ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
મુંબઈમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમાઈક્રોનને ધ્યાનમાં રાખીને તેમ જ પાર્ટીનું વધી રહેલું ચલણને ધ્યાનમાં રાખીને પાલિકા એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની નજર હવે હોટલ રેસ્ટોરાંમાં થનારી પાર્ટીઓ પર જ નહીં પણ ઘરમાં થનારી પાર્ટીઓ પર પણ રહેવાની છે. પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે ઘરમાં થનારી પાર્ટીઓને લઈને પણ નિયમો જાહેર કરી દીધા છે.
બોલીવુડમાં ચાલી રહેલી પાર્ટીઓને પગલે ફિલ્મ અભિનેત્રીઓ અને તેમના નજીકના લોકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકા પાર્ટીઓમાં ઉમટનારી ભીડને લઈને એલર્ટ થઈ ગઈ છે. તેમાં પણ હવે થર્ટી ફર્સ્ટ નજીક આવી ગઈ છે અને પાર્ટીઓ અને સેલિબ્રેશન નું પ્રમાણ વધી જવાનું છે, તેને કારણે કોરોના ફેલાવાનું જોખમ વધી ગયું છે. તેથી ઈકબાલસિંહ ચહલે ઘરમાં પાર્ટીનું આયોજન કરનારાઓને પણ પાર્ટીમાં 50 ટકાથી વધુની હાજરી પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઘરની સાઈઝ અને તેમાં માણસો સમાવવાની ક્ષમતાના 50 ટકા લોકોને જ પાર્ટીમાં બોલાવી શકાશે. તેમાં પણ કોવિડને લગતા તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
કમિશનરે મુંબઈના રહેવાસીઓની સાથે જ હોટલ ઈન્ડસ્ટ્રીને સેલ્ફ ડિસિપ્લિન રાખવાની અપીલ પણ કરી હતી. ઈન્ડોર એટલે કે બંધ હોલમાં 50 ટકા અને ખુલ્લામાં 25 ટકા લોકોની હાજરીને મંજૂરી રહેશે. તેનાથી વધુ લોકો હાજર રહે તેનું ધ્યાન રાખવાની પાર્ટીના આયોજકની રહેશે, નિયમનું ઉલ્લંઘન થયુ તો તેની સામે આકરી કાર્યવાહીની ચેતવણી પણ તેમણે આપી છે.