ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
14 ડિસેમ્બર 2020
કાલે સવારે ઉઠીને કોઈ કહે કે તક્ષશિલા પાકિસ્તાન નો ભાગ હતો તો સૌથી પહેલાં હસવું જ આવે. પરંતુ પાકિસ્તાને હવે વિશ્વના ભારતીય ઉપખંડના ઇતિહાસને લગતી ખોટી માહિતી ફેલાવવાનું કામ શરૂ કર્યું છે. આ વખતે વિયેટનામમાં પાકિસ્તાનના રાજદૂત કમર અબ્બાસ ખોખરે દાવો કર્યો છે કે તક્ષશિલા યુનિવર્સિટી ભારત નહીં પણ 'પ્રાચીન પાકિસ્તાન'નો ભાગ હતી. ખોખરે ટ્વિટર પર દાવો કર્યો હતો કે તક્ષશિલા યુનિવર્સિટી પાકિસ્તાનમાં હતી અને ચાણક્ય અને પાણીની જેવા વિદ્વાનો પણ પાકિસ્તાનના પુત્રો છે. જો કે, ખોખરના આ દાવાને ટ્વિટર પર લોકોએ નકારી કાઢતા તેઓ ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે.
ખોખરે, તક્ષશિલા યુનિવર્સિટીની કથિત તસવીરને ટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે, 'આ તક્ષશિલા યુનિવર્સિટીની તસવીર છે જે ફરીથી બનાવવામાં આવી છે. જ્યારે આ જ યુનિવર્સિટી 2700 વર્ષ પહેલાં પ્રાચીન પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ નજીક હાજર હતી. આ યુનિવર્સિટીમાં, વિશ્વના 16 દેશોના વિદ્યાર્થીઓ 64 વિવિધ વિષયોમાં ઉચ્ચ શિક્ષણ લેતા હતા, જેને પાણીની જેવા વિદ્વાનો દ્વારા શીખવવામાં આવતું હતું.
જોકે, ખોખરના આ દાવા પછી લોકોએ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. લોકોએ સવાલ ઉઠાવ્યો કે જો 14-15 ઓગસ્ટ 1947 પહેલા પાકિસ્તાન નહોતું, તો તેના ઇતિહાસનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. લોકોએ કહ્યું કે ચાણક્ય ભારતીય ઉપખંડના રાજા ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાન હતા અને તેમના રાજ્યની રાજધાની પાટલીપુત્ર (પટના) હતી. આ ક્ષેત્ર એ હાલ ભારતનું બિહાર રાજ્ય છે.
નિષ્ણાતોના મતે, પાકિસ્તાન ઘણા સમયથી તેની શાળાના પુસ્તકોમાં આવા ખોટા ઇતિહાસનું અધ્યયન કરાવી રહ્યું છે. આ પુસ્તકોમાં ભારતીય ઇતિહાસ હિન્દુઓના ઇતિહાસ તરીકે શીખવવામાં આવે છે.
