ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
ભાતસા બંધના વીજ ઉત્પાદન કેન્દ્રમાં સર્જાયેલી ખામીને કારણે મુંબઈમાં હાલ સત્તાવાર રીતે 15 ટકા પાણી કાપ મૂકવામાં આવ્યો છે. પરંતુ મુંબઈના મોટાભાગ વિસ્તારમાં 40 ટકા સુધી પાણી કાપ હોવાની ફરિયાદ નગરસેવકે પ્રશાસનને કરી છે. પાલિકા પ્રશાસને પણ આડકતરી રીતે તેની કબૂલાત કરી હતી.
રાજ્યના મોટા બંધ કહેવાતા ભાતસા બંધમાંથી મુંબઈને લગભગ 50 ટકા પાણી મળે છે. રવિવારે ભાતસા બંધ પર આવેલા વીજ ઉત્પાદન કેન્દ્રમાં પાણી ભરાઈ ગયું હતું. તેને કારણે મશીનોમાં પણ પાણી ઘુસી ગયા હોવાનું કહેવાય છે. તેને કારણે મુંબઈ જ નહીં પણ થાણે સહિતના વિસ્તારોના પાણીપુરવઠાને પણ ગંભીર ફટકો પડયો છે.
બોરીવલીવાસીઓ માટે સારા સમાચાર. પાણી વિભાગે પ્રેસ રિલીઝના માધ્યમથી આ માહિતી જાહેર કરી છે.
વીજ ઉત્પાદન કેન્દ્રમાં યુદ્ધના ધોરણે પાલિકાએ સમારકામ હાથ ધર્યુ છે. તેથી સત્તાવાર રીતે 15 ટકા પાણીકાપ મૂકવામા આવ્યો છે. પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના કહેવા મુજબ મુંબઈને કરવામાં આવતા કુલ પાણી પુરવઠામાં હાલ 700 મિલિયન લિટર પાણી ઓછું મળી રહ્યું છે. તેથી વધારાનું પાણી વૈતરણા બંધમાંથી લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. સમારકામ થાય નહીં ત્યાં સુધી પાણીની તકલીફ થઈ શકે છે.
જોકે નગરસેવકોએ પ્રશાસનને આડે હાથ લીધી હતી અને દાવો કર્યો હતો કે મુંબઈના મોટાભાગના વિસ્તારમાં 15 નહીં પણ 40 ટકાથી વધુ પાણીકાપ છે. ડુંગરાળ વિસ્તારમાં પાણીપુરવઠાને ગંભીર અસર થઈ છે. ખાસ કરીને કુર્લા, ઘાટકોપર, મુલુંડના ડુંગરાળ વિસ્તારમાં પાણી પુરવઠો એકદમ ઓછા દબાણ સાથે છે. તો મુંબઈના બીજા વિસ્તારોમાં પણ પાણી બહુ ઓછું મળી રહ્યું હોવાની ફરિયાદ નગરસેવકોએ કરી હતી.