News Continuous Bureau | Mumbai
Russia-Ukraine War Update: રશિયા અને યુક્રેન વચ્ચે ૨૦૨૨થી ચાલી રહેલા ભયાનક યુદ્ધને રોકવા માટે અમેરિકાને મોટી સફળતા મળી છે. હવે ટૂંક સમયમાં જ અબુ ધાબી ખાતે એક મહત્વની બેઠક યોજાશે, જેમાં અમેરિકા, રશિયા અને યુક્રેનના ઉચ્ચ અધિકારીઓ આમને-સામને બેસીને શાંતિ કરારની બ્લૂપ્રિન્ટ પર ચર્ચા કરશે. આ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકી અધિકારીઓ વચ્ચે મોસ્કોમાં કલાકો સુધી ગુપ્ત બેઠક ચાલી હતી.પુતિને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં રશિયાના કબજામાં રહેલા યુક્રેનના ૨૦ ટકા ભાગને જો કાયમી માન્યતા મળે, તો જ તેઓ આ કરાર પર હસ્તાક્ષર કરશે.
અબુ ધાબી બેઠકનું મહત્વ
યુદ્ધના ચાર વર્ષમાં આ પ્રથમ એવી તક હશે જ્યાં બંને દુશ્મન દેશોના પ્રતિનિધિઓ એક જ ટેબલ પર બેસીને વાત કરશે. અમેરિકા અત્યારે એવો શાંતિ પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે જે રશિયા અને યુક્રેન બંનેને સ્વીકાર્ય હોય. રશિયા યુક્રેનનો મોટો હિસ્સો છોડવા તૈયાર નથી, જ્યારે યુક્રેન પોતાની જમીન પરનો દાવો જતો કરવા માંગતું નથી. આ ગૂંચ ઉકેલવા માટે અબુ ધાબીની આ બેઠક નિર્ણાયક સાબિત થશે.
ભારત અને અન્ય દેશો પર અસર
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લગાવ્યા હતા, જેના કારણે ભારત પર મોટું દબાણ હતું. જો આ યુદ્ધ અટકે છે, તો વૈશ્વિક અર્થવ્યવસ્થા, કાચા તેલના ભાવ અને સપ્લાય ચેઈનમાં મોટી રાહત મળશે. ભારત માટે પણ રશિયા સાથેના વેપારી સંબંધો ફરી સામાન્ય બનાવવાની તક ઉભી થશે.
આ સમાચાર પણ વાંચો : ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
પુતિનની શરત અને યુક્રેનનો વિરોધ
વ્લાદિમીર પુતિને અમેરિકાને રોકડું પરખાવ્યું છે કે જે ભાગ તેમના તાબામાં છે તેને યુક્રેને કાયમી ધોરણે રશિયાનો ગણી લેવો જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી આ શરતનો સખત વિરોધ કરી રહ્યા છે. જોકે, પશ્ચિમી દેશો તરફથી મળતી મદદમાં ઘટાડો અને નાટો દેશો સાથેના વધતા તણાવને જોતા જેલેન્સ્કી હવે મંત્રણાના ટેબલ પર આવવા મજબૂર બન્યા હોય તેમ જણાય છે.
