Site icon

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૩

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

The purpose of Bhagavata and its mahatmya. - 3

The purpose of Bhagavata and its mahatmya. - 3

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે, તે આનંદરૂપ થાય, જીવને આનંદરૂપ થવું હોય, તો તે સચ્ચિદાનંદનો આશ્રય લે.
સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઈ શકતો નથી. પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ
છે. આ નારાયણને જે ઓળખે અને તેની સાથે મનને જે તદાકાર બનાવે તેનું મન નારાયણ સાથે એક બને છે. તે જીવાત્મા
નારાયણરૂપ બની પરિપૂર્ણ થાય છે ત્યારે જીવન સફળ થાય છે, જીવ જયાં સુધી અપૂર્ણ છે, ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી.
જીવ જયારે ઇશ્વરને મળે અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે, ત્યારે તે પૂર્ણ થાય છે. ‘નર કરે કરની ઐસી તો નર નારાયણ હો જાતા
હૈ‘।
જ્ઞાનીઓ જ્ઞાનથી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે, ત્યારે વૈષ્ણવો પ્રેમથી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે.
ઇશ્વર જયારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે, ત્યારે તે જીવ પૂર્ણ થાય છે. ઇશ્વર વિનાનો સર્વ સંસાર
અપૂર્ણ છે. નારાયણ એ પરિપૂર્ણ છે. સાચી શાંતિ નારાયણમાં છે. નર એ નારાયણનો અંશ છે. નારાયણને ઓળખવાનું અને
નારાયણમાં લીન થવાનું સાધન તે ભાગવતશાસ્ત્ર.
જીવ નારાયણનો અંશ છે, તેમાં તેણે મળી જવાનું છે. તે માટે શાસ્ત્રમાં મુખ્ય ત્રણ ઉપાયો બતાવ્યા છે:-કર્મમાર્ગ,
જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ.
ઉપનિષદથી ઇશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે, પણ વ્યાસજીએ વિચાર્યું, ઉપનિષદની ભાષા ગૂઢ છે, સામાન્ય
મનુષ્ય તે સમજી શકશે નહિ. ઉપનિષદનું જ્ઞાન દિવ્ય છે, પણ આપણા જેવા વિલાસી લોકો તેનો અનુભવ કરી શકતા નથી.
મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું તેથી જ્ઞાનમાર્ગથી જીવ ઇશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ
ન થાય, જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. શુકદેવજી મહારાજને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતાં
જ તેઓએ વન તરફ પ્રયાણ કર્યું. પિતાને કહ્યું, તમે મારા પિતા નહિ અને હું તમારો પુત્ર નહિ.
વેદ ત્યાગ કરવાનું કહે છે, શાસ્ત્ર સર્વ છોડવાનું કહે છે. કામ છોડો, ક્રોધ છોડો. પરંતુ મનુષ્ય કાંઈ છોડી શકતો નથી. જે
પાનસોપારી છોડી શકતો નથી તે કામ, ક્રોધ, લોભ કેવી રીતે છોડશે? તે ઘર કેવી રીતે છોડી શક્શે? મનુષ્યને કાંઈ છોડવું નથી.
એ કાંઈ છોડી શક્તો નથી. અને વેદાંત તો કહે છે કે બધું છોડીને સર્વસ્વનો ત્યાગ કરી ઈશ્વર પાછળ પડો તો ઈશ્વરને ઓળખી
શકો. સર્વનો ત્યાગ કરવો એ સાધારણ મનુષ્ય માટે સુલભ નથી.
વેદના ચાર વિભાગો છે:-સંહિતા,બ્રાહ્મણ,આરણ્યક અને ઉપનિષદ. વેદની સમાપ્તિ ઉપનિષદમાં થાય છે તેથી તેને
વેદાંત કહે છે. આરણ્યકમાં ઉપનિષદનો ભાગ આવે છે, ઋષિઓ જે ગ્રંથોનું ચિંતન કરે છે તેને આરણ્યક કહે છે. આરણ્યમાં રહી
સાદું અને સાત્ત્વિક જીવન ગાળનારને ઉપનિષદનો અધિકાર છે. વેદાંતનો અધિકાર વિરક્તને છે. બંગલામાં ભોગ વિલાસમાં
રહેનારને ઉપનિષદનો અધિકાર નથી. આપણા જેવા સંસારમાં ફસાયેલા સાધારણ જીવો ઉપનિષદનું જ્ઞાન પચાવી શકશે નહિ.
ત્યાગ વિના, વૈરાગ્ય વિના જ્ઞાનમાર્ગમાં સફળતા મળતી નથી. કળિયુગના માનવને જ્ઞાનમાર્ગે પરમાત્માનો સાક્ષાત્કાર થવો કઠણ
છે, એમ વિચારી વ્યાસજીએ ભાગવતની રચના કરી છે. ભાગવત બધા વેદ-પુરાણોનો સાર છે.
જે કામસુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકવાનો નથી. ભોગી, યોગી થવા જશે તો તે રોગી થશે.
જ્ઞાનમાર્ગમાં જેનું પતન થાય તે નાસ્તિક બને છે.
યોગમાર્ગમાં જેનું પતન થાય છે તે રોગી બને છે.
ભક્તિમાર્ગમાં જેનું પતન થાય છે તે આસક્ત બને છે.
કળિયુગનો મનુષ્ય યોગાભ્યાસ કરી શક્શે નહિ, ભાગવત શાસ્ત્રની રચના કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે
કરવામાં આવી છે.

Join Our WhatsApp Community
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૨
Exit mobile version