ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ,1 નવેમ્બર, 2021
સોમવાર.
વિજ્ઞાને ભલે ગમે એટલી પ્રગતિ કરી હોય, પરંતુ આજે પણ મૃત્યુના રહસ્ય પરથી પડદો ઊંચકાયો નથી. દુનિયામાં દરેક જીવનો કોઈ ને કોઈ સમયે અંત આવવાનો નિશ્ચિત છે. પ્રાણીઓ, માણસો અને પક્ષીઓ, દરેક જીવે એક દિવસ આ દુનિયાને છોડીને જવાનું છે. આપણે ઘણી વાર સાંભળ્યું છે કે ઘણી વખત વ્યક્તિ જીવનમાં સમસ્યાઓથી એટલો કંટાળી જાય છે કે તે આત્મહત્યા કરવા પર ઊતરી જાય છે.
પરંતુ આજે આપણે કોઈ વ્યક્તિની આત્મહત્યા વિશે નથી વાત કરવાના, પરંતુ આપણે પક્ષીઓની વાત કરવાના છીએ. હા, આ વલણ પક્ષીઓમાં પણ જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતના પૂર્વોત્તર રાજ્ય આસામમાં એક એવી જગ્યા છે, જ્યાં દર વર્ષે સેંકડો પક્ષીઓ આત્મહત્યા કરે છે.
આ જગ્યા છે જટીંગા ખીણ. અહીં સેંકડો પક્ષીઓ સામૂહિક આત્મહત્યા કરવા આવે છે. આ બિલકુલ સાચું છે અને આના પુરાવા પણ છે. આ પ્રક્રિયા જટીંગા ખીણમાં ઘણાં વર્ષોથી ચાલી રહી છે.
આ વ્યક્તિઓનાં મૃત્યુ બાદ પણ તેમનાં અંગો સાચવવામાં આવ્યાં છે; જાણો તે વ્યક્તિઓને
આ ખીણમાં તમને આત્મહત્યા કરતાં પક્ષીઓનો નજારો જોવા મળશે. ચોમાસાના મહિનાઓ દરમિયાન આ ખીણમાં આવી ઘટનાઓ વધુ જોવા મળે છે. આ ઉપરાંત ચાંદ વગરની અને ધુમ્મસવાળી રાતે પક્ષીઓના આપઘાતના કિસ્સા વધુ જોવા મળશે.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતાં જ આ વિસ્તાર ચર્ચામાં આવી જાય છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં પક્ષીઓ આત્મહત્યા કરે છે. એવું માનવામાં આવે છે કે એક વાર પક્ષીઓ અહીં આવ્યા પછી, તેઓ પાછાં જઈ શકતાં નથી.
મણિપુરથી આવેલા જેમ્સ નામના આદિવાસી જૂથના લોકોએ જટીંગાની રહસ્યમય ઘટનાને દુનિયા સમક્ષ લાવી હતી. આ જાતિના લોકો અહીં સોપારીની ખેતીની શોધમાં આવ્યા હતા. પક્ષીઓની આત્મહત્યાનું રહસ્ય શું છે એ અંગે આ વિસ્તારમાં ઘણી વાતો પ્રચલિત છે. અહીંના લોકો પણ પક્ષીઓનાં મૃત્યુને ભૂત અને રહસ્યમય દળો સાથે સંકળાયેલાં માને છે. એની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. વૈજ્ઞાનિકોના મતે ઊંડી ખીણમાં વસવાટ હોવાથી જટીંગામાં ભારે વરસાદ દરમિયાન જ્યારે પક્ષીઓ અહીંથી ઊડવાની કોશિશ કરે છે ત્યારે તેઓ સંપૂર્ણપણે ભીના થઈ જાય છે અને તેમને ઊડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજી બાજુ, મજબૂત પવનને કારણે પક્ષીઓનું સંતુલન ખોરવાઈ જાય છે અને તેઓ ઝાડ સાથે અથડાયા પછી ઘાયલ થાય છે અને પછી જમીન પર જ મૃત્યુ પામે છે.