Site icon

કેલ્ક્યુલેટર કરતાં પણ ફાસ્ટ છે આ બે ગુજરાતી બાળકોનું કેલ્ક્યુલેશન; વૈશ્વિક સ્તરેપણ હાંસલ કરી છે અનેક સિદ્ધિઓ, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

આ વાત છે બે એવા ભાઈઓની જેમના માટે ગણતરી એટલે સાવ રમત વાત છે. મુલુંડમાં રહેતા જિનાંશ દેઢિયા અને શનય દેઢિયાની ઉંમર માત્ર દસ વર્ષ અને સાત વર્ષની છે છતાં સિદ્ધિઓ અનેક છે. પાંચ અંકી સંખ્યાઓનો ગુણાકાર હોય કે રૂબિક ક્યુબ કે પછી કૅલેન્ડર ડેટ બધું જ એકદમ સરળતાથી કહી આપે છે.

આ બંને બાળકોએ હાલમાં જ વધુ એક સિદ્ધિ આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવી દેશનું નામ રોશન કર્યું છે. દર વર્ષે પાંચ મેના રોજ વિશ્વ ગણિત દિવસ ઊજવવામાં આવે છે. એ નિમિત્તે વર્લ્ડ એજ્યુકેશન ગેમ ૨૦૨૧નું ઑનલાઇન આયોજન ઑસ્ટ્રેલિયામાં થયું હતું, જેમાં ૧૫૦ દેશોમાંથી ૩૫ લાખ સ્પર્ધકો સહભાગી થયા હતા. આ સ્પર્ધામાં ગણિતના અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે અને સ્પર્ધકે ઓછામાં ઓછા સમયમાં સૌથી વધુ કોયડા ઉકેલવાના હોય છે. આ સ્પર્ધામાં જિનાંશને ગ્રેડ ચાર અને શનયને ગ્રેડ એકમાં ગોલ્ડ મેડલ મળ્યો છે.

હકીકતે જિનાંશ જ્યારે સાડાત્રણ વર્ષનો હતો ત્યારે તેની મમ્મીએ એકવાર ક્યુબ સાથે તેને રમતાં જોયો હતો અને ત્યાર બાદ તેને ક્યુબ સોલ્વ કરતાં શીખવ્યું હતું. જિનાંશ ટૂંક સમયમાં જ આમાં નિપુણ થઈ ગયો અને માત્ર ચાર વર્ષની ઉંમરે તેણે યંગેસ્ટ ક્યુબરનું બિરુદ મેળવ્યું હતું. જિનાંશે ૨૦૧૫માં પણ વર્લ્ડ એજ્યુકેશન ગેમમાં ભાગ લીધો હતો અને ત્યારે પણ સિનિયર કેજીના ગ્રેડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. યુએસમાં યોજાયેલી મેન્ટલ સ્પોર્ટ્સ ઑલિમ્પિક્સમાં ૪૦ દેશોમાંથી ભાગ લેનાર લોકોમાં તે સૌથી યંગેસ્ટ હતો. આ સ્પર્ધામાં તેણે એક મિનિટમાં ૫૩ કૅલેન્ડર ડેટ કહી હતી અને છઠ્ઠો આવ્યો હતો (કૅલેન્ડર ડેટની ગેમમાં સ્પર્ધકને કોઈપણ વર્ષની તારીખો આપવામાં આવે છે અને સ્પર્ધકે એ તારીખે કયો વાર હતો એ જણાવવાનું હોય છે). ત્યાર બાદ ૨૦૧૭માં તેણે ટર્કી મેમોરિયલ ચૅમ્પિયનશિપમાં વિવિધ મેથ્સની ગેમ સહિત કૅલેન્ડર ડેટમાં એક મિનિટમાં ૯૭ ડેટ્સ કહી વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. પાંચ અંકી સંખ્યાઓના ગુણાકારના ૧૦ દાખલા તેણે માત્ર ૧૧૨ સેકેન્ડમાં સોલ્વ કરી વધુ એક વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો.

જિનાંશની જેમ તેનો નાનો ભાઈ શનય પણ ખૂબ જ હોશિયાર છે. તેણે માત્ર સાડાત્રણ વર્ષની ઉંમરે યંગેસ્ટ ક્યુબર ઑફ ઇન્ડિયાનું બિરુદ મેળવ્યું છે. ઇન્ડિયન ક્યુબ ઍસોસિયેશન અને મુંબઈ ક્યુબ ઍસોસિયેશન દ્વારા ૨૦૧૯માં યોજાયેલી સ્પર્ધામાં તેણે ૧,૧૦૦ છોકરાઓ વચ્ચે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું.

આ સંદર્ભે વાત કરતાં આ બંને બાળકોના પિતા વિમેશ દેઢિયાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે એક પિતા તરીકે હું ખૂબ જ ગર્વ અનુભવું છું. બંને બાળકોએ તેમની આ સિદ્ધિ માટે ખૂબ જ મહેનત કરી છે.આ બંને બાળકો ભણવા સાથે દિવસમાં બેથી ત્રણ કલાક મેન્ટલ રમતોની પ્રૅક્ટિસ પણ કરે છે.

ઉલ્લેખનીય છે કે જિનાંશની આ સિદ્ધિ જોતાં હોલિવુડનો ફેમસ પ્રખ્યાત શો લિટલ બિગ શોટ્સમાં પણ તેને બોલાવવામાં આવ્યો હતો. તેમ જ શનયને યુનિવર્સિટી ઑફ ટર્કીએ ખાસ ક્યુબ પર્ફોર્મન્સ આપવા માટે બોલાવ્યો હતો.

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Organ Donation :A solider never die! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ, દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું
Organ Donation : નવી સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ત્રીજું અંગદાન, બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરી મનિષાની બે કિડની અને લીવરનું અંગદાન;ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે..
Jharukho : આવતીકાલે શનિવારે બોરીવલીમાં ‘ઝરૂખો ‘માં ‘ શ્રાવણનો પાઠ ‘ અને ‘ નદીષ્ટ ‘ વિશે રસપ્રદ જાહેર કાર્યક્રમ
Exit mobile version