News Continuous Bureau | Mumbai
રાજયસરકાર, વહીવટીતંત્ર, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, સ્થાનિકો સહીત મીડિયાકર્મી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી બિપરજોય વાવાઝોડું સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી પસાર થઈ ગયું છે ત્યારે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રાહતનો શ્વાસ લઈ સરકાર અને વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન અને અથાક સક્રિયતાના હિસાબે છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર અને સમગ્ર વિસ્તારના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓએ વાવાઝોડામાં થનારી સંભવિત અસરો સામે ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે જાગૃતિ દાખવી તથા મીડિયાકર્મીઓએ પણ પૂરતો સહકાર આપી પળે પળની સચોટ માહિતી લોકો સુધી પહોંચાડી પરિણામે જનતાને વાવાઝોડાની ભયાનકતા અને સંભવિત અસરો વિશેનો ખ્યાલ આવ્યો, અને થનારૂં નુકસાન મહદ અંશે નિવારી શકાયું, જે સરાહનીય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સતત માર્ગદર્શન આપતા રહ્યા અને કેન્દ્રમાંથી એસ.ડી.આર.એફ., એન.ડી.આર.એફ, કોસ્ટકાર્ડથી લઈ જરૂરી તમામ વ્યવસ્થાઓ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પૂરી પાડી છે.
આ સમાચાર પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાની અસરથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વધુ, ક્યાંક વૃક્ષો તો ક્યાંક સ્કૂલની દિવાલ પડી
ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પણ સતત માર્ગદર્શન આપ્યું. સમગ્ર સરકારી વહીવટી તંત્રની સાથોસાથ જુદા જુદા સંગઠનો, સ્થાનિક સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ નાગરિકોએ સહિયારા પ્રયાસો થકી ખૂબ સુંદર અને સુદ્રઢ કામગીરી વાવાઝોડા દરમિયાન કરી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી વાવાઝોડાંની સ્થિતિ દરમિયાન સતત જાગૃત રહીને વહિવટી તંત્ર પાસે સચોટ કામગીરી કરાવી અંદાજે એક લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે રાખી રહેવા જમવા જરૂરી દવાઓ સાથે પ્રાથમિક જરૂરિયાતો અને સગવડતાઓ પૂરી પાડી જેના પરિણામે ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવો નથી બન્યા. વડાપ્રધાનશ્રીનાં દિશા નિર્દેશ મુજબ મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રીય મંત્રીઓને ફરજ સોંપી. આ સાથે જ અસરગ્રસ્ત તમામ જિલ્લાઓમાં પ્રભારી મંત્રીની સાથે પ્રભારી સચિવોને પણ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા. તેઓએ સહર્ષ કહ્યું હતું કે, બધાની દેખરેખ, માર્ગદર્શન અને વહીવટીતંત્રની સજાગતાનાં કારણે આ વાવાઝોડાના સમયગાળામાં એક પણ આકસ્મિક મૃત્યુ થયું નથી, જે આપણા માટે ખૂબ જ આનંદ અને રાહતની વાત છે. સામાજિક ધાર્મિક સંસ્થાઓએ પણ સરકારી તંત્રની સાથે ખભે ખભા મિલાવી સતત ખડેપગે રહી જરૂરી મદદ કરી. તમામ પ્રયાસો થકી વાવાઝોડાની ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે ત્યારે મોટું વાવાઝોડું હોવા છતાં એક પણ અનિચ્છનિય બનાવ કે માનવ મૃત્યુ વાવાઝોડા દરમિયાન નથી થયું જે સરકાર અને સરકારી તંત્રની કાર્યદક્ષતા દર્શાવે છે.