ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ર્ગુરુ ર્દેવો મહેશ્વરઃ ।
ગુરુઃ સાક્ષાત્ પરં બ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥
ખૂબ સાદી અને સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા/જ્ઞાન આપે તે શિક્ષક. જે જીવન ઘડતર માં મદદ રૂપ થાય અને જીવન ના મૂલ્યોની સમજ આપે તે શિક્ષક. શિક્ષક ફક્ત ભણાવતા જ નથી પણ જીવનમાં સારાં સંસ્કારો નું સિંચન કરી જીવન રૂપી ઇમરાતનો પાયો મજબૂત કરે છે. ભારતભરમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરનાં રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ તેમની રીતે શિક્ષકો પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવે છે, કારણ કે શિક્ષકો વિદ્યાર્થીઓનાં જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે અને શિક્ષક વિના વિદ્યાર્થીનું જીવન અધૂરું માનવામાં આવે છે.
સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં થયો હતો તેથી જ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ભારતમાં 'શિક્ષક દિન' ઉજવવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો આજે ૧૩૨મો જન્મદિન છે. તેઓ એક મહાન શિક્ષક હતા. તેઓ 1954 માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમનું 17 એપ્રિલ 1975 નાં રોજ ચેન્નઇમાં અવસાન થયું હતું. રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષક દિનનાં દિવસે શિક્ષકોને તેમના કાર્ય બદલ રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડથી નવાજવામાં આવે છે. આ એવોર્ડ દર વર્ષે દેશનાં રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે.