ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
નાઈજીરિયન નાગરિક સામે મુંબઈ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ની કાર્યવાહી દરમિયાન એક કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જોકે આ દિલધડક કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ પેડલરે કરેલા હુમલામાં એક પોલીસ અધિકારી જખમી થયો હતો. NCBએ આ કાર્યવાહીને અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ઑપરેશન ગણાવ્યું હતું.
આ લોકો પોતાનું કામ માનખુર્દમાં રેલવે ટ્રૅક પાસે કરતા હતા, જ્યાં એક તરફ ક્રીક આવેલી છે તો બીજી તરફ મેનગ્રોવ્ઝની ગીચ ઝાડીઓ આવેલી છે. NCBને ત્યાં ઑપરેશન ચાલતું હોવાની ટિપ મળી હતી, એને આધારે NCBએ રેલવે ટ્રૅક પાસેના તેમના અડ્ડા પર ધાડ પાડી હતી તેમ જ નાઈજીરિયન નાગરિક ઓબીઓરાહ એક્વેલાર્ટની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી.
અંધારાનો લાભ લઈ અન્ય આરોપીઓ છટકી જવામાં સફળ થયા હતા. આ દરમિયાન ટોળકીના એક સભ્યે પોતાની પાસે રહેલાં હથિયારો અને છરી તથા પથ્થરથી NCBની ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં એક અધિકારીના માથા પર ઈજા પહોંચી હતી. ડ્રગ્સ માફિયાઓ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં NCB અધિકારી પર હુમલો કરવાનો આ બીજો બનાવ છે.
