ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
આ વાત છે ઘાટકોપરની શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની, જે આજે પણ ૯૩૦ જેટલી વિદ્યાર્થિનીઓને માતૃભાષામાં નિઃશુલ્ક શિક્ષણ આપી રહી છે. કોરોનાના કપરા સમયમાં જ્યાં પરીક્ષા રદ થઈ ગઈ છે એવામાં વિદ્યાર્થિનીઓને સતત પ્રવૃત્તિમય રાખવા આ શાળામાં ઇતર વિવિધ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. શાળામાં સ્પોકન ઇંગ્લિશ, વૈદિક મેથ્સ, સંસ્કૃત સંભાષણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના પણ વર્ગો લેવામાં આવે છે.
કોરોના મહામારી પૂર્વે વૅકેશન દરમિયાન સમર કૅમ્પનું આયોજન કરવામાં આવતું હતું, ત્યારે સંસ્કૃત સહિત ડાન્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી. લૉકડાઉનમાં પણ આ ઉપક્રમ શાળાએ ચાલુ જ રાખ્યો છે. માત્ર એનું સ્વરૂપ બદલાઈ ગયું છે અને એઑનલાઈન લેવામાં આવે છે.
હાલ રોટરી ક્લબ ઑફ મુંબઈ ઘાટકોપર દ્વારા અઠવાડિયામાં ચાર દિવસ ધોરણ સાતથી દસની વિદ્યાર્થિનીઓને સ્પોકન ઇંગ્લિશ શીખવવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થિનીઓને સંસ્કૃત સંભાષણ પણ શીખવવામાં આવે છે. જેનો લાભ ધોરણ છથી દસની ૮૫ વિદ્યાર્થિનીઓને મળે છે. આ વર્ગો સંસ્કૃત ભારતીના સરોજબહેન વોરા દ્વારા દરરોજ સાંજે ૪૫ મિનિટ માટે લેવામાં આવે છે.
ઉપરાંત રોટરી ક્લબ ઑફ મુંબઈ ઘાટકોપર દ્વારા વૈદિક મેથ્સ શીખવવાનો પણ ખર્ચ માથે લેવાયો છે, જે અંતર્ગત વિષયના નિષ્ણાત દ્વારા ૧૫ વિદ્યાર્થિનીઓ વૈદિક ગણિત પણ શીખી રહી છે. આ વર્ગો ગયા સપ્ટેમ્બરમાં શરૂ થયા હતા. હાલ આ વિદ્યાર્થિનીઓ લેવલ 3 સુધી પહોંચી ચૂકી છે. આ વર્ગો અઠવાડિયામાં બે વખત લેવામાં આવે છે. બાળકો અત્યારથી જ અધ્યાત્મ તરફ ઢળેએ માટે તેમને ઉષાબહેન કતીરા દ્વારા ભગવદ્ ગીતા પણ શીખવવામાં આવે છે. આ ઉપક્રમ દર વર્ષે યોજવામાં આવે છે અને હાલ છેલ્લાં ત્રણ મહિનાથી ૩૦ જેટલી વિદ્યાર્થિનીઓ આ વર્ગોમાં નિયમિત પણે જોડાય છે.
આ સંદર્ભે વાત કરતાં શાળાનાં આચાર્યા નંદાબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “આ તમામ ઉપક્રમમાં વૅકેશન છતાં શિક્ષકો અને વિદ્યાર્થિનીઓ ખૂબ ઉત્સાહથી સહભાગી થાય છે. ઉપરાંત સંચાલક મંડળ પણ પીઠબળ પૂરું પાડે છે.”
ઉલ્લેખનીય છે કે આ શાળામાં માયડીજી દ્વારા ‘હાવ ટુ બીલ્ડ વોકેબ્લરી’ અને ‘ગ્રુમિંગ ઍન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટ’ના પણ વર્ગો લેવાયા હતા. ઉપરાંત ગૂગલની વિવિધ ઍપનો ઉપયોગ ભણવામાં કઈ રીતે કરવો એ પણ શીખવવામાં આવે છે.