ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર 2021
શનિવાર.
આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલ (AFT)ની પ્રાદેશિક ખંડપીઠે ઉત્તરાખંડ પોલીસને એક એવા વ્યક્તિ સામે FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે કે જેણે 34 વર્ષ સુધી ભારતીય સેનાની સેવા તેના ભાઈ તરીકે રજૂ કરી હતી. આ છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે તેણે કાયમી ખાતા નંબર (PAN) સાથે તેના પેંશનને લિંક કરવા માટે અરજી કરી અને તેના ભાઈએ પણ કરી, જે આર્મીમાંથી નિવૃત્ત થયા હતા.
આ કેસ નારાયણ સિંહ સાથે જોડાયેલો છે, જેમણે 30 નવેમ્બર, 1982ના રોજ શ્યામ સિંહ તરીકે સેનામાં પોતાને ભરતી કર્યા હતા.
તે 13 ગાર્ડ્સ બટાલિયનમાં સૈનિક તરીકે જોડાયા હતા. નારાયણ સિંહ 30 જૂન, 2001ના રોજ નાઇકપદ પરથી નિવૃત્ત થયા.
બાદમાં તેમણે 3 માર્ચ, 2002ના રોજ ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સ (DSC)માં ફરીથી નોંધણી કરી અને 16 વર્ષથી વધુની સેવા આપ્યા બાદ 1 જુલાઈ, 2018ના રોજ તેમને રજા આપવામાં આવી.
બે નિવૃત્તિ સાથે, તે બે પેન્શન માટે લાયક હતા. તેઓ DSC સેવામાં હતા ત્યારે તેમના કાયમી ખાતા નંબર (PAN) અને આધારને તેમના બૅન્ક ખાતા સાથે જોડ્યા હતા.
જોકે મે 2017માં બૅન્કને એક જ નામ (શ્યામ સિંહ), સમાન પિતાનું નામ (મદન સિંહ) અને જન્મ તારીખ (11 જુલાઈ, 1963) સાથે બે કાયમી ખાતા નંબર (PAN) કાર્ડ મળ્યા, પરંતુ બે અલગ અલગ તસવીરો સાથે. તેથી તેમનું સેનાનું પેન્શન રોકી દેવામાં આવ્યું હતું. બાદમાં તેમનું DSC પેન્શન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.
વધુ એક અર્થશાસ્ત્રીએ મોઢું ફેરવ્યું : મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકારે આપ્યું રાજીનામું, જાણો કારણ
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીનો નાનો ભાઈ શ્યામ સિંહ છે, જે 6 મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી સાથે સેનામાં પણ ફરજ બજાવતો હતો. તેઓ 15 માર્ચ, 1982ના રોજ જોડાયા હતા અને 31 જાન્યુઆરી, 2002ના રોજ હવાલદાર તરીકે નિવૃત્ત થયા પહેલાં 20 વર્ષ સુધી સેવા આપી હતી.
એપ્રિલ 2017માં, SBIની કાશીપુર શાખા (ઉધમ સિંહ નગર જિલ્લો) એ વાસ્તવિક શ્યામ સિંહને બૅન્ક સાથે પોતાનો કાયમી ખાતા નંબર (PAN) લિંક કરવાનું કહ્યું, જેના પગલે જાણવા મળ્યું કે છેતરપિંડી કરનાર શ્યામ સિંહે અલમોરા જિલ્લામાં SBIની રામપુર શાખામાં પહેલાંથી જ PAN લિંક કરાવી લીધું હતું. આ પછી બૅન્ક અધિકારીઓએ બંને ભાઈઓનું પેન્શન બંધ કરી દીધું.
ચાર વર્ષ લાંબી ટ્રાયલ બાદ AFT લખનઉ બેન્ચે ઉત્તરાખંડ પોલીસને આરોપી નારાયણ સિંહ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે શોધી કાઢ્યું હતું કે આરોપી નારાયણ સિંહે તેના નાના ભાઈની વર્ગ 5ની માર્કશીટનો ઉપયોગ ભારતીય સેનામાં જોડાવા માટે કર્યો હતો.
જોકે ખેતીની જમીનના રેકૉર્ડ અને રૅશનકાર્ડ એન્ટ્રીમાં તેમનું નામ નારાયણ સિંહ હતું. તેણે પેન્શન પેમેન્ટ ઑર્ડર (PPO) સાથે લિંક કરવા માટે તેના ભાઈના પાન કાર્ડની વિગતોનો ઉપયોગ કર્યો હતો.
AFT લખનઉના જૉઇન્ટ રજિસ્ટ્રાર લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) સીમાત કુમારે એક મીડિયાહાઉસને જણાવ્યું હતું કે જો પાન કાર્ડ બૅન્ક અને PPO સાથે જોડાયેલ ન હોત તો આ મામલો ક્યારેય સામે આવ્યો ન હોત. આ મામલે ચુકાદો બુધવારે આવ્યો.
