News Continuous Bureau | Mumbai
‘કિટ’ યુનિવર્સિટી(KIIT University)એ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ(Times Higher Education World University Rankings)માં મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે. બુધવારે ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ-2023 જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ‘કિટ’ દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે ‘કિટ’ 801+ની સ્થિતિમાં હતી, આ વર્ષે તેમાં 200 રેન્કનો સુધારો થયો છે અને તે હવે 601+ પર છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા શૈક્ષણિક વાતાવરણ, સંશોધન, નવીનતા, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ અને ઉદ્યોગ સમાવેશ જેવા માપદંડોના આધારે રેન્કિંગ આપવામાં આવે છે.
આ વર્ષે ‘કિટ’ દ્વારા રજત જયંતી(Silver Jubilee)ની ઉજવણી કરીને, આ સિદ્ધિ મેળવતા સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને કર્મચારીઓમાં ખુશી વ્યાપી છે. ટાઇમ્સહાયર એજ્યુકેશન વિશ્વની તમામ યુનિવર્સિટીઓ માટે આ રેન્કિંગ તૈયાર કરે છે. ગત વર્ષ કરતા વધુ સારું પ્રદર્શન કરીને, ‘કિટ’ આ વર્ષે દેશનાં પૂર્વ વિસ્તાર અને ઓડિશાની યુનિવર્સિટીઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: દિવાળીની ઉજવણી પડશે ફિક્કી- મુંબઈ શહેરમાં આ તારીખથી ધારા 144 લાગુ-પાંચથી વધુ લોકો ભેગા થયા તો પોલીસ લેશે એક્શન
ખૂબ જ ટુંકાગાળામાં આ યુનિવર્સિટીને વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની સમકક્ષ બનાવવા માટે ઘણા શિક્ષણવિદોએ ‘કિટ’ અને KISSના સંસ્થાપક અચ્યુત સામંતની પ્રશંસા કરી છે. વિદ્વાનોએ કહ્યું છે કે, સામંતની દીર્ઘ દૃષ્ટિના કારણે, ઓડિશાની એક યુનિવર્સિટીને આજે સ્થાપિત અને જૂની યુનિવર્સિટીઓને પાછળ રાખીને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની સમકક્ષ બનાવી છે.
આ નિમિત્તેે સામંતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના તમામ પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોને કારણે આ સફળતા શક્ય બની છે. કિટ યુનિવર્સિટી(KIIT University)ના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ સંસ્થાપક સામંતના નિરંતર પ્રયાસો અને દૂરંદેશીતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ સામંતે કહ્યું છે કે, આ ‘કિટ’ની સફળતા છે.
