ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
સામાન્ય પણે ઉત્તરાયણનો તહેવાર 14 જાન્યુઆરીના ઊજવવામાં આવે છે અને એને હજુ ત્રણ મહિના જેટલો સમય બાકી છે, પરંતુ ગુજરાતના એક ગામના બજારમાં ઠેરઠેર માંજા પિવડાવવાના ચરખા લાગી ગયા છે તો પતંગો લેવા માટે લોકો બજારમાં ઊમટી પડ્યા છે. એનું કારણ છે કે આ ગામમાં ઉત્તરાયણની ઉજવણી 14 જાન્યુઆરીએ નહીં, પણ દશેરાના દિવસે થાય છે! ભારતનું આ એકમાત્ર એવું ગામ છે જ્યાં દશેરાના દિવસે પતંગ ચગાવવામાં આવે છે.
આપણે જે ગામની વાત કરીએ છીએ એ ગામ છે પાટણનું સિદ્ધપુર. સિદ્ધપુરના લોકો 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ ઊજવતા નથી અને એના સ્થાને દર વર્ષે દશેરાના દિવસે પતંગ ચગાવીને ઉજવણી કરે છે. અહીં દશેરાના દિવસે 14 જાન્યુઆરી જેવું વાતાવરણ હોય છે અને લોકો સવારથી ઘરની અગાસીએ ચડીને પતંગ ચગાવી પેચ લડાવે છે. અહીં દશેરાના દિને આકાશમાં પતંગો ચગતા જોવા મળે છે અને કાયપો છે, જેવી બૂમો સંભળાય છે. આકાશ જાણે રંગબેરંગી બની ગયું હોય એવો માહોલ બની જાય છે.
હાલ સિદ્ધપુરમાં અનેક પતંગોની દુકાનો ખૂલી ગઈ છે તો લોકો પતંગ અને માંજાની ખરીદી માટે પડાપડી કરી રહ્યા છે. જેમ બાકીનાં શહેરોમાં ઉત્તરાયણ અગાઉ જેવો માહોલ હોય છે, એવો માહોલ હાલ સિદ્ધપુરમાં દશેરા અગાઉ જામ્યો છે. જોકે સાથે અહીંના લોકો દશેરાની ઉજવણી પણ આ જ દિવસે કરે છે.
સિદ્ધપુરની આ અનોખી પરંપરા પાછળ પણ એક ઐતિહાસિક વાત રહેલી છે. સિદ્ધપુરના લોકપ્રિય મહારાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું દેહાવસાન 14 જાન્યુઆરીના રોજ થયું હતું. જેના કારણે અહીંની પ્રજા પોતાના રાજાની પુણ્યતિથિ હોવાથી 14 જાન્યુઆરીએ તહેવાર મનાવતી નથી અને શોક પાળે છે. સિદ્ધરાજ જયસિંહના અવસાન બાદથી આ પરંપરા ચાલતી આવી છે, જે આજ સુધી અકબંધ રહી છે.
જોકે અગાઉ આ પરંપરાને સંપૂર્ણપણે નિભાવવામાં આવતી હતી, પરંતુ હવે સમય જતાં ક્યાંક ઉત્તરાયણમાં પણ ઉજવણી થાય છે તો પહેલાં પાટણમાં પણ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવામાં આવતા ન હતા, પરંતુ હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકો અહીં પણ પતંગ ચગાવતા થયા છે.