Site icon

હેં, પાસપોર્ટના કવર માટે ઓનલાઇન ઓર્ડર આપો તો સાથે પાસપોર્ટ પણ મળે? કેરળની એક વ્યક્તિ સાથે આવું થયું; જાણો કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 8 નવેમ્બર, 2021

સોમવાર

 

ઓનલાઇન શોપિંગનો અનુભવ ક્યારેક આઘાતજનક હોય છે. મોંઘા ફોનને બદલે બોક્સમાંથી સાબુ નીકળે, જે ડ્રેસનો ઓર્ડર આપ્યો હોય તેને બદલે બીજો ડ્રેસ આવી જતો હોય છે, પરંતુ કેરળમાં તો એક વ્યક્તિએ પાસપોર્ટના કવરનું ઓર્ડર આપતા તેના બોક્સમાંથી પાસપોર્ટ નીકળ્યો!

 

કેરળના વાયનાડ જિલ્લામાં કનિયમબેટામાં રહેતા મિધૂન બાબુએ પાસપોર્ટના કવર માટે ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર તેણે એક જાણીતી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પરથી 30મી ઓકટોબરે આપ્યો હતો. બે દિવસ બાદ પહેલી નવેમ્બરે તેને પાર્સલ પહોંચાડવામાં આવ્યું. મિધૂને પેકેટ ખોલતા પાર્સલમાં કવર સાથે એક પાસપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. આ પાસપોર્ટ ત્રિશુર જિલ્લાના કુનંમકુલ્લમમાં રહેતા એક છોકરાનો હતો. આ જોઈને મિધૂનને કંઈ સમજાયું નહીં.

 

ત્યારબાદ મિધૂને કંપનીમાં ફોન કર્યો, પરંતુ કંપની તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. આખરે તેણે પાસપોર્ટ નજીકના પોલીસ સ્ટેશનને સોંપી દીધો. આ પ્રકાર સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.

 

મામલો એમ છે કે આ પાસપોર્ટનું કવર મિથુન પહેલા એક વ્યક્તિએ પોતાના માટે મગાવ્યું હતું. જોકે તેને પસંદ ન આવતા તેણે પાછું મોકલાવી દીધું હતું અને પાસપોર્ટનું કવર કેવું દેખાય છે તે જોવા માટે એ વ્યક્તિએ તેના પુત્રના પાસપોર્ટ પર કવર લગાવ્યું હતું. જ્યારે કવરનું પાર્સલ કંપનીને પરત કરવા માટે મોકલ્યું ત્યારે તેમાંથી પાસપોર્ટ કાઢવાને બદલે પાસપોર્ટ સહિત કવર મોકલાવી દીધું હતું અને કંપનીએ પણ જોયા વગર જ તે પાસપોર્ટ મિધૂનને મોકલી દીધો હતો.

 

Exit mobile version