ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
માતૃભાષા ગુજરાતીના શુદ્ધ ઉચ્ચારણ માટે કાર્યરત એવી સંસ્થા અસ્મિતા ગુજરાતી (મુંબઈ)એ એક વેબિનારનું આયોજન કર્યું છે. આ વેબિનારમાં ઉચ્ચારમાં અવારનવાર થતી ભૂલો પર ધ્યાન દોરી અને શબ્દોનું સાચું ઉચ્ચારણ શીખવવામાં આવશે. આ વેબિનારનું આયોજન 3 જુલાઈ, શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્યે ઝૂમના માધ્યમથી યોજાશે.
આ સંદર્ભે વાત કરતાં અસ્મિતા ગુજરાતીના દિલીપ દોશીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “રમૂજી વાત એ છે કે લગભગ ૮૦% ગુજરાતીઓ ‘શ, ષ અને ક્ષ’ને બદલે સનો પ્રયોગ કરે છે.” તેમના મતે બાળકોને નાનપણથી જ શુદ્ધ ઉચ્ચારણ શીખવવાં જોઈએ, પરંતુ તે શિક્ષકોને પણ છેક એમ.એડ. લેવલ પર શીખવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતીમાં વાતચીત કરતી વખતે સ, શ અને ષના ઉચ્ચારણ પણ લોકો ખાસ ધ્યાન આપતા નથી. તેને કારણે ઘણીવાર અર્થનો અનર્થ થઈ જતો હોય છે અને એથી જ આ વેબિનારનું આયોજન કરાયું છે.
જો તમે પણ આ વેબિનારમાં જોડવા ઇચ્છતા હો તો દિલીપભાઈ દોશીનો આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો – +91 96199 19215