ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આઈઆરસીટીસીએ નવી ચાલુ કરેલી રામાયણ સર્કિટ ટ્રેન સાથે વિવાદ જોડાઈ ગયો છે. સાત નવેમ્બરથી આ ટ્રેન ચાલુ થઈ છે. ટ્રેનને પર્યટકોએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે. પરંતુ આ ટ્રેનમા રહેલી રેસ્ટોરાંમાં વેઈટરો ભગવા કપડા પહેરીને ભોજન પીરસી રહ્યા છે, તેના ફોટો અને વિડિયો સોશિયલ મિડિયા પર ફરી વળતા દેશના સાધુ-સંતોએ તેને પોતાનું અપમાન ગણાવીને તેનો વિરોધ કર્યો છે. તો સાથે જ સોશિયલ મિડિયા પર પણ લોકોએ તેનો મોટી માત્રામાં વિરોધ કર્યો છે.
સોશિયલ મીડિયા પર ફરી વળેલા વિડિયો અને ફોટો બાદ અનેક ટ્વીટર યુઝરોએ તેનો વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર લોકોએ સાધુ-સંતોની વેશભૂષામાં લોકોને ખાવાનું આપવાનું, લોકોના એઠા વાણસો ઉપાડવાને સાધુ સંતોનું અપમાન ગણાવ્યુ હતું. અમુક યુઝરોએ તો આઈઆરસીટીસી સહિત રેલવે ખાતાને તાત્કાલિક ધોરણે વેઈટરોના કપડા બદલવાની માગણી કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે રામાયણ યાત્રા માટે સાત નવેમ્બરથી રામાયણ સર્કિટ ટ્રેન દિલ્હી થી ચાલુ કરવામાં આવી છે. બીજી ટ્રેન 12 ડિસેમ્બરના ચાલુ થશે. તેના બુકિંગ ચાલી રહ્યા છે. આ યોજના હેઠળ શ્રધ્ધાળુઓને ભગવાન રામ સાથે જોડાયેલા 15 સ્થળોના દર્શન કરાવવામાં આવવાના છે. આ ટ્રેન લગભગ 7,500 કિલોમીટરનું અંતર કાપવાની છે.