ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧
શુક્રવાર
આજના સમયમાં વાલીઓને પોતાનાં બાળકોને વિવિધ વિદેશી ભાષા શીખવવાનું ઘેલું લાગ્યું છે. આવા સમયમાં પણ પનવેલમાં રહેતા એક વાલી એવા છે જેમણે બાળકોને પ્રથમ માતૃભાષા ગુજરાતી શીખવવાને પ્રાધાન્ય આપ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ ડિમ્પલ સાદરાણીની, જે પોતાનાં બાળકો ઉપરાંત આસપાસના વિસ્તારનાં બાળકોને પણ ગુજરાતી શીખવે છે.
હકીકતે 3 વર્ષ પૂર્વે તેમના ધ્યાનમાં આવ્યું કે તેમનો ૧૨ વર્ષનો પુત્ર અંગ્રેજી તો જાણે છે, પરંતુ માતૃભાષા ગુજરાતી વાંચી કે લખી શકતો નથી. આ વાતનીનોંધ ગંભીરતાથી લઈ પોતાના પુત્રને જ અવનવી રીતે ગુજરાતી શીખવવાની શરૂઆત કરી અને ત્યાર બાદ તેમના પ્રયાસથી ધીમે-ધીમે પોતાના સગાં-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોનાં બાળકો પણ આમાં જોડાવા લાગ્યાં. આ કાર્યમાં તેમની સહેલી જલ્પા જોશીનો પણ પૂરો સહકાર મળ્યો હતો.
હાલ પણ આ બે બહેનપણીઓની જોડી ૧૫ જેટલાં બાળકોને વિવિધ ઍક્ટિવિટી દ્વારા ઑનલાઇન ગુજરાતી લખતાં-વાંચતાં શીખવી રહી છે. અઠવાડિયામાં ત્રણ વખત દોઢથી બે કલાક આ વર્ગો ચલાવવામાં આવે છે જેમાં બાળકોને હસતાં-રમતાંભાષાનું જ્ઞાન આપવામાં આવે છે. એમાં પનવેલ, બોરીવલી અને મુંબઈનાં વિવિધ પરાંમાંથી બાળકો જોડાય છે.
આ સંદર્ભે વધુ વાત કરતાં ડિમ્પલ સાદરાણીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “બાળકો જો માતૃભાષા શીખશે તો તેમનું ઘડતર સરળતાથી થશે.” આજકાલ પ્રેમલગ્ન અથવા આંતરજાતીય લગ્ન ખૂબ જ સામાન્ય થઈ ગયાં હોવાથી બાળકોને માતૃભાષા સહિત પિતૃભાષા પણ શીખવવી જોઈએ એવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડિમ્પલબહેન પોતે પ્રાઇવેટ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં વર્ગશિક્ષક તરીકે પણ ફરજ બજાવે છે અને જલ્પા બહેનને પણ ટ્યૂશનનો અનુભવ હોવાથી આ બંને જણ પોતાના અનુભવથી સમાજ માટે આ કાર્ય નિ:શુલ્ક કરી રહ્યાં છે.
