ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 ઓક્ટોબર 2020
રેલવે પ્રશાસનની બેદરકારી છાશવારે સામે આવતી જ રહે છે. ગત શનિવારે રાતે ભુજથી ઉપડેલી સયાજીનગરી એક્સપ્રેસના એક કોચમાં વીંછી નીકળ્યો હતો અને નાની બાળકીને ડંખ મારી જતાં હોહા મચી ગઈ હતી. બાળકી દ્વારા ફરિયાદ કરવા બાદ બીજા સ્ટેશન ગાંધીધામમાં ડૉક્ટર બોલાવવામાં આવ્યાં હતાં. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ટ્રેન ઘણા વખતથી યાર્ડમાં પડી રહી હોવાથી વીંછી ડબામાં આવી ગયો હશે. બાળકી ટ્રેન ઉપડવા પહેલાં પોતાની સીટ પર બેઠી હતી ત્યારે વીંછીએ ડંખ માર્યાનો બનાવ બન્યો હતો.
ભુજ સ્ટેશન માસ્તરને જાણ કરતાં ડબામાં દવાનો છંટકાવ કરતાં વીંછી દેખાયો હતો પણ ડબામાંથી બહાર કાઢી શકાયો ન હતો. જોકે ભુજ સ્ટેશને ડોક્ટરની સુવિધા મળી ન હતી. ગાંધીધામ સ્ટેશને એક લેડી ડોક્ટરે તપાસીને કહ્યું હતું કે, 24 કલાક ધ્યાન રાખવાની જરૂર છે. ડબામાંથી વીંછી બહાર ગયો ન હતો તેથી ડબો બદલી આપવાની માગણી કરાઈ તો જવાબ મળ્યો કે અમદાવાદમાં એડજેસ્ટમેન્ટ કરી અપાશે. ત્યારબાદ વડોદરા સ્ટેશને ડોક્ટરની ટીમ હાજર મળી હતી. પેશન્ટને તપાસીને ચિંતાજનક ન હોવાનું આશ્વાસન આપ્યું હતું. વીંછી એ ડંખ માર્યો એ બતાવે છે કે રેલ્વે યાર્ડમાં થી ટ્રેન પ્લેટફોર્મ પર લાવવામાં આવે છે ત્યારે કેટલી મોટી બેદરકારી રહી જાય છે, કે એક બાળકીનો જીવ જતા જતા બચી જાય છે. પ્રવાસીએ માંગ કરી હતી કે ટ્રેન ઉપડે એ પહેલાં બધા ડબાની તપાસ બરાબર થવી જ જોઈએ …