ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર, 2021
મંગળવાર
BMCએ ફરી જનતાના પૈસા ઉડાવવાની તૈયારી કરી લીધી છે. પાલિકા તેના રસ્તાઓ, પુલ અને સ્ટ્રોમ વોટર ડ્રેઇન્સ (SWD) વિભાગ માટે અંદાજપત્રીય જોગવાઈઓ લગભગ ખતમ કરી દીધી છે. હવે 600 કરોડ રૂપિયાની અછતને પહોંચી વળવા માટે ઈમરજન્સી ફંડમાંથી ખર્ચ કરવો પડશે. પાલિકાએ ઇમરજન્સી ફંડમાંથી દરેક વિભાગને રૂ. 200 કરોડ ફાળવવા માટે નાગરિક સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મૂકી છે. જેના પર બુધવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ચર્ચા કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ માર્ગ અને SWD વિભાગોએ ફેબ્રુઆરીમાં બજેટ દરમિયાન ફાળવેલ લગભગ 95% ભંડોળ વાપરી નાખ્યો છે અને 75% ભંડોળ પુલ વિભાગે ઉપયોગ કરી લીધો છે. BMCએ માર્ગ વિભાગ માટે રૂ. 1187.14 કરોડ ફાળવ્યા હતા, જેમાંથી રૂ. 1152.76 કરોડ વપરાઈ ગયા છે. પુલ વિભાગે તેની રૂ. 444.93 કરોડની બજેટ જોગવાઈમાંથી રૂ. 370.33 કરોડનો ઉપયોગ કર્યો છે. જ્યારે ઓક્ટોબર 2021 સુધીમાં SWD વિભાગના રૂ. 505.14 કરોડમાંથી રૂ. 487.36 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે બજેટમાં ફાળવેલા રૂપિયામાંથી મોટા ભાગનો ખર્ચ થયા છતાં પાલિકાનું કરેલું કોઈ કામ દેખાતું કેમ નથી?
ઓક્ટોબર 2021થી રૂ. 1,200 કરોડના ખર્ચે રોડ સમારકામનો નિર્ણય બાકી રાખવામાં આવ્યો હોવાથી BMC તાજેતરમાં જ ચર્ચામાં આવી હતી. પાલિકા અધિકારીઓએ મીડિયાને કહ્યું હતું કે કામનું પ્રમાણ વિશાળ હોવાથી, તેઓ નક્કી કરવા માગે છે કે કયા કામને પ્રાથમિકતા પર લેવાની જરૂર છે, પરંતુ વિપક્ષી કોર્પોરેટરોએ આરોપ લગાવ્યો હતો કે BMC મોટા પ્રોજેક્ટ્સ પર ઉડાઉ ખર્ચ કરી રહી છે. જ્યારે જરૂરી રસ્તાના કામની અવગણના કરવામાં આવી રહી છે.
