ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
કોરોનાની બીજી લહેરમાં વાઇરસનો સ્ટ્રેન બદલાતા હવે તે વધુ ખતરનાક બની ગયો છે. પ્રથમ લહેરમાં જ્યારે વાઇરસ શરીરમાં પ્રવેશતો ત્યારે તેને ફેફસા સુધી પહોંચતા પાંચથી સાત દિવસનો સમય લાગતો હતો. હવે તે માત્ર બેથી ત્રણ દિવસમાં ફેફસા સુધી પહોંચી જાય છે.
ડૉકટરોનું માનવું છે કે માણસ ૨૦ વર્ષ દરમિયાન રોજની ૨૦ સિગારેટ પીવે તેટલું જ નુકસાન માત્ર બેથી ત્રણ દિવસમાં આ નવા સ્ટ્રેનથી થાય છે. આ વાઇરસ માત્ર બેથી ત્રણ દિવસમાં ફેફસાને ૫૦ થી ૭૦ ટકા જેટલું નુકસાન કરે છે. હજી તો દર્દીનો સીટી સ્કેન કે આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવે ત્યાં સુધીમાં તો દર્દીની હાલત ગંભીર બની જાય છે. બીજા દિવસે ૫૦ ટકા તો ત્રીજા દિવસે ૭૦ ટકા જેટલું ઇન્ફેકશન દર્દીના ફેફસામાં જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં હાલ ૮૦% દર્દીઓ ઓક્સીજન પર છે. દરેક દર્દીનું સીટી સ્કેન કરાવવું શક્ય નથી, પરંતુ આ તમામના ફેફસામાં ૪૦% વધુ ઇન્ફેકશન હોવાનું તારણ ડૉક્ટર કરે છે કારણ કે જ્યાં સુધી દર્દીને ૧૫થી ૨૯ ટકા સુધી ઇન્ફેકશન થયું હોય ત્યાં સુધી તેને વધારાના ઓક્સિજનની જરૂર પડતી નથી.