારે છે, છતાં વાળ વાંકો થતો નથી. પ્રહલાદની ભક્તિ દિવ્ય છે. પ્રહલાદ નિર્ભય
છે. પ્રહલાદને મારવા અનેક ઉપાયો કર્યા, પણ પ્રહલાદ મરતા નથી. હિરણ્યકશિપુને થયું, આ કોઈ જાદુગર લાગે છે. હુકમ કર્યો,
તેને અંધારામાં કેદમાં રાખો. અન્નજળ વગર તે મરી જશે.

પ્રહલાદજીને કેદમાં નાખે છે, છતાં તેમને બીક લાગતી નથી. તેને થયું હવે હું શાંતિથી બેસી કૃષ્ણકીર્તન કરીશ. સુખમાં
ભગવતકૃપાનો અનુભવ કરે એ સાધારણ વૈષ્ણવ. પરંતુ દુ:ખમાં પણ ભગવતકૃપાનો અનુભવ કરે એ મહાન વૈષ્ણવ છે. દુ:ખમાં
પણ સેવા-સ્મરણ છોડે નહિ તે મહાન વૈષ્ણવ છે. દેવકી-વાસુદેવ ઉપર કેટલું દુ:ખ પડયું છતાં ધીરજ છોડતાં નથી. આપણા
ઉપર સહેજ દુ:ખ આવે છે, તો આપણે અકળાઈ જઇએ છીએ. કે આટલાં સેવા-સ્મરણ કરું છું, તોય ભગવાને દુ:ખ આપ્યું!
અતિશય દુ:ખમાં પ્રહલાદ વિચારે છે. મારા ભગવાન મારી સાથે છે, પછી બીક શાની? બીક જેને લાગે તે ઈશ્ર્વરથી દૂર છે.
ગીતાજીમાં કહ્યું છે, હું તારી પાસે છું. હું તને જોઉં છું. છતાં તું મને જોતો નથી. અંધારામાં પ્રહલાદને બીક લાગતી નથી. તે શ્રીકૃષ્ણ
કીર્તન કરે છે. પ્રહલાદને આજે દેહભાન નથી. ભગવતપ્રેમમાં જેને દેહનું ભાન રહેતું નથી તેને સંસારનાં કોઈ વિકાર અસર કરી
શકતા નથી.

આજે ઠાકોરજી લક્ષ્મીજીને પૂછે છે, જગતમાં કોઈ જીવ ભૂખ્યો તો નથી ને? લક્ષ્મીજીએ જવાબ આપ્યો, બધાને મળ્યું
પણ તમારો ભક્ત પ્રહલાદ કેદમાં બેઠો છે, તે ભૂખ્યો છે. ભગવાને કહ્યું, દેવી તેમને માટે તુરત પ્રસાદ મોકલો. લક્ષ્મીજીએ સેવકોને
આજ્ઞા કરી. પ્રહલાદ માટે સુંદર પ્રસાદ મોકલ્યો છે. લક્ષ્મીજીએ પ્રહલાદને અપનાવ્યો. પ્રહલાદ મારો દીકરો છે. પાર્ષદો આવ્યા છે.
પ્રહલાદને કહ્યું. લક્ષ્મીજીએ તારા માટે પ્રસાદ મોકલ્યો છે. પ્રહલાદે પ્રણામ કર્યા. મારા માટે કારાગૃહમાં પણ પ્રસાદ મોકલ્યો. મારા
પ્રભુને કેટલી ચિંતા છે. હિરણ્યકશિપુના સેવકોને આશ્ર્ચર્ય થયું છે. પ્રહલાદ કાંઈક ખાય છે. આ તો જાદુગર છે. અમે પહેરો
ભરીએ છીએ પણ અંદર ગરબડ જેવું લાગે છે. તેઓ હિરણ્યકશિપુ પાસે ગયા વાત કહી. હિરણ્યકશિપુ આવ્યો, પ્રહલાદ પ્રસાદ
આરોગતો હતો. પૂછ્યું:-આ કયાંથી આવ્યો? પ્રહલાદ સાચું બોલ તને કોણ આપે છે? પ્રહલાદ કહે છે માના પેટમાં હતો ત્યારે જેણે
મારું પોષણ કર્યું હતું તે જ મારું પોષણ કરે છે.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૪

પિતાજી! આ કોટડી તો મોટી છે. ગર્ભવાસની કોટડી કેટલી નાની હોય છે. ત્યાં જેણે મારું પોષણ કર્યું, રક્ષણ કર્યું, તે જ
મારું પોષણ અને રક્ષણ અત્રે કરશે.

હિરણ્યકશિપુ વિચારે છે આ કોઈ ઉપાયે મરતો નથી. મને મારવા તો આવ્યો નથી ને? હિરણ્યકશિપુ ગભરાયો. ત્યાં
શંડામર્ક આવ્યા છે. રાજાનો નિસ્તેજ ચહેરો જોઈ કહેવા લાગ્યા. પાંચ વર્ષનો બાળક શું મારવાનો હતો? અમે એને વરુણપાશમાં
બાંઘી રાખીશું. શંડામર્ક પ્રહલાદને વરુણપાશમાં બાંધી ઘરે આવ્યા, પ્રહલાદની દ્દષ્ટિ એવી સુંદર હતી કે જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં તેને
શ્યામસુંદરનાં દર્શન થાય છે.

એક દિવસ ગુરુજી બહાર ગયેલા. બાળકોએ દડો લઈ રમવા નિશ્ર્ચય કર્યો. પ્રહલાદ બાળકોને કહે છે. હું આજે તમને
એક નવી રમત બતાવીશ. પ્રહલાદે બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. પ્રહલાદ બોધ આપે છે.
કૌમાર આચરેત્પ્રાજ્ઞો ધર્માન્ ભાગવતાનિહ ।

દુર્લભં માનુષં જન્મ તદપ્યધ્રુવમર્થદમ્ ।। ભા.સ્કં.૭.અ.૬.શ્ર્લો.૧.

મિત્રો, આ સંસારમાં મનુષ્ય જન્મ ઘણો દુર્લભ છે. આના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઇ શકે છે. પરંતુ જાણી
શકાતું નથી, કયારે આનો અંત આવી જાય. આથી બુદ્ધિમાન પુરુષોએ વૃદ્ધાવસ્થા તથા જુવાનીના ભરોસે રહેવું નહિ. અને
બાળપણથી જ ભગવાનની પ્રાપ્તિ કરાવે તેવાં સાધનોનું અનુષ્ઠાન કરી લેવું.

પ્રહલાદનું ચરિત્ર પણ આપણને સૂચવે છે કે બાલ્યાવસ્થાથી જ મનુષ્યે ઈશ્વરના ભજનમાં લાગી જવું જોઈએ.

માતાપિતાએ નાનાં બાળકો ઉપર ધર્મના સંસ્કાર પાડવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં દેહની સેવા થાય છે. દેવની સેવા થઇ શકતી નથી.
માનવશરીર ભોગ ભોગવવા માટે મળ્યું નથી. ભગવાનનું ભજન કરવા માટે મળ્યું છે. ભગવાનને મેળવવા માટે મળ્યું છે.
શરીર નાશવંત છે છતાં મનુષ્ય જન્મ દુર્લભ છે. કારણ કે તે ઇચ્છિત વસ્તુ આપનાર છે. અનિત્યથી-આ નાશવંત
શરીરથી નિત્ય વસ્તુ-ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version