ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 13 મે 2021
દેશમાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે ઉત્તર પ્રદેશમાં એક થાઈ યુવતીના શંકાસ્પદ મૃત્યુ બાદ જબરદસ્ત વિવાદ જાગ્યો છે. લખનવ પોલીસે સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈ.પી. સિંહ અને બીજા બે વ્યક્તિ રામદત્ત તિવારી અને મહેન્દ્ર કુડિયા સામે એફઆઈઆર નોંધી છે.
હકીકતે 3 દિવસ પૂર્વે લખનવની હોસ્પિટલમાં એક થાઈ ૪૧ વર્ષીય મહિલાનું મૃત્ય થયું હતું. તે બાદ આઈ.પી. સિંહે ભાજપના સાંસદ સંજય સેઠના પુત્રનું નામ આ મામલે ઉછાળ્યું હતું અને કહ્યું હતું કે સંજયના પુત્રએ આ થાઈ મહિલાને કોરોના કાળમાં અહીં બોલાવી હતી. પુત્રનું નામ સંડોવાતા સાંસદ સંજય સેઠે લખનવના પોલીસ કમિશનરને પત્ર લખી તેમને વિનંતી કરી હતી કે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી અને તેના પરિવારની છબી ખરાબ કરવા બદલ સિંહ અને અન્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવે.
પોલીસે ગઈકાલે આઈ.પી. સિંહ અને બીજા બે લોકો સામે ડિફેમેશનના ગુના બદલ એફઆઈઆર નોંધી હતી. લખનવ પોલીસના કમિશનર ડી.કે. ઠાકુરે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “કુડિયાએ બીજેપી સાંસદની ટ્વીટરના માધ્યમે માફી માગી છે અને લખનવ પોલીસને ટેગ પણ કર્યું છે.” ઉલ્લેખનીય છે કે સંજય સેઠ પહેલાં સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા અને ત્યારબાદ ૨૦૧૯માં બીજેપીમાં જોડાયા હતા.