ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો દંડની રકમ ભરવામાં ગલ્લાંતલ્લાં કરી રહ્યા હતા, પરંતુ લોકઅદાલતમાં હાજર રહેવાના ડરે 10 દિવસમાં 5.5 કરોડ રૂપિયાનો દંડ રાજ્યના ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં જમા થઈ ગયો છે. એમાં પણ સૌથી વધુ દંડની રકમ મુંબઈના વાહનચાલકોએ ચૂકવી છે. આ દંડની રકમ 3.6 કરોડ રૂપિયા છે. લાંબા સમયથી ટ્રાફિક ચલનની રકમ નહીં ચૂકવવાના સંદર્ભમાં શનિવારે મુંબઈમાં પહેલી લોકઅદાલત યોજાવાની છે.
મહારાષ્ટ્રમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને દંડની રકમ મેન્યુઅલી ફટકારવાને બદલે 2019ની સાલથી ઈ-ચલન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ મહિનાની શરૂઆત સુધીમાં બાકી રહેલી દંડની રકમ 1,124 કરોડ રૂપિયા છે.
વાહનચાલકો દ્વારા દંડની રકમ ભરવામાં આવતી નથી. એથી ઍડિશનલ ડાયરેકટર જનરલ ઑફ પોલીસ દ્વારા રાજ્યની લીગલ સર્વિસ ઑથૉરિટી અને ત્યાર બાદ હાઈ કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાકી રહેલી ઈ-ચલનની રકમનો મુદ્દો લોકઅદાલતમાં ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્યના ટ્રાફિક ડિપાર્ટમેન્ટે છેલ્લા 6 મહિનાથી 1,000 રૂપિયાથી વધુ રકમનો દંડ ચૂકવ્યો ન હોય એવા ડિફોલ્ટર વાહનચાલકોની યાદી તૈયાર કરી હતી. એમાં રાજ્યનાં સાત લાખ વાહનચાલકો પાસેથી 113.6 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવાનો બાકી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી હતી.
રાજ્યમાં દંડની રકમ નહીં ચૂકવનારા સૌથી વધુ ડિફોલ્ટરો મુંબઈમાં છે. મુંબઈ 2.1 લાખ વાહનચાલકોએ દંડની રકમ ચૂકવી નથી. ત્યાર બાદ પુણેમાં 1.5 લાખ લોકોએ દંડની રકમ ચૂકવી નથી. થાણે શહેરમાં 45,752 તો નવી મુંબઈમાં 44,880, પાલઘરમાં 139 અને મીરા-ભાયંદરમાં 10,964 વાહનચાલકોનો સમાવેશ થાય છે. આ તમામ ડિફોલ્ટરોને 24 સપ્ટેમ્બર સુધી દંડની રકમ ભરી દેવાની નોટિસ આપી હતી. અન્યથા તેમને લોકઅદાલતમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. આ નોટિસને પગલે લોકઅદાલતમાં હાજર થવાના ડરે અત્યાર સુધી 5.5 કરોડ રૂપિયાનો દંડ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના ખાતામાં જમા થઈ ગયો છે.
