ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી છે. તેમ છતાં લોકલના દરવાજા સામાન્ય મુંબઇગરા માટે બંધ છે, જેને કારણે મુંબઈગરાંને ભારે હાલાકી પડી રહી છે. હવે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લોકલ શરૂ કરવા અંગે પત્ર લખ્યો છે. આ પત્રમાં રાજ ઠાકરેએ ચેતવણી આપી છે કે મુંબઈમાં લોકલ તાત્કાલિક બધા માટે ખોલવામાં આવે નહિતર મનસે દ્વારા આંદોલન કરવામાં આવશે.
રાજ ઠાકરેએ પોતાના પત્રમાં લખ્યું છે કે છેલ્લા 15 મહિનાથી મહારાષ્ટ્ર સરકારે બાકીના દેશની જેમ મહારાષ્ટ્ર પર પણ વિવિધ પ્રતિબંધો લાદ્યા છે. લોકો આ પ્રતિબંધોને અનુસરી રહ્યા છે, પરંતુ આજકાલ સવાલ એ છે કે આ પ્રતિબંધો કોના માટે છે. હાલમાં મુંબઈ શહેર માટે લેવામાં આવતા નિર્ણય અગમ્ય છે. મુંબઈની લગભગ તમામ ઓફિસો ખુલી ગઈ છે અને દરેક વ્યક્તિ ઘરેથી કામ કરી શકતી નથી. આ માટે તેઓએ દરરોજ ઘણા કલાકોની મુસાફરી કરવી પડે છે.
દૈનિક ભાસ્કરનાં કાર્યાલયોપર ઇન્કમ ટૅક્સની રેડ; સંસદમાં પણ આ મામલે પડ્યા પડઘા, જાણો વિગત
મહારાષ્ટ્ર સરકારે બસ સેવા માટે પરવાનગી આપી દીધી છે, પરંતુ લોકલ બંધ હોવાને કારણે આ બસમાં ખૂબ ભીડ થાય છે. આવી ભીડમાં મુસાફરી કરવાથી કોરોના ફેલાવાનું જોખમ વધે છે. તેથી બસ અને લોકલ શરૂ કરીને મુંબઈગરાને રાહત આપવાની માગણી રાજ ઠાકરેએ કરી છે.