ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ટિક-ટૉક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર તથા યુટ્યુબ જેવા સોશિયલ પ્લૅટફૉર્મના માધ્યમથી અનેક લોકો સ્ટાર બની ગયા છે, તો લૉકડાઉન દરમિયાન અનેક લોકો આ માધ્યમ થકી પોતાના ફોલોઅર્સ વધારીને લાખો રૂપિયા કમાઈ ગયા છે. જેમાં દેશના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો પણ સમાવેશ થાય છે. કોરોના મહામારીમાં લાદવામાં આવેલા લૉકડાઉન દરમિયાન તેઓ પણ દર મહિને ચાર લાખ રૂપિયા કમાયા હતા. હાલમાં જ તેમણે મુંબઈ-દિલ્હી હાઈવેની વિઝિટ દરમિયાન જાહેરમાં આવી કબૂલાત કરી હતી. આ રકમ જોકે તેમણે કોવિડ ફંડ માટે આપી દીધી હોવાની પણ સ્પષ્ટતા કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે લૉકડાઉનનો લોકોને ભારે આર્થિક ફટકો પડ્યો છે, તો તેનો ફાયદો પણ થયો છે. લૉકાડઉન દરમિયાન તેમણે બે બાબતો પર ધ્યાન આપ્યું હતું. એમાં તેઓ સારું રાંધવાનું શીખીને સારા શેફ બની ગયા હતા, તો લૉકડાઉન દરમિયાન જ તેઓ અમેરિકા, ન્યૂ ઝીલૅન્ડ, જર્મની જેવા દેશમાં વ્યાખ્યાન (સ્પીચ) આપ્યાં હતાં. તેમની આ સ્પીચ યુટ્યુબ પર જોવામાં આવી રહી છે. એના માધ્યમથી તેમને દર મહિને ચાર લાખ રૂપિયા મળ્યા હતા.