ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન ૨૦૨૧
ગુરુવાર
સાગર રાણા હત્યાકેસને લગભગ એક મહિનાનો સમય થયો છે, પરંતુ પોલીસને હજી સુધી આ કેસમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જ્યારે આ કેસના કેટલાક આરોપીઓ હજી ફરાર છે, જેની ધરપકડ પોલીસ માટે પડકારરૂપ છે. છત્રસાલ સ્ટૅડિયમમાં લગાવેલા CCTV કૅમેરાના ફૂટેજ સિવાય સુશીલ દ્વારા બનાવના સમયે પહેરેલાં કપડાં અને દંડા હજી પણ મળ્યા નથી.
દરમિયાન ઑલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલકુમારના દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા પછીદિલ્હી પોલીસે તેને વધુ ત્રણ દિવસ માટે રિમાન્ડમાં રાખવાની માગ કરી હતી, પરંતુ દિલ્હીની રોહિણી કોર્ટે અપીલ નકારી કાઢી છે અને સુશીલને જેલમાં મોકલ્યો છે. પોલીસે ફરી એકવાર આરોપી પહેલવાન સુશીલકુમાર પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દસ દિવસના રિમાન્ડમાં પોલીસને કોઈ ચોક્કસ અને મજબૂત પુરાવા મળ્યા નથી. એટલું જ નહીં, જો સુશીલના ભાગીદાર આરોપી પ્રિન્સ દલાલના મોબાઇલમાંથી ક્રાઇમ બ્રાન્ચને ઘટનાના ફૂટેજ ન મળ્યા હોત, તો તેના હાથ સંપૂર્ણ ખાલી હોત. જોકેઆ દરમિયાન દિલ્હી પોલીસની ઘણી ટીમો કાર્યરત રહી છે. ક્રાઇમ બ્રાન્ચ એની તપાસમાં હજી સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી.