ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
હિલ સ્ટેશન મહાબળેશ્વર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો સતારા જિલ્લા પ્રશાસને પર્યટકો માટેના નવા નિયમો બહાર પાડયા છે તે જાણી લેજો.
કોરોના અને ઓમીક્રોન ઝડપભેર ફેલાઈ રહ્યો છે. તેમાં પણ સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર અગ્રેસર છે. તેથી રાજ્યમાં સ્થાનિક સ્તરે પ્રશાસન સતર્ક થઈ ગયું છે. સતારા જિલ્લા વહીવટીતંત્રે જિલ્લામાં પ્રવાસન સ્થળોને બંધ કરવા માટે નવા નિયમો અને આદેશોની જાહેરાત કરી છે. મહાબળેશ્વર ના તમામ પોઈન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને એમ્યુઝમેન્ટ પાર્ક, વેન્ના લેક બોટિંગ પોઈન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે લોજિંગ વ્યવસ્થા 100 ટકા ક્ષમતા અને રેસ્ટોરન્ટ 50 ટકા ક્ષમતા પર ચાલુ રહેશે, એમ મહાબળેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર પલ્લવી પાટીલે બહાર પાડેલી મિડિયા રિલિઝમાં જણાવ્યું હતું.
છેલ્લા અઠવાડિયાથી સતારા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે અને તેનાથી મહાબળેશ્વરમાં પર્યટન પર અસર પડી છે. જિલ્લામાં કોરોનાની વધતી સંખ્યાને કારણે મહાબળેશ્વરમાં પ્રખ્યાત વેન્ના લેક બોટ ક્લબને નગરપાલિકા પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવી છે. તેમજ પ્રવાસન સ્થળો પર કોરોનાને લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. મહાબળેશ્વર આવતા પ્રવાસીઓએ રસીના બંને ડોઝ લીધા હોવા જરૂરી હોવાનું મહાબળેશ્વર નગરપાલિકાએ જાહેર કર્યું હતું.
પાટણ ખાતે રાણીની વાવની મુલાકાત માટે પ્રવાસીઓનો ભારે ઘસારો, એક વર્ષમાં થઇ આટલા કરોડની આવક
મહાબળેશ્વરમાં કોરોના વાયરસના ફેલાતો રોકવા ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોરોનાની બીજા લહેર દરમિયાન સૌથી ઓછા દર્દીઓ મહાબળેશ્વર તાલુકામાં નોંધાયા હતા. તેથી આગામી ત્રીજી લહેરમાં પણ દર્દીઓની સંખ્યા વધે નહીં તે માટે મહાબળેશ્વર નગરપાલિકા તકેદારી રાખી રહ્યું હોવાનું સરકારી અધિકારીએ કહ્યું હતું. મહાબળેશ્વરની મુલાકાતે આવતા પ્રવાસીઓ મુંબઈ અને પૂણે જેવા મોટા શહેરોમાંથી આવે છે. આ પૃષ્ઠભૂમિમાં, કોરોના નિયમોનો કડક અમલ કરવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.