ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ઑનલાઇન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર થઈ રહી છે. ઑનલાઇન શિક્ષણના દુષ્પરિણામને કારણે વાલીઓનો ઑનલાઇન શિક્ષણ પ્રત્યેનો મત બદલાઈ ગયો છે. હાલમાં જ એક ઑનલાઇન સર્વેક્ષણમાં વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલમાં મોકલવા તૈયાર થયા હોવાનું જણાઈ આવ્યું હતું. સર્વે મુજબ ઑગસ્ટ અંત કે સપ્ટેમ્બરમાં સ્કૂલ પ્રત્યક્ષ ચાલુ કરવામાં આવે તો 53 ટકા વાલીઓએ બાળકોને સ્કૂલમાં મોકલવાની તૈયારી બતાવી હતી. 44 ટકા વાલીઓ હજી પણ સ્કૂલ મોકલવા બાબતે નિર્ણય લઈ શક્યા નથી.
આ સર્વેમાં લગભગ 10,000 વાલીઓનો મત લેવામાં આવ્યો હતો, જેમાં 21 ટકા વાલીઓએ 15 ઑગસ્ટથી સ્કૂલ ચાલુ થવી જોઈતી હતી એવો મત આપ્યો હતો. પહેલી સપ્ટેમ્બરથી પ્રત્યક્ષ વર્ગ ચાલુ કરવા 15 ટકા અને 15 સપ્ટેમ્બરથી સ્કૂલ ચાલુ કરવાને છ ટકા વાલીઓએ સહમતી દર્શાવી હતી. નવ ટકા વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલમાં મોકલવા તૈયાર નથી.
અહીં ઉલ્લેખનીય છે કે જૂન 2021માં એક સર્વેક્ષણમાં 76 ટકા વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલમાં મોકલવા તૈયાર નહોતા. જુલાઈમાં 48 ટકા અને ઑગસ્ટમાં 44 ટકા વાલીઓ બાળકોને સ્કૂલમાં મોકલવાને લઈને મૂંઝવણમાં હતા.
જોકે હવે ઑનલાઇન શિક્ષણને કારણે બાળકોના શિક્ષણની સાથે જ માનસિક અસર પણ થઈ રહી છે. તેથી મોટા ભાગના વાલીઓ તેમ જ શિક્ષણ-નિષ્ણાતોએ કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને તબક્કા વાર શાળા શરૂ કરવાનો મત વ્યક્ત કરી રહ્યા છે.
