26 નવેમ્બર 2008નો દિવસ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. દેશની આર્થિક રાજધાની સમા મહાનગર મુંબઇને આતંકીઓએ દીધેલો ઘા આજે પણ રુંવાડા ઉભા કરી દે છે. મુંબઇની આત્માને આતંકવાદીઓએ નુકસાન પહોંચાડવા કરેલા તે નાપાક પ્રયાસને હવે 12 વર્ષો વીતી ગયા છે તેમ છતાં તે લોહિયાળ રાત દુઃસ્વપ્ન બની સતાવે છે. મુંબઈમાં ઘુસેલા આતંકવાદીઓએ તે રાત્રે ખૂની ખેલ ખેલ્યો હતો. છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન ઉપરાંત આતંકીઓએ તાજ હોટલ, હોટલ ઓબેરોય, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને દક્ષિણ મુંબઈની અનેક જગ્યાઓ પર હુમલો કર્યો હતો. મુંબઇ શહેર આતંકીઓ દ્વારા હચમચી ઉઠ્યું હતું. પોલીસ અને સુરક્ષા દળોએ મુંબઇમાં 11 સ્થળોએ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓ 26 નવેમ્બરના રોજ દરિયાની એક બોટ પરથી ભારતમાં પ્રવેશ્યા હતા.
આ હુમલામાં તાજ હૉટલમાં રોકાયેલા વિદેશી પ્રવાસીઓ પણ માર્યા ગયા હતા. મુંબઇ પોલીસની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડના ઑફિસર્સ પણ આતંકવાદીઓનો શિકાર બન્યા હતા. મુંબઇ પોલીસ, ભારતીય લશ્કરના કમાન્ડો અને સીઆરપીએફના જવાનો એમ ત્રણ ત્રણ સિક્યોરિટી દળોએ આતંકવાદીઓનો સામનો કર્યો હતો. લગભગ 58થી 60 કલાક સુધી ચાલેલા આ આતંકવાદી હુમલામાં 180 જણ માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કરોડો રૂપિયાની જાહેર સંપત્તિને નુકસાન થયું હતું. જો કે દસમાંથી એક આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો અને એની જુબાનીના આધારે પુરવાર થયું હતું કે આ કાવતરું પાકિસ્તાન સ્થિત અલ કાયદા અને જૈશ એ મુહમ્મદ આતંકવાદી સંસ્થાઓનું હતું.