લોકોને ઓઝોન લેયર અંગે જાગૃત કરવા માટે દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ઓઝોન ડે મનાવવામાં આવે છે. વાતાવરણમાંનો ઓઝોન સ્તર પૃથ્વીને સૂર્યમાંથી નીકળતી હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સુરક્ષિત કરે છે. સૂર્યમાંથી નીકળતી આ કિરણો ત્વચાકોપ સહિતના અનેક રોગોનું કારણ બની શકે છે. કહેવાનો અર્થ એ છે કે, ઓઝોન ના સ્તર વિના પૃથ્વી પર જીવન શક્ય નથી. દર વર્ષે, લોકોને ઓઝોન સ્તરના સંરક્ષણ માટે એક અલગ થીમ તૈયાર કરીને તેના મહત્વ વિશે જાગૃત કરવામાં આવે છે. વર્લ્ડ ઓઝોન ડે 2020 ની થીમ 'જીવન માટે ઓઝોન' છે. ઉલ્લેખનીય છે કે 19 ડિસેમ્બર 1994ના રોજ UN ની જનરલ એસેમ્બ્લીએ 16 સપ્ટેમ્બરે ઓઝોન લેયરના બચાવ માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલો ઓઝોન ડે 16 સપ્ટેમ્બર 1995ના દિવસે ઊજવાયો હતો.
નોંધનીય છે કે કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા માટે ચાર મહિનાથી કડક લોકડાઉન હતું. ઘણા સખત નિયમો હજી પણ લાગુ છે. આ જ કારણે પ્રદૂષણ સ્તરમાં ઘટાડો જોવા મળ્યો અને આનાથી ઓઝોન ડેનું મહત્ત્વ વધી ગયું છે. એક જાણીતી યુનિવર્સિટીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે લોકડાઉનના કારણે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનારા પદાર્થોમાં ઘટાડો નોંધાયો છે અને આનાથી ઓઝોન સ્તરની ક્વોલિટીમાં 1.5થી 2 ગણી મજબૂતાઈ આવી છે.