ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈમાં 700 સ્કવેરફૂટથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ઘરોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાનો પ્રસ્તાવને મુંબઈ મનપાએ ફગાવી દીધો છે. રાજ્ય સરકાર તરફથી 700 સ્કવેરફૂટ અને તેનાથી વધુ વિસ્તાર ધરાવતા ઘરોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાને લગતો સરકારે કોઈ નિર્ણય લીધો નથી. તેથી મુંબઈ મહાનગરપાલિકા તેને લગતો કોઈ નિર્ણય લઈ શકશે નહીં એવું પણ પ્રશાસને કહ્યું છે.
ભાજપના ઈશાન મુંબઈના સાંસદ મનોજ કોટકે 2018ની સાલમાં આ પ્રસ્તાવ લાવ્યા હતા. તેને પાલિકાની સામાન્ય સભામાં મંજૂરી આપી દેવામાં આવી હતી. મંજૂરી બાદ આ પ્રસ્તાવને પાલિકા કમિશનર પાસે અભિપ્રાય લેવા માટે મોકલવામા આવ્યો હતો.
પાલિકા પ્રશાસનના કહેવા મુજબ 700 સ્કવેરફૂટ અને તેનાથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ઘરોને પ્રોપર્ટી ટેક્સમાં 100 ટકા રાહત આપવાની સત્તા રાજય સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. રાજય સરકાર આદેશ આપે તો જ પાલિકા પ્રશાસન તેને અમલમા મૂકી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે 2017ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન શિવસેનાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં 500 સ્કવેર ફૂટ સુધીના ઘરોને પ્રોપર્ટી ટેક્સમાં સપૂર્ણપણે માફી આપવાની જાહેરાત કરી હતી. તો 700 સ્કવેર ફૂટ અને તેનાથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ઘરોને રીબેટ આપવાની જાહેરાત કરી હતી. જેમાથી 500 સ્કેવર ફૂટ સુધીના ઘરોને લગતો પ્રસ્તાવ મંજૂર થઈને તેને અમલમાં પણ મૂકી દેવામાં આવ્યો છે.